જિલ્લા, તાલુકા અને પંચાયતોમાં કોંગ્રેસના લોકો બળવો કરીને પાર્ટી છોડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ લોકોનું ધ્યાન બીજે દોરવા નિષ્ફળ પ્રયાસ કરી રહી છે : વાઘાણી

ગાંધીનગર: ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આજે (બુધવારે) ‘‘ કમલમ્’’ ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકારોને સંબોધતા માંગણી કરી છે કે, નાફેડના ચેરમેન વાઘજી બોડા સામે મગફળી ખરીદી તેમજ ભેળસેળ અંગેની ગેરરીતી બાબતે ફોજદારી રાહે પગલા લેવા જોઇએ અને તેઓ કોંગ્રેસના આગેવાન હોય તેમજ કોંગ્રેસ તરફથી વિધાનસભાની ચૂંટણી લડેલા હોય કોંગ્રેસ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માંગે છે કે કેમ ? તેનો કોંગ્રેસે ખુલાસો કરવો જોઇએ. મગનલાલ ઝાલાવાડીયા પણ કોંગ્રેસના આગેવાન છે જેમની પણ આ બાબતે ધરપકડ કરવામાં આવી છે તો તેમને પણ કોંગ્રેસ હજી સુધી પાર્ટીમાંથી સસ્પેન્ડ કેમ નથી કરતી ? કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતા આ બાબતે જવાબ આપે.

જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું હતુ કે, નાફેડના ચેરમેન તરીકે વાઘજી બોડા મગફળીની ખરીદી અને ગોડાઉનની વ્યવસ્થાની જવાબદારીમાંથી છટકી શકે તેમ નથી. મગફળીની ખરીદીમાં કોઇ ગેરરીતી થઇ હોય તો કૃષિમંત્રીએ તથા સરકારી અધિકારીઓએ તેમને પગલા લેવા કહ્યું છતાંય વાઘજીએ કેમ પોલીસ ફરીયાદ કરી નહી ? મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના નેતૃત્વવાળી ગુજરાતની ભાજપા સરકારે તાત્કાલિક ધોરણે જવાબદારો સામે ફોજદારી ફરીયાદો કરીને કડક પગલા લીધા છે. અત્યાર સુધીમાં કુલ ૨૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા કોઇપણને સરકાર છાવરવા માંગતી નથી તેવી સ્પષ્ટતા પણ કરી છે.

વાઘાણીએ કહ્યું હતુ કે, ગયા વર્ષે મગફળીનો મબલખ પાક થયો હતો ત્યારે મગફળીનો બજાર ભાવ ઘટીને ૬૦૦ રૂપિયા સુધી પહોચી ગયો હતો ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતહિતનો ઐતિહાસિક નિર્ણય લઇ ૯૦૦ રૂપિયાના ભાવે ૯ લાખ ટન મગફળીની ખરીદી કરી હતી. ત્યારે કોંગ્રેસ માત્ર જુ્ઠ્ઠાણાઓ ફેલાવી ખોટા આક્ષેપો દ્વારા ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે.

જીતુ વાઘાણીએ કહ્યું હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની સરકારે ગરીબ અને પછાત વર્ગો માટેના ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો મળે તે માટે સંસદમાં બીલ પાસ કર્યુ છે. જેનો ટુંક સમયમાં અમલ શરૂ થશે. આ તેમની પછાત વર્ગો માટેની નિષ્ઠા બતાવે છે. કોંગ્રેસ પક્ષની સરકારોને આ કેમ ક્યારેય સુઝ્યુ નહી ? તેનો જવાબ કોંગ્રેસ આપે. ગુજરાત ભાજપા આ નિર્ણય બદલ કેન્દ્રની ભાજપા સરકારને અભિનંદન આપીને વધાવે છે અને રાજ્યભરમાં ભાજપા દ્વારા તેની ઉજવણીઓ કરવામાં આવશે.

જીતુ વાઘાણીએ કહ્યું હતુ કે, ગુજરાતમાં કોંગ્રેસ નેતૃત્વવિહોણી છે અને તેમના કાર્યક્રમોને પ્રજાનું સમર્થન મળતુ નથી. કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ જીતી શકી નથી. કોંગ્રેસના આંતરિક ઝગડાઓ તરફથી લોકોનું ધ્યાન બીજે દોરવા માટે વિરોધપક્ષના નેતા ઉપવાસનું નાટક કરે છે પરંતુ તેમના પક્ષનું તેમને સમર્થન અને સહકાર મળતો નથી. જીલ્લા અને તાલુકાના સંગઠનમાં અને પંચાયતોમાં કોંગ્રેસના લોકો બળવો કરીને પાર્ટી છોડી રહ્યા છે. કોંગ્રેસમાં ઉકળતો ચરૂ છે ત્યારે લોકોનું ધ્યાન બીજે દોરવા નિષ્ફળ પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે.

error: Content is protected !!