ખેડુતોના નામે રાજનીતિ કરવા નીકળેલી કોંગ્રેસ જનતાને જવાબ આપે કે, કોંગ્રેસના શાસનમાં ખેડુતોની શું સ્થિતિ હતી ?: વાઘાણી

ગાંધીનગર : ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસના આક્ષેપો સામે પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે, જે કોંગ્રેસ ખેડુતોના નામે રાજનીતિ કરવા નીકળી છે તે કોંગ્રેસના આગેવાનોને મારે કહેવુ છે કે, તમારા શાસન વખતે ખેડુતોની સ્થિતિ શું હતી ? તેનો જવાબ જનતાને આપવો જોઇએ. કોઇ મુદ્દા ના હોવાને કારણે સમાજના કોઇને કોઇ વર્ગને ઉશ્કેરવાનું દુષ્કૃત્ય કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. ગત વિધાનસભાની ચૂંટણીઓમાં પણ જ્ઞાતિજાતિ વચ્ચે વૈમનશ્ય ફેલાવવામાં કોંગ્રેસે કશું જ બાકી રાખ્યુ નહોતું. છતા પણ રાજ્યની
શાણી જનતા અને સમજુ ખેડુતોએ સતત છઠ્ઠી વખત ભાજપાને ગુજરાતનું સુકાન સોંપ્યુ છે ત્યારે હું ગુજરાતની જનતા અને ખેડુતોનો આભાર માનુ છું.

વાઘાણીએ કહ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રની કોંગ્રેસ સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાં ગુજરાતની ભાજપા સરકાર અનેક ખેડુત હિતલક્ષી યોજનાઓના સફળ અમલીકરણ દ્વારા ખેડુતોની સમૃધ્ધિ અને સુખાકારી માટે અથાગ પરિશ્રમ કરી રહી છે. ત્યારે ખેડુતો માટે નીતિઓની વાતો કરનારી કોંગ્રેસને હું પુછવા માંગુ
છું કે, ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં ખેડુતોની શું હાલત હતી ? ગુજરાતના ગામડાઓમાં વર્ષો સુધી શુધ્ધ પીવાનું પાણી કેમ ના પહોચાડ્યુ ? તમારા શાસનમાં ગામડાઓમાં આરોગ્ય સુવિધાની સ્થિતિ શું હતી ? રોડ- રસ્તાની સ્થિતિ શું હતી ? તેનો જવાબ જનતાને કોંગ્રેસે આપવો જોઇએ.

વાઘાણીએ કહ્યું હતુ કે, હું ભાવનગરના નાના સુરકા ગામનો વતની છું. સોનગઢથી ચાર કિલોમીટર મારું ગામ છે. મને યાદ છે કે નાનપણમાં ત્યાં રોડ કે વાહનની કોઇ સુવિધા નહોતી. ચાર કિલોમીટર સુધી ચાલીને જવુ પડતુ હતું. શાળા કે પ્રાથમિક સારવાર માટેની પણ કોઇ સુવિધા નહોતી. જ્યારે આજે ગુજરાતમાં તમામ ગામડાઓ સુધી પાકી સડકો છે, વાહનની સુવિધા છે, ગામડામાં ઘરે – ઘરે પીવાનું શુધ્ધ પાણી પહોચી રહ્યુ છે. ડ્રેનેજની સુવિધા છે. ૨૪ કલાક વિજળી છે. પ્રાથમિક સારવાર માટેની સુવિધાઓ છે.

ગામડે ગામડે શાળાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણની વ્યવસ્થા છે. ભાજપાના શાસનમાં ગામડાઓ પણ શહેર સમકક્ષ સુવિધાઓ ધરાવતા બન્યા છે. વાઘાણીએ કહ્યું હતુ કે, કોંગ્રેસ ભાજપાની બી ટીમની વાતો કરે છે. ત્યારે મારે કહેવું છે કે, કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં ડી ગેંગો સક્રિય હતી. ગુજરાતના ખેડુતોએ તેમની લુખ્ખાગીરી અને ગુંડાગીરી જોઇ છે. ગુંડાઓના ત્રાસથી ગામડુ થરથર ધ્રુજતુ હતું. ખેડુતોના ઉભા પાક લણી લેવામાં આવતા હતા.

કોંગ્રેસના શાસનમાં ગુજરાતના ગામો ગુંડાઓના નામથી ઓળખાતા હતા અને તેમના આશ્રય સ્થાનો કોંગ્રેસના મંત્રીઓના બંગલા હતા. લતીફ, રાજુ રીસાલદાર, ઇભલા શેઠ, મોહમદ સુરતી અને સરમણ મુંજા જેવા ગુંડાઓનો કોંગ્રેસના નેતાઓ સાથેનો ઘરોબો જગજાહેર છે. ભાજપાના શાસનમાં આ ડી ગેંગો નેસ્તનાબુદ થઇ ગઇ છે. કોંગ્રેસ મહેરબાની કરીને તેની ડી ગેંગ ફરી ઉભી કરવાના પ્રયાસો, જ્ઞાતીજાતિને લડાવવાના પ્રયાસો, ધર્મ- સંપ્રદાયોમાં ભાગલા પાડવાના પ્રયાસો બંધ કરે.

વાઘાણીએ કહ્યું હતુ કે, ખેડુત આંદોલનના નામે કોંગ્રેસ હીનકક્ષાની રાજનીતિ કરી રહી છે. દૂધ ઢોળવું એ આપણા શાસ્ત્રમાં પણ અશુભ ગણાય છે. ભુલથી દૂધ ઢોળાયુ હોય તો પણ આપણે તેને નમન કરીએ છીએ. જ્યારે કોંગ્રેસના આગેવાનો દૂધ અને શાકભાજી રસ્તા પર વેડફી રાષ્ટ્રીય સંપત્તિનો પણ બગાડ કરી રહ્યા છે. દૂધ અને શાકભાજી રસ્તા પર ફેંકવાને બદલે કોઇ ગરીબ પરીવાર સુધી તે પહોચાડવાની પણ માનવતા આ સંવેદનાહીન કોંગ્રેસે દેખાડી નથી. કોંગ્રેસના દેખાડવાના અને ચાવવાના જુદા છે. આ આંદોલનમાં ખેડુતો કે જનતા તો ઠીક પરંતુ પોતાના કાર્યકરોનો ટેકો પણ કોંગ્રેસને મળ્યો નથી. મૃતપ્રાય થઇ ગયેલી કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખેડુત આંદોલનના નામે તણખલું પકડવાની કોશીશ કરે છે. સત્તા માટે તરફડીયા મારતા કોંગ્રેસીઓ માત્ર મીડિયામાં રહેવા માટે પાયા વિહોણા નિવેદનો કરી હવામાં હવાતિયા મારી રહ્યા છે.

વાઘાણીએ અંતમાં કહ્યું હતુ કે, દેશ અને ગુજરાતની જનતા કોંગ્રેસને સારી રીતે ઓળખે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન અને વિકાસની રાજનીતિને દેશની જનતાએ સ્વીકારી છે તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વ હેઠળ ભાજપા વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે ત્યારે જનતાના આશીર્વાદ અને કાર્યકર્તાના અથાગ પરિશ્રમ દ્વારા આગામી ૨૦૧૯ લોકસભાની ચૂંટણીઓમાં પણ
ફરીથી ભાજપાનો ભવ્ય વિજય થવાનો છે.

આધ્યાત્મિક ગુરુ પુજ્ય ભૈયુજી મહારાજના નિધન પર શોકાંજલિ અર્પણ કરતાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું હતુ કે, પુજ્ય ભૈયુજી મહારાજના નિધનથી સમગ્ર દેશે એક સેવાભાવી, ન્યાયપ્રિય અને સિધ્ધાંતો સાથે ચાલનારું ઉમદા વ્યક્તિત્વ ગુમાવ્યુ છે. સ્વ. ભૈયુજી મહારાજ ફક્ત એક આધ્યાત્મિક સંત જ નહી પરંતુ ઉત્તમ વિચારક, તત્વચિંતક તેમજ માનવસેવાના પ્રહરી હતા. તેઓ સાથે
મારે આત્મીય નાતો હતો અને અનેક વખત તેમની સાથે વિચાર વિમર્શ કરવાનો અવસર મને પ્રાપ્ત થયો હતો. તેઓના આકસ્મિક અવસાનથી ઉંડા દુઃખની લાગણી અનુભવું છું. સ્વર્ગસ્થના અવસાનથી તેમના પરિવાર અને સૌ સાધકગણને ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. સદ્‌ગતના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ આપે તે જ પ્રાર્થના.

error: Content is protected !!