ભાવનગર,મહેસાણા અને મોરબીને મળશે ચેરીટી કમિશનર કચેરીઓ

ગાંધીનગર: મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડયા બાદ ચેરીટીનો કાયદો ગુજરાતમાં અમલમાં આવ્યા પછી રાજયમાં ચેરીટી કમિશનર હસ્તકની જિલ્લા-કક્ષાની વિવિધ કચેરીઓ કે જે ભાડાના મકાનોમાં કે અન્ય સરકારી મકાનોમાં બેસતી હોય તેના પોતાના અલાયદા ભવનો હોય તેવું રાજય સરકારે આયોજન કર્યું છે. અમદાવાદમાં મીરઝાપુર રોડ ઉપર સ્થિત જૂની, ખુબ જ સંકડાશભરી, ગીચ વિસ્તારમાં આવેલી, વાહન પાર્કિંગની સવલત ન થઇ શકે તેવી, અને તદ્દન જર્જરીત હાલતની બિલ્ડિંગમાં બેસતી ચેરીટી કમિશનર કચેરીનું  અમદાવાદના ડ્રાઇવ-ઇન-રોડ જેવા પોશ વિસ્તારમાં વસ્ત્રાપુર વસાહત મુકામે બહુમાળી-ર ભવનમાં સ્થળાંતર કરવામાં આવેલ છે જેનું તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કાયદામંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે.

તે જ રીતે હવે રાજય સરકારે નવી ઊભી કરેલ જોઇન્ટ ચેરીટી કમિશનરની ભાવનગર અને મહેસાણાની કચેરીઓ અનુક્રમે  તા.૮.૧૦.૨૦૧૭ અને ૧૨.૧૦.૨૦૧૭ના રોજથી તેમજ આસીસ્ટન્ટ ચેરીટી કમિશનરની મોરબી જિલ્લા ખાતેની કચેરી તા.૧૧.૧૦.૨૦૧૭ના રોજથી કાર્યરત થનાર હોવાનું કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું.

ભાવનગર જિલ્લા ખાતેની જોઇન્ટ ચેરીટી કમિશનરની કચેરીના જ્યુરિસડિકશન હેઠળ ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાઓનો સમાવેશ થશે, જ્યારે મહેસાણા ખાતેની જોઇન્ટ ચેરીટી કમિશનરની કચેરીના જ્યુરિસડિકશન હેઠળ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓનો સમાવેશ થશે જ્યારે મોરબી જિલ્લા ખાતે જિલ્લાની પોતાની અલાયદી આસીસ્ટન્ટ ચેરીટી કમિશનરની કચેરી કાર્યરત થશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

કાયદા મંત્રીએ કહ્યું હતું કે, આ નવી જોઇન્ટ ચેરીટી કમિશનરની કચેરીઓ કાર્યરત થતાં, ભાવનગર ખાતે નોંધાયેલા ૧૧,૯૩૯ જેટલા ટ્રસ્ટો અને સોસાયટીઓ, બોટાદના ૨,૧૫૩ ટ્રસ્ટો અને સોસાયટીઓ અને અમરેલીમાં નોંધાયેલા ૭,૮૧૨ ટ્રસ્ટો અને સોસાયટીના જે કઇ લિટિગેશનો પેન્ડિંગ હોય કે ભવિષ્યમાં ઊભા થાય ત્યારે આ જિલ્લાના પક્ષકારોને હવે રાજકોટ જવાના બદલે તેમના ઘર આંગણે જ ન્યાય મળી શકશે. એ જ રીતે, મહેસાણા મુકામે જોઇન્ટ ચેરીટી કમિશનરની કચેરી કાર્યરત થતાં જિલ્લાના જ્યુરિસડિકશન હેઠળના મહેસાણા,
હિંમતનગર, અરવલ્લી અને પાલનપુર જિલ્લાના ટ્રસ્ટો અને સોસાયટીઓના લિટિગેશન, જે અગાઉ અમદાવાદ મુકામે પેન્ડિંગ હતા તે હવે મહેસાણા જિલ્લામાં તબદિલ થતાં આ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારના ટ્રસ્ટોના લિટિગન્ટ્સને તેમના કેસો માટે હવે અમદાવાદ જવું નહિં પડે અને તેમના કિંમતી સમય અને નાણાનો વ્યય થતો અટકશે તેમ કાયદા મંત્રીએ કહ્યું હતું.

કાયદા મંત્રીએ વિશેષ ઉમેર્યું હતું કે, રાજયમાં ટ્રસ્ટોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયેલ છે અને હાલમાં ગુજરાતમાં અંદાજે ૩,૪૫,૦૦૦ જેટલાં ચેરીટેબલ ટ્રસ્ટો અને સોસાયટીઓ રેકર્ડ પર નોંધાયેલી છે. દિન-પ્રતિદિન તંત્રમાં કેસોનું પ્રમાણ વધતું જાય છે ચેરીટી તંત્રને સ્ટ્રેન્ધનિંગ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે જિલ્લા કક્ષાની નવી કચેરીઓ, કચેરીના રેકર્ડનું કોમ્પ્યુટરાઇઝેશન અને રેકર્ડના ડિઝિટાઇઝેશન જેવી કામગીરીના કારણે ચેરીટી તંત્રના ગત વર્ષે અંદાજે ૨૧,૦૦૦ જેટલા કેસો પડતર હતા તેની સરખામણીએ તે ઘટીને હાલમાં ૧૯,૦૦૦ કેસો પડતર છે અને કેસોની પેન્ડેન્સીમાં ઘટાડો થયો છે. તે જ રીતે, ચેરીટી તંત્રના અથાક પ્રયત્નોને હિસાબે રાજયના ઘણા જિલ્લાઓમાં અલાયદા ચેરીટી ભવનો બનાવવા માટે કચેરીને પોતાની જગ્યા પ્રાપ્ત થયેલ છે અને નજીકના ભવિષ્યમાં રાજયમાં ચેરીટી તંત્રની જિલ્લા કક્ષાની તમામ કચેરીઓ માટે પોતાના ચેરીટી ભવનો બની જશે તેમ મંત્રીએ કહ્યું હતું.

error: Content is protected !!