કાંકરિયા કાર્નિવલનું રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન, હેરિટેજ સીટી થીમ સાથે 7 દિવસ યોજાશે રંગારંગ કાર્યક્રમો

અમદાવાદ, દેશગુજરાત: અમદાવાદમાં આજે સોમવારથી 7 દિવસના કાંકરિયા કાર્નિવલ ફેસ્ટીવલનો પ્રારંભ થઈ રહ્યો છે.  25થી 31 ડિસેમ્બર સુધી ચાલતા આ કાંકરિયા કાર્નિવલનું વર્ષ 2008થી આયોજન થતું આવ્યું છે. કાર્નિવલને 10 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. કાર્નિવલનો શુભારંભ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં ઢોલની રમઝટ બોલાવવામાં આવી હતી. જેમાં નાસિક, પંજાબી, રાજસ્થાની અને ગુજરાતી ઢોલની તાલે કાર્નિવલમાં ઉપસ્થિત સૌકોઈ લોકો ઝૂમી ઉઠ્યા હતા. કાંકરિયાનું તળાવ પ્રાણીસંગ્રહાલય તરીકે જાણીતું છે. તેમાં હવે નિશાચર પ્રાણીસંગ્રહાલય (નોકચર્નલ ઝૂ)નો સમાવેશ થયો છે. જેનું ઉદ્દઘાટન પણ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

વર્લ્ડ હેરિટેજનો દરજ્જો પામેલા અમદાવાદમાં આ વખતે કાર્નિવલની થીમ હેરિટેજ સીટીની રાખવામાં આવી છે. જેમાં શહેરના ત્રણ દરવાજા, આસ્ટોડિયા દરવાજા, સીદી સૈયદની જાળી, સહિતની પ્રતિકૃતિઓ મુકવામાં આવી છે. કાર્નિવલમાં શાળાના વિદ્યાર્થીઓ સહિતના કલાકારો પર્ફોમન્સ આપશે.

ઉલ્લેખનીય છે કે, આ ભવ્ય કાર્યક્રમને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કાર્નિવલમાં સતત 7 દિવસ ભવ્યાતિભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કાર્નિવલની સાથે સાથે રિવરફ્રન્ટ અને વસ્ત્રાપુર લેક ઉપર પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્નિવલમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોના આયોજનમાં શહેરના વિવિધ રોકબેન્ડ દ્વારા પણ પરફોર્મન્સ અપાશે.  ગુજરાત પોલીસ દ્વારા ડોગ શો અને હોર્સ શોનું પણ આયોજન કરાયું છે. કાર્યક્રમોની વણઝારના કારણે કાર્નિવલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. નોંધનીય છે કે, કાર્યક્રમમાં આવતા મુલાકાતીઓના વાહનો માટે ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે.

error: Content is protected !!