રાજ્યના 26 જિલ્લામાં ‘‘કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962’’નો આવતીકાલે પ્રારંભ

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ, મંગળવાર ૯ ઓકટોબરે રાજ્યના ર૬ જિલ્લામાં મૂંગા પશુ-પક્ષી જીવોની સારવાર, ઇમરજન્સી સેવા અને ચિકિત્સા માટે ‘કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ ૧૯૬ર’નો શુભારંભ કરાવશે.

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-૧ ના નર્મદા હોલમાં મંગળવારે સવારે ૧૦-૩૦ વાગ્યે યોજાનારા આ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પશુપાલન મંત્રી કુંવરજી બાવળીયા તેમજ રાજ્યમંત્રી બચુ ખાબડ પણ ઉપસ્થિત રહેવાના છે.

મુખ્યમંત્રી આ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬રને ફલેગ ઓફ આપી સંબંધિત જિલ્લામાં પ્રસ્થાન કરાવશે.

મુખ્યમંત્રીએ સંવેદનાસભર અભિગમ દર્શાવી મકરસંક્રાંતિ – ઉત્તરાયણ વેળાએ પતંગના દોરાથી ઘાયલ-ઇજાગ્રસ્ત થતાં પક્ષીઓની તત્કાલ સારવાર માટે ‘કરૂણા અભિયાન’ શરૂ કરાવ્યું હતું.

આ અભિયાનને મળેલી વ્યાપક સફળતાને પગલે ૧૦૮ આપાતકાલિન સેવાઓ જેમજ કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ-૧૯૬ર સેવાઓ અગ્રતાના ધોરણે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જિલ્લા અને મહાપાલિકા તથા મહેસાણા, પાલનપુર, ભાવનગર એમ કુલ ૧૧ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬ર સેવા ૨૦૧૭થી ઉપલબ્ધ બનાવી છે. આ સેવાઓ દ્વારા રર હજાર પશુ-પક્ષીઓને સારવાર આપવામાં આવી છે.

મુખ્યમંત્રીએ અબોલ પશુજીવોની સેવાના આ યજ્ઞને વધુ વ્યાપક ફલક આપવા પશુપાલન વિભાગને પ્રેરિત કર્યુ છે. તેના પગલે રાજ્યના ર૬ જિલ્લા આણંદ, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, નડિયાદ, ગાંધીનગર, ગીર-સોમનાથ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, મોરબી, કચ્છ, ડાંગ, વલસાડ, મહિસાગર, નવસારી તેમજ તાપી, ભરૂચ, પંચમહાલ, દાહોદ, અને છોટાઉદેપુર તથા નર્મદામાં આવતીકાલથી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬રનો પ્રારંભ કરવામાં આવશે.

error: Content is protected !!