કિશોરીઓના આરોગ્ય અને પોષણ અંગે ‘કિશોરી જાગૃતિ અભિયાન’

ગાંધીનગર: રાજ્યમાં કિશોરીઓના આરોગ્ય અને પોષણ સ્તર સુધારવા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં સબળા અને કિશોરી શક્તિ યોજના કાર્યરત છે. કિશોરીઓને પોષણ, આરોગ્ય અને જીવન કૌશલ્ય શિક્ષણના વિષયો ઉપર માહિતી આપવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગે વર્ષ ૨૦૧૭-૧૮માં ‘કિશોરી જાગૃત અભિયાન’ની શરૂઆત ઝુંબેશ રૂપે કરી છે. આ અભિયાન ઓગસ્ટ-૨૦૧૭ થી ડિસેમ્બર-૨૦૧૭ દરમિયાન આંગણવાડી કક્ષાએ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ અભિયાન અંતર્ગત પાંચ તબક્કામાં જુદી જુદી થીમ પર પ્રવૃતિ કરવામાં આવે છે. જેમાં કિશોરી દિવસ, પોષણ શિક્ષણ, આરોગ્ય શિક્ષણ-સુકન્યા એવોર્ડ, જીવન કૌશલ્યનું શિક્ષણ જેવી પ્રવૃતિ કરી અને કિશોરીઓમાં આરોગ્ય પોષણની જાગૃતતા લાવવા તેમજ પોષણ સ્તરમાં સુધારો કરવાના આશયથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં હાલમાં પ્રથમ તબક્કાની કામગીરી રાજ્યની ૫૩,૦૨૯ આંગણવાડી કેન્દ્રોમાં કરવામાં આવી રહી છે.

ઉપરાંત પ્રથમ તબક્કામાં રાજ્યની ૬,૫૯,૯૧૨ કિશોરીઓનાં લોહીની તપાસ અને ૭,૦૮,૬૧૪ કિશોરીઓનાં બોડી માસ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ અભિયાન અંતર્ગત રાજ્યની ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓને આંગણવાડી કેન્દ્રોમાં લાભ લેવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

error: Content is protected !!