કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયાએ લીધા મંત્રી પદના શપથ

ગાંધીનગર: કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળીયાએ આજે (મંગળવારે) રાજભવનમાં મંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલે તેમને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રો નીતિન પટેલ સહિત ભાજપના અનેક મંત્રીઓ હાજર રહ્યા હતા.

કોંગ્રેસ પક્ષથી નારાજ ધારાસભ્યએ કોંગ્રેસનો પંજો છોડીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. કુંવરજી બાવળીયાએ આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવાદીના નિવાસસ્થાને તેમણે ધારાસભ્ય તરીકે રાજીનામુ સોંપ્યું હતું.  બીજી તરફ કમલમમાં તેમના સ્વગતની તૈયારીઓ કરવામાં આવી હતી. તેઓ પોતાના સમર્થકો સાથે કમલમ પહોંચ્યા હતા અને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયેલા બાવળીયાને સ્વર્ણિમ સંકુલ -2ના પ્રથમ માળે ઓફિસ ફાળવાઈ છે.

પક્ષ પલટો કર્યા બાદ કુંવરજી બાવળિયાએ કહ્યું કે, રાહુલ ગાંધી જાતિવાદી રાજકારણ રામે છે. આ સાથે જ રાહુલ ગાંધીની સ્ટ્રેટેજી ગુજરાતમાં બુમરેન સાબિત થઈ છે. કારણ કે, યુવાનોને નેતૃત્વની કમાન સોંપવાની બાબતથી પક્ષના સીનિયર નેતા નારાજ થયા હતા. જેથી જીવાભાઈ, ઈન્દ્રનીલ રાજ્યગુરુ બાદ હવે કુંવરજી બાવળીયાએ પણ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. કુંવરજી બાવળીયાના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડશે તેવું માનવામાં આવી રહ્યું છે.

નાયબ મુખ્યમંત્રી પટેલે કહ્યું કે, “કોંગ્રેસ કોળી સમાજની કદર નહોતું કરતું. બાવળિયાને મંત્રી મંડળમાં સ્થાન અપાશે. કુંવરજીએ તેમની લાગણી વ્યક્ત કરી હતી, જેનો અમે સ્વીકાર કર્યો છે. તમામ સમાજને સાથે રાખી ભાજપ સરકાર કામ કરશે.

આજે તેમની શપશવિધિ બાદ 5 તારીખે જસદણમાં ભાજપનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.

કુંવરજી બાવળિયાનો પરિચય

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જનડા ગામે તા.૧૬મી માર્ચ ૧૯૫૫ના રોજ જન્મેલા કુંવરજી બાવળિયાએ વિજ્ઞાનના વિષયમાં સ્નાતકની પદવી ઉપરાંત બી.એડ. અને એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો છે. નોકરી સાથે ખેતી અને સમાજ સેવા જેવા કાર્યોમાં રસ ધરાવતા બાવળિયા નવમી ગુજરાત વિધાનસભામાં ૧૯૯૫-૯૭ દરમિયાન, દસમી ગુજરાત વિધાનસભામાં ૧૯૯૮-૨૦૦૨ અને અગિયારમી ગુજરાત વિધાનસભામાં ૨૦૦૨-૨૦૦૭ દરમિયાન સભ્યપદે રહી ચૂક્યા છે. હાલ તેઓ ચૌદમી વિધાનસભામાં ૧૬ જસદણ મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ અગાઉ સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા.

બાવળિયા જસદણ માર્કેટ યાર્ડના સભ્ય ઉપરાંત ડૉ. આંબેડકર યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના કન્વીનર તેમજ આદર્શ સેકન્ડરી સ્કૂલમાં આચાર્ય તરીકે પણ સેવા આપી છે.

તેઓ વાંચન, લેખન, રમત-ગમત, સમાજસેવા અને શૈક્ષણિક પ્રવૃત્તિમાં વિશેષ રસ ધરાવે છે.

 

error: Content is protected !!