જસદણ :તાજેતરમાં ભાજપમાંથી રાજીનામુ આપનાર લાલજી મેર કોંગ્રેસમાં જોડાયા

જસદણ : જસદણમાં વિધાનસભાની બેઠકની પેટ ચૂંટણી યોજાવાની હોય હાલ જસદણના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી જંગ પહેલા જાણે પક્ષ પલટાની મોસમ જામી હોય તેવું લાગી રહ્યું છે. પૂર્વ સંસદીય મંત્રી શામજી ચૌહાણ બાદ મગંળવારે પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા હતા અને હવે હાલમાં જ ભાજપ પાર્ટીમાંથી રાજીનામુ આપનાર પૂર્વ ધારાસભ્ય લાલજી મેર આજે (બુધવારે) કોંગ્રેસમાં જોડાયા છે.

લાલજી મેર કોળી સમાજના આગેવાન છે અને જસદણ પેટા ચૂંટણીમા કોળી મતદારોનું પ્રભુત્વ છે ત્યારે ભાજપ માટે આ એક ફટકા સમાન સ્થિતિ છે. લાલજી મેર 2012માં ધંધુકા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. તેઓ 2017 સુધી ધંધુકાનાં ધારાસભ્ય રહ્યા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા અને સક્રિય કાર્યકર્તા હતા. ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી સમયે પણ તેઓ ઉમેદવાર તરીકે દાવેદાર હતા, પરંતુ ટિકિટ મળી નહોતી.

કોંગ્રેસે કુંવરજી બાવળીયાની સામે એક પછી એક કોળી નેતાઓને પક્ષમાં જોડવાના શરૂ કર્યું છે.  બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસના કોળી આગેવાનોને જોડ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને કોળી આગેવાન લાલજી મેરે આજે બપોરે 1:00 વાગ્યે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં વિધિવત રીતે કોગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.

નોંધનીય છે કે, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. જેમાં કોળી સમુદાયના આગેવાનો પ્રથમ વખત કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે. જેની સીધી અસર જસદણની પેટા ચૂંટણી પર થશે, તેવું રાજકીય નિષ્ણાંતોનું માનવું છે.

error: Content is protected !!