ગાંધીનગરમાં સચિવાલય સંકુલમાં પ્રવેશેલા દીપડાને ટ્રાન્કવીલાઇઝ કરીને ઇન્દ્રોડા પાર્કમાં લઇ જવાયો : દીપડો ભાનમાં અને સંપૂર્ણ સ્વસ્થ

ગાંધીનગરમાં નવા સચિવાલય સંકુલમાં દેખાયેલા દીપડાને આજે બપોરે ગાંધીનગરના (સોમવારે) પુનિતવનની પાછળ આવેલા ૨૫ થી ૩૦ ફૂટ મીટર લાંબા ગરનાળામાંથી સલામત રીતે પકડવામાં આવ્યો છે. વન વિભાગના નિષ્ણાંત કર્મચારીઓએ ટ્રાન્કવીલાઇઝ કરીને દીપડાને પહેલાં બેભાન કર્યો હતો અને પછી સલામત રીતે તેને પાંજરામાં ઇન્દ્રોડા પાર્ક લઇ જવામાં આવ્યો હતો. જ્યાં હવે દીપડો સંપૂર્ણ ભાનમાં અને તંદુરસ્ત હાલતમાં છે.

આજે સવારે નવા સચિવાલયના ગેટ નં.૭ માંથી એક દીપડો પ્રવેશીને ગેટ નંબર-૪ તરફ જતાં દેખાયો હતો. સચિવાલયના સલામતી રક્ષકોએ વન વિભાગ હસ્તકના ગાંધીનગરના વનચેતના કેન્દ્રને ટેલિફોન દ્વારા જાણ કરતાં પરોઢે ૪-૩૦ વાગ્યે જ વન વિભાગના કર્મચારીઓ સચિવાલય પહોંચી ગયા હતા. સી.સી.ટી.વી.ના ફૂટેજ જોઇને દીપડાની ખાતરી થતાં જ વન વિભાગે તાત્કાલીક ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ જિલ્લાના અને ગીર ફાઉન્ડેશન સહિતના ૨૦૦ જેટલા નિષ્ણાત કર્મચારીઓને બોલાવી લીધા હતા.

વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તાની સીધી દેખરેખ હેઠળ ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, આસીસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ફોરેસ્ટર, વનપાલ, વનરક્ષક, ટ્રેકર્સ અને વેટરનરી ડોક્ટર્સની કુલ ૨૦૦ જેટલા કર્મચારીઓની ૧૫ જેટલી ટીમો બનાવીને સમગ્ર વિસ્તારનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. નવા સચિવાલયની અંદર અને બહાર બંને તરફના વિસ્તારોમાં ત્રણ થી ચાર વખત સધન કોમ્બીંગ કરવામાં આવ્યું હતું. પોલીસ અને માર્ગ- મકાન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને સાથે રાખીને ખૂણે-ખૂણાની ચકાસણી કરવામાં આવી હતી.

સચિવાલય સંકુલના સી.સી.ટી.વી. કેમેરાના રાત્રીના ૧ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધીના તમામ ફૂટેજની તપાસ કરીને દીપડાની અવર-જવરની ચકાસણી કરવામાં આવી હતી. સચિવાલય સંકુલમાં દીપડો ન હોવાની ખાતરી કર્યા પછી પણ સલામતી અને સાવચેતી માટે ચાર પીંજરા રાખવામાં આવ્યા હતા.

દીપડો દિવસે સંતાઇ જતો હોય છે, એવી દીપડાની પ્રકૃતિને ધ્યાને લઇને વન વિભાગ દ્વારા સાબરમતી નદીના પટની આજુબાજુના જંગલ વિસ્તાર અને પુનિતવનથી પોલીસ ભવન સુધીના વિસ્તાર તથા ‘જ’ રોડની આસપાસના વિસ્તારની ચકાસણી કરવામાં આવતાં બપોરે ૧૨-૩૦ વાગ્યે પુનિતવન પાછળના ગરનાળામાં દીપડો જોવા મળ્યો હતો. ગરનાળાની બન્ને બાજુઓ ખુલ્લી હતી. દીપડાને પકડવા વન વિભાગે પાંજરા, ઝાડી, દોરડાં વગેરેની પુરતી વ્યવસ્થા કરી હોવા છતાં દીપડો છટકીને પુનિતવન તરફ જતો રહ્યો હતો.

ગાંધીનગરના નાયબ વન સંરક્ષકે જણાવ્યું હતું કે, વન વિભાગના કર્મચારીઓ દીપડાને લોકેટ કરીને દીપડાને ફરીથી ગરનાળા તરફ ખસેડી લાવ્યા હતા. પુનઃ દીપડો ગરનાળામાં ઘૂસ્યો હતો. ૨૫ થી ૩૦ મીટર લાંબા ગરનાળામાં પ્રવેશેલા દીપડાને ખૂબ મૂશ્કેલીથી ટ્રાન્કવીલાઇઝ કરવામાં આવ્યો હતો. અનેક પ્રયત્નો પછી દીપડાને બેભાન કરવામાં સફળતા મળી હતી. બેભાન દીપડાને પાંજરામાં પ્રકૃતિ ઉધાન, ઇન્દ્રોડા પાર્કમાં લઇ જવામાં આવ્યો હતો. જયાં હવે દીપડો ભાનમાં અને સંપૂર્ણ સ્વસ્થ છે.

વન વિભાગના કર્મચારીઓ/અધિકારીઓએ આજે આખો દિવસ સઘન પ્રયત્નો કરીને પોલીસના સહયોગથી સફળતા હાંસલ કરી છે. સાવચેતીના પગલાં રૂપે ગાંધીનગરના આ વિસ્તારમાં સતત સ્ક્રીનીંગ રાખવામાં આવશે. નાગરિકોની સુરક્ષા માટે સલામતીના કારણોસર આવતીકાલે, મંગળવારે તા.૬ઠ્ઠી નવેમ્બરે ગાંધીનગરનું પુનિતવન જાહેર જનતા માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

અરવલ્લી-સાબરકાંઠામાં 16 જેટલા દીપડા છેલ્લે વર્ષ 2009માં ગાંધીનગરમાં દીપડો દેખાયો હતો

ગાંધીનગરની નજીક આવેલા અરવલ્લી અને સાબરકાંઠાના જંગલ વિસ્તારોમાં વર્ષ ૨૦૧૬-૧૭માં થયેલી ગણતરી પ્રમાણે દીપડાની સંખ્યા અંદાજે ૧૬ જેટલી છે. આ વિસ્તારોમાંથી દીપડો ગાંધીનગરમાં સાબરમતી નદીના કોતરોમાં થઇને આવ્યો હોવાનું અનુમાન છે. છેલ્લે વર્ષ ૨૦૦૯માં પણ આવી જ રીતે દીપડો ગાંધીનગરમાં આવ્યો હોવાની ઘટના બની હતી, ત્યારે પણ દીપડાને પકડી લેવામાં આવ્યો હતો.

error: Content is protected !!