ચોર શબ્દ મેઇનસ્ટ્રીમ કરી નાંખ્યો, નારામાં હવે ગાળો ક્યારે સમાવો છો?

અંદર બહાર ગુજરાત

પાછલા વર્ષે ગુજરાતી સમાચાર ટીવી ચેનલની પ્રાઇમ ટાઇમ ડિબેટમાં કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચોર કહ્યા હતા. આ સાથે જ ડિબેટમાં હાજર પત્રકાર, એન્કર અને પેનાલીસ્ટ સહિત સૌએ તેનો જોર શોરથી વિરોધ કર્યો હતો કે વડાપ્રધાનને વળી ચોર કઇ રીતે કહી શકાય. મેવાણી સ્ટુડિયોની બહારથી પોતાના ઠેકાણેથી લાઇવ ડિબેટમાં ઉપસ્થિત હતા. એ સમયે જીગ્નેશ મેવાણી વડાપ્રધાનને ચોર કહેવા બદલ ટીકાપાત્ર બન્યા હતા અને યાદ છે ત્યાં સુધી તેમને તે ચર્ચામાં આગળ ભાગ લેવા દેવામાં આવ્યો ન હતો. જો કે આ ઘટના એ રીતે વિસારે પડાઇ હતી કે જીગ્નેશ મેવાણી ફ્રીન્જ પોલીટીશ્યન એટલે રાજનીતિના મુખ્ય પરિઘના બહારના હિસ્સાના ખેલાડી છે અને આવું બોલતા જ રહેતા હોય છે.

પરંતુ પછી જે બન્યું તે એ, કે ભારતના મુખ્ય બે રાજકિય પક્ષો પૈકીના એક એવા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય પ્રમુખ રાહુલ ગાંધીએ ખુદે વડાપ્રધાન માટે ચોર શબ્દ વાપરવાનો શરુ કર્યો. પહેલી વખત વાપર્યો ત્યારે ભાજપ, પત્રકારોના અમુક વર્ગ અને બુદ્ધિજનોએ વડાપ્રધાન માટે આવા શબ્દ પ્રયોગનો વિરોધ કર્યો હતો. પરંતુ રાહુલ જપ્યા નહીં. તેમણે તો આ શબ્દનો પ્રયોગ ચાલુ જ રાખ્યો. સભાઓમાં અને પત્રકાર પરિષદમાં, મેળવાડાઓમાં અને ટીવીની બાઇટમાં વડાપ્રધાન માટે ચોર શબ્દનું બોમ્બાર્ડીંગ કર્યું. અલબત્ત વડાપ્રધાનના બદલે ચોકીદાર શબ્દ વાપરીને.

ભૂતકાળમાં વડાપ્રધાનો સામે કટુ પ્રચાર થયા હશે. ક્યારેક કટુ શબ્દો પણ બોલાયા હશે. ક્યારેક શીર્ષસ્થ નેતૃત્વના મોઢેથી પણ કટુ શબ્દો બોલાયા હશે. પરંતુ તે ટીકાપાત્ર બન્યું હશે અને પછી ત્યાં અટક્યું હશે. નેતાઓએ પછીના ભાષણમાં કે કેમ્પેઇનમાં ભૂલ સુધારી હશે. સતત તો નહીં જ ચાલ્યું હોય. પરંતુ રાહુલની ગત ન્યારી છે. વડાપ્રધાન માટે ચોર શબ્દ વાપરવાનું ફરી ફરીને ચાલુ જ છે. આમાં વળી ત્રણ રાજ્યોમાં જુદા જ કારણોસર કોંગ્રેસને ઇલેક્ટોરલ સફળતા મળી એટલે એવી આભા ઉભી થઇ કે લોકોમાં આવા શબ્દોનો પ્રયોગ સ્વીકાર્ય છે અને આ પ્રકારના પ્રચારથી રાજનીતીક સફળતા પણ મળે છે. તો રાહુલે ચોર શબ્દની ફ્રીકવન્સી ઔર વધારી દીધી.

ક્યાં પેલી જીગ્નેશ મેવાણી વાળી ડિબેટ કે જેમાં વડાપ્રધાન માટે ચોર શબ્દ ન વપરાય એ બાબતે હાર્દિક પટેલ સહિતના સૌ પેનાલીસ્ટો , એન્કર, પત્રકાર એકી અવાજે સહમત હતા. અને ક્યાં આજની સ્થિતિ કે જેમાં રાહુલબાબાએ રાજનીતિક ચર્ચાને એવા નીચા સ્તરે લાવી દીધી છે કે વડાપ્રધાન માટે ચોર શબ્દ વપરાય તે અજુગતું પણ નથી લાગતું, સ્વાભાવિક અને સ્વીકાર્ય બની ગયેલું લાગે છે.

તો છેવટે જોવાનું એ છે કે ચર્ચાનું સ્તર આ ટૂંકા ગાળામાં કેવું નીચું ઉતર્યું?

યાદ રહે કે મૌત કે સૌદાગર જેવા શબ્દપ્રયોગની વિપરીત અસર થઇ હતી અને કેમ્પેઇન બૂમરેંગ થયું હતું. એથી પણ વિશેષ યાદ રહે કે વર્ષ 2009માં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અડવાણીએ તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંઘ માટે વીક પ્રાઇમ મીનીસ્ટર એટલેકે નબળા વડાપ્રધાન વિશેષણ વાપર્યું હતું અને તે બૂમરેંગ થયું હતું. ભાજપને તે ચૂંટણીમાં સફળતા મળી ન હતી.

આજે વડાપ્રધાન (ચાહે તે કોઇ પણ હોય) માટે ચોર શબ્દ વાપરવાનું સહજ થઇ ગયું છે તે સ્તરે ચર્ચાના ધોરણો નીચા લઇ આવવાની રાહુલ ગાંધીની અનૂઠી સિદ્ધિ છે. લોકોનો ટેસ્ટ બદલાયો હોય, સ્વીકાર્યતાના ધોરણોની હદ આગળ પાછળ થઇ હોય અને ચૂંટણીમાં આવા વાણી પ્રયોગને સફળતા મળે તો ભવિષ્યમાં સ્વીકાર્ય ધોરણોની હદ વધુ નીચે જાય અને ગાળો પણ સ્લોગન્સમાં ઉમેરાય તો પણ શું?

Related Stories

error: Content is protected !!