ગુજરાત યુનિવર્સિટીમાં એમ.ફીલ. કરતી વિદ્યાર્થિનીએ વીસીને લખ્યો પત્ર, મહિલા ગાઈડ તેમના ઘરના કામ કરાવતા હોવાના મૂક્યા આરોપ

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના સોશિયલ સાયન્સ ડિપાર્ટમેન્ટની એમ.ફીલ (MPhi)નો અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ પત્ર લખીને રિસર્ચ ગાઈડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થિનીએ તેમના મહિલા રિસર્ચ ગાઈડ વિરુદ્ધ આરોપ મુક્યો છે કે, ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર તેમના માટે જાતિવાદી ટિપ્પણી કરતા હતા. આટલું જ નહીં પરંતુ તેની પાસે ઘરના કામ પણ કરાવતા હતા. આ ઉપરાંત એક મહિનામાં એમ.ફીલ. પુરું કરાવવા માટે 50000 રુપિયા પણ માંગ્યા હતા.

વિદ્યાર્થિનીએ પત્રમાં લખ્યું છે કે, “મેં ઓગસ્ટ, 2016માં એમ.ફીલ. માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું અને આ પ્રોફેસરને મારા ગાઈડ તરીકે નીમવામાં આવ્યા હતા. હું નીચલી જાતિની છું તેમ કહીને તેઓ મારું જાહેરમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને અપમાન કરતા હતા. આ સાથે જ તેઓ મને રિસર્ચના કામના બહાને ઘરે બોલાવીને તેમના ઘરના કામ કરાવા હતા. જેમાં વાસણ ધોવડાવવા, પોતું મારવું, તેમના છોકરાને સ્કૂલે મુકવા જવા, શાક લેવા જવું, બેન્કના કામ કરવા, વગેરે”

પત્રમાં વધુમાં લખ્યું છે કે, “તેમના ઘરનું કામ કરવા છતાં તેઓ મને ધમકી આપતા હતા કે, તે મારું રિસર્ચ પુરું નહીં થવા દે.”  આ પત્રની કૉપી શિક્ષણ મંત્રી અને મિનિસ્ટર ઓફ સોશિયલ વેલફેરને પણ મોકલવામાં આવી છે.

યૂનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલ દ્વારા આ આરોપોની તપાસ કરવા માટે એક ઈન્ક્વાયરી કમિટી તૈયાર કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સીટીના  વાઈસ ચાન્સલર હિમાંશુ પંડ્યાએ કહ્યું કે, “અમને પત્ર મળ્યો છે અને શનિવારના રોજ અમે કાઉન્સિલ સમક્ષ સમસ્યા રજુ કરી છે. વિદ્યાર્થી દ્વારા મુકવામાં આવેલા આ આરોપોની તપાસ કરવામાં આવશે. કમિટી રિપોર્ટ સબમિટ કરશે પછી અમે યોગ્ય પગલાં લઈશુ.”

 

 

error: Content is protected !!