વેંકૈયા નાયડુ ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા

નવી દિલ્હી: શાસક પક્ષ ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના ઉમેદવાર એમ વેંકૈયા નાયડુ, ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદ સભ્યોએ શનિવારે સવારે મતદાન કર્યું હતું જેનું  પરિણામ શનિવારે સાંજે જાહેર કરવામાં આવ્યું હતું.

ચૂંટણી અધિકારી શમશેર કે શરિફના જણાવ્યા મુજબ વિરોધ પક્ષના ઉમેદવાર ગોપાલ કૃષ્ણ ગાંધીના 244 મત સામે નાયડુને 516 મત મળ્યા હતા.

લોકસભામાં બહુમતી ધરાવતા એનડીએ માટે તેના ઉમેદવારને જ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં સરળતા રહી હતી. વિરોધ પક્ષે બંગાળના ભૂતપૂર્વ ગવર્નર ગોપાલકૃષ્ણ ગાંધીને નાયડુ સામે ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા હતા. સંસદમાં મત આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ હતા.

શનિવારે સાંજે 5 વાગ્યે મતદાન બંધ થયું ત્યારે 785માંથી 781 સાંસદોએ મતદાન કર્યું જેને લઇ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 98.21 ટકા મતદાન નોંધાયું હતું. બપોરના 12 વાગ્યા સુધીમાં એટલે કે મતદાનના બે કલાક દરમિયાન જ 90 ટકા મતદાન થઇ ચુક્યું હતું. ભાજપના નેતાએ કહ્યું હતું કે, ભાજપના બે નેતા સનવરલાલ જાટ અને વિજય ગોયલ હોસ્પિટલમાં દાખલ હોવાને કારણે મત આપી શક્યા નથી. આ સાથે જ કેરેલાના બે સાંસદની ફ્લાઈટ મોડી પડી હોવાથી તેમને સાંજે 5 વાગ્યા બાદ મત આપવા દેવામાં આવ્યા નહોતા.

શનિવારે સવારે વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે, હું બિન-પક્ષકાર છું.મોટા ભાગના રાજકીય પક્ષોએ મને ટેકો આપ્યો છે. મને વિશ્વાસ છે કે તેઓ ચૂંટણીમાં મને મત આપશે. જયારે વિપક્ષના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીએ કહ્યું હતું કે, એનડીએએ ખુબ જ અનુભવી વ્યક્તિની પસંદગી કરી છે.મારી સ્પર્ધા તેની સાથે નથી. જોકે, આ ટેકનીકલ મેદાન છે. આ ચૂંટણી બે પક્ષો કે બે વ્યક્તિ વચ્ચેની નથી.

સંસદ સભ્યોએ પોતાની પસંદગીના ઉમેદવારને મત આપવા માટે ખાસ પ્રકારની પેનનો ઉપયોગ કર્યો હતો.

જનતા દળ અને જનતા દળ(યુનાઈટેડ)દ્વારા રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર રામ નાથ કોવિંદને સમર્થન આપવામાં આવ્યું હતું. તેઓએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર ગોપાલકૃષ્ણને ટેકો આપવાનું નક્કી કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જેડીયુએ મહાગઠબંધનમાંથી છુટા પડ્યા બાદ બિહારમાં નવી સરકાર રચવા માટે ભાજપ સાથે હાથ મેળવ્યો છે. જોકે, જેડીયુએ પશ્ચિમ બંગાળના પૂર્વ ગવર્નર ગોપાલકૃષ્ણને મત આપશે તેમ અગાઉથી જ જણાવવામાં આવ્યું હતું.

રાજકીય પાર્ટીઓ દ્વારા કોઈ વ્હીપ જાહેર કરવામાં આવ્યું નહોતું. કારણ કે, ચૂંટણી ગુપ્ત બેલેટ પત્ર દ્વારા યોજાવાની હતી.

સંસદ સભ્યોએ ચૂંટેલા ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રુએ રાજ્યસભાના અધ્યક્ષ પણ બની ગયા છે.

લોકસભા અને રાજ્યસભાના મળીને કુલ 790 સંસદ સભ્યો છે. ઉલ્લેખનીય છે કે, લોકસભામાં ભાજપના સાંસદ છેડી પાસવાનને મતદાન કરવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

લોકસભાના 545 સભ્યોમાંથી ભાજપ પાસે 281 સભ્યો છે. ભાજપની આગેવાનીમાં એનડીએના કુલ 338 સભ્યો છે. રાજ્યસભાના 245 સભ્યોમાંથી 58 સભ્યો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી છે. કોંગ્રેસ પાસે 57 સંસદ સભ્યો છે.

error: Content is protected !!