રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરવા સ્કૂલો અને ઓફિસોમાં વંદે માતરમ જરૂરથી ગવડાવવું જોઈએ: મદ્રાસ હાઈકોર્ટ

ચેન્નાઈ, દેશગુજરાત

મદ્રાસ હાઈકોર્ટે આજે તમિલનાડુની તમામ સરકારી સ્કૂલો, કોલેજો અને યુનિવર્સીટીઓમાં અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર વંદે માતરમ ગવડાવવું ફરજીયાત બનાવી દીધું છે. કોર્ટે એ નિર્દેશ પણ કર્યો છે કે શક્ય હોય ત્યાં સુધી દર સોમવારે અથવાતો શુક્રવારે વંદે માતરમનું ગાન કરાવવું જોઈએ. મદ્રાસ હાઈકોર્ટનું માનવું છે કે આમ થવાથી રાજ્યના તમામ નાગરિકોમાં દેશભક્તિની ભાવના જાગૃત થશે.

કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે વંદે માતરમ તેના સંસ્કૃત અથવાતો બંગાળી રૂપમાં તમામ સરકારી સંસ્થાઓ તેમજ ખાનગી કંપનીઓ, ફેક્ટરીઓ તેમજ ઉદ્યોગોમાં મહિનામાં એક વાર ફરજીયાત ગવડાવવું જોઈએ.

કે. વિરામણી એ ફાઈલ કરેલી અરજીના જવાબમાં જસ્ટીસ એમ વી મુરલીધરને ઉપરોક્ત આદેશ આપ્યો હતો. વિરામણીએ જાણવા માંગ્યું હતું કે વંદે માતરમ બંગાળી ગીત છે કે કેમ અને શું તેણે સરકારી સ્કુલોમાં BT આસીસ્ટન્ટની સ્પર્ધાત્મક પરીક્ષામાં સાચો ઉત્તર આપ્યો છે કે નહીં?

વિરામણીએ આરોપ લગાવ્યો હતો કે ટીચર્સ રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી લેવામાં આવેલી પરીક્ષામાં તેણે એક પ્રશ્નના જવાબમાં વંદે માતરમ બંગાળીમાં હોવાનું જણાવ્યું હતું અને તેનો જવાબ ખોટો પડ્યો હતો આથી તે એક માર્ક માટે પરીક્ષા પાસ કરી શક્યો ન હતો.

જસ્ટીસ મુરલીધરને પોતાના આદેશમાં વંદે માતરમ સૌથી પહેલા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા બંગાળીમાં લખાયું હોવાનું કહ્યું છે. તેમણે ડાયરેક્ટર ઓફ પબ્લીક ઇન્ફોર્મેશનને આદેશ આપ્યો હતો કે સરકારી વેબસાઈટ તેમજ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેના તમિલ અને અંગ્રેજી ભાષાંતરને અપલોડ કરવામાં આવે અથવાતો તેને વહેંચવામાં આવે.

જો કે જસ્ટીસ મુરલીધરને સ્પષ્ટતા કરી હતી કે કોઈ વ્યાજબી કારણ વગર વંદે માતરમનું ગાન ન ગાનાર વ્યક્તિ પર કોઇપણ જાતનું દબાણ ન લાવવામાં આવે.

error: Content is protected !!