‘શેપીંગ અ ન્યૂ ઈન્ડિયા’ થીમ પર યોજાઈ રહેલી સમિટ 2019 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘નયા ભારત’ ના નિર્માણના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વનું કદમ

અમદાવાદ:મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ યોજાઈ રહેલી  વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની નવમી શૃંખલા સંદર્ભે વિશેષ માહિતી આપતાં રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહે જણાવ્યું હતું કે ‘શેપીંગ અ ન્યુ ઇન્ડિયા’ થીમ પર યોજાઈ રહેલી આ સમિટ વડાપ્રધાનશ્રીના ‘નયા ભારત’ના નિર્માણના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વનું પગલું બની રહેશે. આ સમિટમાં વેપાર અને નિકાસને મજબૂત બનાવવા, સેવા ક્ષેત્રનો વિકાસ તથા યુવાનોની સહભાગિતા અને સશક્તિકરકણ તેમજ નયા ભારતના નિર્માણમાં અગ્રેસર રાજ્ય તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કરવા જેવી બાબતોને અગ્રતા આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે સમગ્ર વિશ્વ ડિજીટલ યુગમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ ગુજરાતને એડવાન્સ ટેકનોલોજી ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટેની એક મહત્વની તક બની રહેશે.

વિશ્વભરમાં ગુજરાતની આગવી ઓળખ બની રહેલી ગુજરાત સરકારની ફ્લેગશીપ ઈવેન્ટ એવી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની નવમી શૃંખલાની  તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આગાઉ વર્ષ 2017 માં યોજાયેલ વાયબ્રન્ટ સમિટને વૈશ્વિક સ્તરે ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો ત્યારે આ વર્ષે યોજાનાર સમિટ સૌ કોઈની નજર મંડાયેલી છે કે, સમિટમાં કયા દેશોના પ્રતિનિધિઓ, ઉધોગ સાહસિકો અને દેશના વડાઓ સહભાગી બનશે. વાયબ્રન્ટ સમિટની આ આવૃત્તિમાં કેટલીક નવી ઈવેન્ટ્સ ઉમેરવામાં આવી છે જેના લીધે આ સમિટ અગાઉની સમિટ કરતા વિશિષ્ટ બની રહેશે.

વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સૌ પ્રથમવાર કેટલીક નવીનતમ ઈવેન્ટ:

 • સોવરિન વેલ્થ ફંડ, પેન્શન ફંડ અને ઈનસ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટમેન્ટ સંસ્થાના વડાઓ સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી રાઉન્ડ ટેબલ બેઠક કરીને વિવિધ મુદ્દાઓ પર સીધો સંવાદ કરશે.
 • ગુજરાત સ્પ્રિન્ટ – 2022 (વર્ષ – 2022 તરફ ગુજરાતની વિકાસ દોટ)
 • વાયબ્રન્ટ ગુજરાત – આફ્રિકા ડે
 • મેગા ટ્રેડ શો – બાયર-સેલર મિટ અને વેચાણકારોના વિકાસ માટેનું પ્લેટફોર્મ
 • 20 કન્ટ્રી સેમિનાર અને 7 સ્ટેટ સેમિનાર
 • મેઈક ઇન ઇન્ડિયાની સાફલ્યગાથા વર્ણવતું પ્રદર્શન
 • બંદરો, વ્યાપાર અને નિકાસ પર વિશેષ સેમિનાર
 • B2B અને B2Gના સીધા સંવાદ માટે ઓનલાઈન અને ઓનસાઈટ નેટવર્કિંગની તકો

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019: અન્ય ફ્લેગશીપ ઈવેન્ટ્સઃ

 • 17 થી 28 જાન્યુઆરી 2019 દરમિયાન દુબઈ શોપિંગ ફેસ્ટિવલની જેમ જ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન
 • સાયન્સ સિટી અમદાવાદ ખાતે ભવિષ્યની ટેકનોલોજીનું પ્રદર્શન અને નાસાના સહયોગથી સ્પેસ એકસપ્લોરેશન વિષયક પ્રદર્શન
 • સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગ એન્ડ મેથેમેટિક્સ (STEM) વિષય પર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ
 • ગુજરાતના 4 શહેરોમાં વાયબ્રન્ટ ગુજરાત યુથ કનેક્ટ ઈવેન્ટ્સ

વિશ્વના મહાનુભાવો સહભાગી બનશેઃ

ડેનમાર્ક, ચેક રિપબ્લિક, ઉઝબેકિસ્તાન, માલ્ટા અને રંવાડા સહિતના 5 દેશોના વડાઓ વૈશ્વિક સમિટમાં ભાગ લેશે તેમજ 18 જાન્યુઆરીના રોજ વડાપ્રધાનશ્રી સાથે ડીનર પણ યોજવામાં આવશે. સમિટની નવમી આવૃત્તિમાં 15 દેશો ભાગીદાર દેશ તરીકે સહભાગી બનશે. જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ફ્રાન્સ, જાપાન, મોરક્કો, નોર્વે, પોલેન્ડ, સાઉથ આફ્રિકા, રીપલ્બિક ઑફ કોરિયા, થાઈલેન્ડ, નેધરલેન્ડ્સ, યુએઈ અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત 11 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ સહભાગી બનશે જેમાં ધી ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, કેનેડા ઈન્ડિયા ફેડરેશન, કોમનવેલ્થ એન્ટરપ્રાઈઝ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સિલ, ઈન્ડો-ચાઈના ચેમ્બર ઑફ કોમર્સ, ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન, જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન, કોરિયા ટ્રેડ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી, ધી નેધરલેન્ડ્સ ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ટ્રેડ, યુએઈ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને યુ.એસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ જેવી  સંસ્થાઓ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગીદાર બનશે.

વિવિધ દેશોના સેમિનારઃ

ભારતના રાજ્યો ઉપરાંત અન્ય કન્ટ્રી સેમિનાર યોજાશે જેમાં ૨૨ દેશોનું પ્રતિનિધિત્વ હશે. સમિટમાં યોજાનારા કન્ટ્રી સેમિનારોમાં જર્મની, કેનેડા, જાપાન, ડેનમાર્ક, નેધરલેન્ડ, સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનું પ્રતિનિધિત્વ હશે તેઓ તેમના સામર્થ્ય અને રસના ક્ષેત્રો રજૂ કરશે. આ સમિટમાં વિવિધ દેશોના સેમિનારમાં ભારતીય પ્રતિનિધિઓને વિદેશી સહયોગીઓ સાથે સંવાદ કરવા માટેની શ્રેષ્ઠ તક સાંપડશે, સાથેસાથે વિચારોનું આદાન-પ્રદાન પણ થશે. ઉપરાંત ઔદ્યોગિક વિકાસ, વેપાર અને ટેકનોલોજીની આપ-લેની ઉત્તમ તકો રજૂ કરાશે.  જાપાનીઝ, જર્મન, અમેરિકન સહિત અન્ય યુરોપિયન કંપનીઓએ ભારતીય કંપનીઓ સાથે મેન્યુફેકચરિંગ ટેક્નોલોજી ક્ષેત્રમાં સાથે મળીને કાર્ય કરવામાં વિશેષ રસ દાખવ્યો છે.

વિવિધ રાજ્યોના સેમિનારઃ

આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિવિધ આઠ રાજ્યો પોતાના રાજ્યોમાં રોકાણની નવીન તકો પ્રસ્થાપિત કરવાના હેતુથી સહભાગી થશે. જેમાં આંધ્રપ્રદેશ, હરિયાણ, કર્ણાટક, પંજાબ, ઓડિશા, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોમાં આવનાર સમયમાં રોકાણની ઉજ્જવળ તકોની સંભાવના દર્શાવતા વિશેષ સેમિનાર યોજાશે. ગુજરાત સરકારનું હંમેશાંથી એક જ લક્ષ્ય રહ્યું છે કે, ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટે રોકાણના એક શ્રેષ્ઠ સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવું; એટલું જ નહીં રાજ્ય સરકારના પ્રયાસોને કારણે આ સમિટ માત્ર ગુજરાત માટે જ નહિ પરંતુ ભારતના દરેક રાજ્યોમાં રોકાણ માટેનું સર્વશ્રેષ્ઠ મંચ બન્યું છે. જેના કારણે પ્રત્યેક સમિટમાં વધુને વધુ રાજ્યો ભાગ લઈ રહ્યા છે. વર્ષ – 2017 માં ચાર રાજ્યોએ ભાગ લીધો હતો અને વર્તમાનમાં તે આંક વધીને બમણો એટલે કે આઠ થયો છે. નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની થીમ ‘શેપીંગ અ ન્યૂ ઈન્ડિયા’નો મુખ્ય ઉદ્દેશ ભારતભરમાં રોકાણને આકર્ષવાનો છે.

વડાપ્રધાનશ્રી ગ્લોબલ વેલ્થ ફંડ્સ માટે રાઉન્ડ ટેબલ બેઠક યોજશેઃ

નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2019માં દેશમાં સૌ પ્રથમવાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સોવરિન વેલ્થ ફંડ્સના વડાઓ, પેન્શન ફંડ્સ અને સંસ્થાકીય રોકાણકારો સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી વિચાર-વિમર્શ કરશે. આ સત્રનો ઉદ્દેશ દેશ અને રાજ્યની આંતરમાળખાકીય જરૂરિયાતો માટે ભંડોળ એકત્ર કરવાનો છે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 અંતર્ગત ભારતમાં સૌ પ્રથમ વખત રાઉન્ડ ટેબલ બેઠક યોજાશે. જેમાં ભારતના  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય નાણામંત્રીશ્રી અરૂણ જેટલી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સહિત વરિષ્ઠ સરકારી પ્રતિનિધિઓ વૈશ્વિક ભંડોળના વડાઓ સાથે ભારત અને ગુજરાતમાં આ ક્ષેત્રે રહેલી વિવિધ તકો ઉપર વિગતવાર ચર્ચા-વિચારણા કરશે.

ગુજરાત સ્પ્રિન્ટ  2022

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં આ વખતે નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2019 અંતર્ગત આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું શ્રેષ્ઠ કેન્દ્ર બનવા ગુજરાતે જે દોટ મુકી છે તેનો રોડ મેપ ‘ગુજરાત સ્પ્રિન્ટ ટુ 2022’ અંતર્ગત સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ થશે. આ ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ મુખ્યમંત્રીશ્રીએ જે સપનું સેવ્યું છે એવા ગુજરાતના ભવિષ્યના ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય વિકાસને પ્રદર્શિત કરીને આ સમિટમાં ગુજરાતની ભાવિ ઔદ્યોગિક શ્રેષ્ઠતાને વિશ્વ સમક્ષ મૂકવાનો છે. ગુજરાતમાં રાજકીય સ્થિરતા, શિક્ષણની સુવિધા, તબીબી સુવિધાઓ, રોજગારી તકો અને મજબૂત કનેક્ટિવિટી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે જેના પરિણામે ગુજરાત શાંતિપૂર્ણ જીવન જીવવા માટે યોગ્ય સ્થળ છે તે દર્શાવવાનો પણ ઉદ્દેશ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઈવેન્ટમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતની 2022 અને તેથી આગળની ભાવિ વિકાસયાત્રાનું આગવું વિઝન રજૂ કરશે.

આ સેમિનાર રોજગારી અને ઉચ્ચ શિક્ષણ માટે શહેરમાં સ્થળાંતર કરતા રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન કરાવવાની ગુજરાતની ક્ષમતાનો પરિચય કરાવશે. મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે 19 જાન્યુઆરી 2019 ના રોજ આ ઈવેન્ટ યોજાશે. વિશ્વભરના ઉદ્યોગકારો અને રોકાણકારો ઉપરાંત વ્યુહરચનાકારોને સંયુક્ત રીતે રાજ્યમાં રહેલી રોકાણની પ્રવર્તમાન અને ભાવિ તકો વિશે આ સેમિનારમાં માહિતી પૂરી પાડવામાં આવશે. ગુજરાતના જે યુવા ઉદ્યોગકારો આજે પોતાની કંપનીને નવી ઉંચાઈઓ ઉપર લઈ જઈ રહ્યા છે અને સ્ટાર્ટ અપ તેમજ ઈનોવેશનના માધ્યમથી સફળતાની નવી ઉંચાઈઓ સર કરી રહ્યા છે, તેમને પણ આ ‘ફ્યુચરિસ્ટિક’ કાર્યક્રમમાં પોતાનો પ્રતિભાવ લોકો સમક્ષ રજૂ કરવાની તક પૂરી પાડવામાં આવશે.

આફ્રિકા ડેઃ

નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે વૈશ્વિક અગ્રણીઓ અને ઉદ્યોગોના સંચાલકો ગુજરાતમાં મૂડી રોકાણ અંગે વ્યુહાત્મક ભાગીદારી તથા વેપાર અને ઉદ્યોગોમાં વિવિધ તકો વિશે વિચાર-વિમર્શ કરી શકે અને ગુજરાતમાં મૂડી રોકાણ થઈ શકે તે હેતુથી આગામી 19 જાન્યુઆરી 2019ના રોજ ‘આફ્રિકન ડે- આફ્રિકા દિવસ’ ની ઉજવણી કરવામાં આવશે. સેમિનારમાં ભારતીય રોકાણકારો આફ્રિકાન દેશોમાં રોકાણ માટેની તકોથી માહિતગાર થશે. ગુજરાત દ્વારા આફ્રિકન દેશોને પૂરી પાડવામાં આવતી તબીબી સેવાઓ અને મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે રહેલી સંભવિત તકો વિશે ચર્ચા કરવામાં આવશે. ગુજરાત પાસે વૈશ્વિક સ્તરની પોષાય તેવી તબીબી સેવાઓ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત આફ્રિકન પ્રતિનિધિ મંડળ માટે ઝાયડ્સ હોસ્પીટલ, યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિઓલોજી, અમૂલ ડેરીનો પ્રોસેસીંગ પ્લાંટ, આઈઆઈટી- ગાંધીનગર, ગિફ્ટ સિટીની મુલાકાતનું આયોજન પણ કરવામાં આવ્યું છે.  આફ્રિકન અને ભારતીય કંપનીઓ તેમના પરસ્પર રસનાં ક્ષેત્રોના વિવિધ ઉત્પાદનો અને સેવાઓને પ્રદર્શિત કરી શકે એ માટે 2,200 ચોરસમીટર વિસ્તારમાં એક વિશેષ આફ્રિકા પેવેલિયન ઉભું કરવામાં આવશે. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે 54 આફ્રિકન દેશો પૈકીના 40 દેશોએ સહમતી આપી છે અને બીજા વધુ કેટલાંક દેશો પણ જોડાય તેવી સંભાવના છે. ભારતમાંથી સુઝલોન, વેદાંતા, ગોદરેજ, ઝાયડસ અને રિલાયન્સ જેવી કંપનીઓ પણ આ ઇવેન્ટમાં જોડાઇ રહી છે.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલઃ (17 થી 28 જાન્યુઆરી 2019)

અમદાવાદના રીટેલ સેક્ટરને વધુ વિકસાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા દુબઈમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની તર્જ પર તા. 17 થી 28 જાન્યુઆરી 2019 દરમિયાન અમદાવાદ ખાતે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોપિંગ ફેસ્ટિવલ સ્થાનિક વેપારીઓને તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરવા માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ પૂરૂ પાડશે તથા વાયબ્રન્ટ સમિટનાં ઉપલક્ષમાં શહેરમાં આવતા વિશ્વભરના પ્રતિનિધિ-મુલાકાતીઓનો લાભ પણ મળશે. ફેસ્ટિવલમાં બ્રાન્ડેડ ઉત્પાદનોથી લઈને હેન્ડીક્રાફટ ઉત્પાદકો તથા શહેરના સ્થાનિક વેપારીઓ ભાગ લેશે. શોપિંગ ફેસ્ટિવલમાં હસ્તકલાનું નિદર્શન, મનોરંજન માટે ફિલ્મ, ફૂડ ફેસ્ટિવલ, ફ્લી માર્કેટ  (Flea Market) ) જેવી ઈવેન્ટ્સ પણ આયોજિત કરવામાં આવી છે. દર વર્ષે જાન્યુઆરીમાં યોજાતા પતંગ મહોત્સવના દિવસોમાં આ ફેસ્ટિવલ શહેરમાં એક વિશેષ ઉત્સાહ અને ઉજવણીનું વાતાવરણ ઉભું કરે છે.

એમએસએમઈ કન્વેન્શનઃ

ગ્લોબલ સમિટના બીજા દિવસે તારીખ 19 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્ર સરકારના એમએસએમઇ મંત્રાલયના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી ગિરિરાજસિંહ એમએસએમઇ કન્વેન્શનનું ઉદ્દઘાટન કરશે. ઉપરાંત કન્વેન્શનમાં એમએસએમઇ ક્ષેત્રોના સહભાગીઓ માટે ટેકનીકલ સેશન પણ યોજાશે, જેમાં ઉદ્યોગ જગતના નિષ્ણાંતો ડિઝાઈન ટેક્નોલોજી અને મેનેજમેન્ટ, ક્રેડિટ અને ફાયનાન્સ તથા માર્કેટિંગ અને પોઝીશનીંગ ઈન ગ્લોબલ વેલ્યુ ચેઈન જેવા વિષયો પર વક્તવ્ય આપશે. એમએસએમઇ ક્ષેત્રના સહભાગીઓ વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામથી લાભ પ્રાપ્ત કરશે જે એમએસએમઇ કન્વેન્શનનો ભાગ બનશે. વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ તમામ હિતધારકો માટે પરસ્પરના સંવાદ, જોડાણ અને સહભાગિતા માટેનું એક અસરકારક પ્લેટફોર્મ સાબિત થશે. આ પ્રોગ્રામના હિતધારકોમાં જાહેર ક્ષેત્રના એકમો, મોટા કદના ઉદ્યોગો, નાણાકીય સંસ્થાઓ અને સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોનો સમાવેશ થાય છે.

સમિટની દરેક આવૃત્તિ અગાઉની સમિટની તુલનામાં વિશાળ અને ફળદાયી સાબિત થતી રહી છે. આંકડાકીય દ્રષ્ટિએ હંમેશાં દરેક પરિમાણો જેવા કે, સહભાગીઓ, એમઓયુની સંખ્યા, રોકાણ તેમજ ભાગીદાર દેશોમાં સતત વધારો થતો રહ્યો છે. બંદરો, એરપોર્ટ અને માર્ગો દ્વારા વિશ્વનાં 100 થી વધુ દેશો સાથે તથા સ્થાનિક વ્યાપાર કેન્દ્રો સાથે સીધા વ્યાપાર અને નિકાસ માટેની આંતરમાળખાકીય સુવિધા ગુજરાત રાજ્યમાં ઉપલબ્ધ છે. જેના પરિણામે ગુજરાત રાજ્ય રોકાણકારોનું રોકાણ માટેનું માનીતું સ્થળ બની રહ્યું છે. મુખ્ય સચિવશ્રી સિંહે વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘શેપીંગ અ ન્યુ ઇન્ડિયા’ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યું છે એમ પણ ઉમેર્યું હતું.

વધુ માહિતી અને કાર્યક્રમની સૂચિ માટે www.vibrantgujarat.com લોગઈન કરો.

Related Stories

error: Content is protected !!