ખેડૂતોના દેવા માફીની જાહેરાત વિધાનસભા ગૃહમાં કરો : પરેશ ધાનાણી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહમાં ચોમાસુ સત્રનાં બીજા દિવસે ખેડૂતો અંગે ચર્ચા કરવા કોંગ્રેસપક્ષ દ્વારા નિયમોનાં નિયમ- 108ની નોટિસ આપવામાં આવી હતી. પરંતુ શાસકપક્ષ દ્વારા આ નોટિસ મંજુર કરવામાં આવેલ ન હોઈ ચર્ચા ન થઈ શકે તેવો મુદ્દો ઉપસ્‍થિત કરી નાયબ મુખ્‍યમંત્રી નિતીન પટેલે કહયુ હતું કે, ખેડૂતો વિશેની યોજનાઓ બાબતો અંગે બે દિવસમાં સરકાર જાહેરાત કરશે. હકીકતમાં વિધાનસભા ગૃહનું કામકાજ ચાલી રહયુંછે ત્‍યારે જ વિધાનસભા ગૃહમાં ખેડૂતોને દેવા માફીની જાહેરાત કરે તો કોંગ્રેસપક્ષ પણ સંપૂર્ણ ટેકો આપશે તેવું વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું. આ મુદ્દે વિરોધપક્ષના નેતાએ ‘ખેડૂતો પ્રત્‍યે લાગણી હોય અને ખેડૂતોનું હિત ઈચ્‍છતા હો તો જાહેરાતો ગૃહની બહાર શા માટે કરવામાં આવશે ?’ તેવું જણાવી ઉમેર્યું હતું કે, સાચી વાત વિધાનસભા ગૃહમાં કરવી જોઈએ, કારણ કે વિધાનસભા ગૃહ એ લોકશાહીનું મંદિર છે.

ધાનાણીએ કહ્યું હતું કે, વિરજી, હર્ષદએ મંત્રીઓની અનુમતિની અપેક્ષાએ પ્રસ્‍તાવો રજૂ કર્યા હતા. સરકારી આંકડાઓનાં આધારે અમે બેરોજગારીનો મુદ્દો હોય, શિક્ષણનું વ્‍યાપારીકરણ અને માફીયાકરણનો મુદ્દો હોય, યુવાનોને પરસેવો પાડવા રોજગારીનો મુદ્દો લીધો છે. નાયબ મુખ્‍યમંત્રી બે દિવસ પછી જાહેરાત કરવાના છે. ખેડૂતોના દેવા ફલોર પર માફ કરી દો તો તમને આર્શીવાદ આપશે, અમે એમ કહીએ છીએ કે, ‘બે દિવસ પછી શા માટે ?’ અમે આ મુદ્દે ફલોર પર ટેકો આપશું. લોકશાહીમાં ખેડૂતો અને પ્રજાનાં હિતમાં તંદુરસ્‍ત ચર્ચા કરી ટેકો આપવા અમે તૈયાર હોવા છતાં ટેકો શા માટે લેવામાં આવતો નથી.

ધાનાણીએ કહ્યું હતું કે, અગાઉનાં વર્ષોમાં તમારા કે અમારા આવા મુદ્દાની 108ની નોટિસો દાખલ થઈ છે અને ચર્ચાઓ પણ થઈ છે. રાજ્‍યના લોકોના કલ્‍યાણ માટે, ખેડૂતોના દેવા માફીના મુદ્દા, પાક વીમા યોજનાનું સરળીકરણ કરવાનો મુદ્દો, સેટેલાઈટથી જમીન માપણી રદ કરવાના મુદ્દે ચર્ચા કરીએ, પરંતુ આ ચર્ચા સરકારે કરી ન હતી. ધાનાણીએ ઘોઘા-દહેજ રો રો ફેરીની ચર્ચા કરતાં કહ્યું હતું કે, ચૂંટણી પહેલા ર00ર, ર007, ર009, ર01ર, ર014માં રો-રો ફેરી સર્વિસ ચાલુ કરવાની જાહેરાતો થતી, પરંતુ તે ચૂંટણી પુરી થયા બાદ કોઈ કાર્યવાહી થઈ નહીં, પુનઃ બીજી ચુંટણીની રાહ જોવાઈ. હવે લોકસભાની ર019ની ચુંટણી આવી રહી છે ત્‍યારે પુનઃ આ મુદ્દો જાગૃત કરવામાં આવ્‍યો છે. હું પુછું છું કે, ખરેખર આ રો-રો ફેરી સર્વિસ કયારે ચાલુ કરવામાં આવશે ? આજે રો-રો ફેરી સર્વિસ માટે ઘોઘા અને દહેજ બંને તરફના
લોકોની આંખો રોઈ રોઈને લાલ થઈ ગઈ છે. માટે આ સર્વિસ ચૂંટણીલક્ષી નહિં પરંતુ લોકોનાં હિતમાં હકીકતલક્ષી બનાવો.

નગરપાલિકા સુધારા બિલની ચર્ચામાં ભાગ લેતા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાંથી ધારાસભ્‍યો ચૂંટાયેલા હોય છે તેમજ આ વિસ્‍તારમાં ગ્રાન્‍ટો પણ ફાળવતા હોય છે. જેની તમામ બેઠકોમાં હોદ્દાની રૂઈએ ધારાસભ્‍યો-સંસદસભ્‍યોને હોદ્દાની રૂઈએ આમંત્રિત કરવાની અગાઉની પ્રણાલી હાલમાં બંધ કરી દેવામાં આવી છે, તે યોગ્‍ય નથી. નગરપાલિકા-મહાનગરપાલિકાનાં વિકાસ માટે અને દેખરેખ માટે સ્‍થાનિક ધારાસભ્‍યો-સંસદસભ્‍યો વિધાનસભા સહીત જયારે પ્રશ્નો ઉઠાવતા હોય ત્‍યારે સ્‍થાનિક લેવલે પણ તેઓનાં અનુભવનો લાભ લેવો જોઈએ અને વિકાસમાં ભાગીદાર બનાવવા જોઈએ.

ધાનાણીએ ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક-2018ની ચર્ચામાં ભાગ લેતાં કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારે GST કાયદામાં 18%થી ઓછા લઈ શકાય પરંતુ તેના કરતા વધુ નહિ એટલા વેરા વસુલ કરવાની જોગવાઈ રાખી હતી, ત્‍યારે તત્‍કાલીન મુખ્‍યમંત્રી પાસે દિલ્‍હીના દરબારમાં વારંવાર GSTના અમલીકરણ માટે વિરોધ ઉભો કરાવ્‍યો હતો. આજે એક ગુજરાતી વડાપ્રધાન છે. દેશનું સુકાન સંભાળ્‍યા પછી ઉતાવળે આંબો પકવવાનું એવું કયું સ્‍વપ્‍ન આવ્‍યું કે કાલથી આ દેશમાં GST લાગુ થશે એવી જાહેરાત કરી દીધી ? પાંચ જેટલા સ્‍લેબ 0%, પ%, 1ર%,18%, ર8%ના સરળીકરણ માટે ગુજરાત સરકાર શું કામ આગેવાની નથી લેતી ? ‘એક દેશ એક ટેકસ’નો નારો આપ્‍યો છે તો પેટ્રોલ-ડીઝલને GSTમાં કેમ સમાવતા નથી ?

ધાનાણીએ વધુમાં કહ્યું હતું કે, GST લાગુ કર્યા બાદ ગુજરાતમાં કરની આવકો વધી કે ઘટી, વધી તો કેટલી વધી અને ઘટી તો કેટલી ઘટી અને તેના વળતર પેટે ગુજરાત સરકારે ભારત સરકારની સાથે વિવિધ સ્‍તરે શું પરામર્શ કર્યો છે ? ગુજરાતમાં વર્ષ-ર008થી કૃષિના 43 જેટલા ઉત્‍પાદનો ઉપર પ% વેરો વસુલવાની શરૂઆત નરેન્‍દ્રના નેતૃત્‍વમાં થઈ છે. દેશમાં ખેડૂતના દિકરાની પરસેવાની કમાણી ઉપર ઈતિહાસમાં કોઈ સરકારે નજર બગાડી નહોતી. વર્ષ- ર011થી ર016ના 6 વર્ષમાં રાજ્‍યના GDPમાં 1પ%નું યોગદાન આપતું કૃષિ અને પશુપાલન ક્ષેત્ર છે. પરંતુ તેના માટે બજેટમાં 4.0ર%ની જ સરેરાશ ફાળવવામાં આવેલ છે. દર વર્ષે 1 લાખ કરોડ કરતા વધુની આવક કૃષિ ઉત્‍પાદનોમાંથી
રાજ્‍યના GDPમાં યોગદાન આવે છે. તેના પ% એટલે દર વર્ષે પાંચ હજાર કરોડ રૂપિયા ખેડૂતના પરસેવાની કમાણીમાંથી પહેલા વેટ તરીકે સરકારે વસુલી લીધા અને હવે GST તરીકે વસુલે છે, પરંતુ એટલા રૂપિયા સરકાર કૃષિ અને સંલગ્ન સેવાઓ પાછળ ખર્ચી શકી નથી. વેપારી તેના ખિસ્‍સામાંથી વેરો નહિ ભરે. જે કોઈ વેરો તેને ભરવાનો થશે તેનું સીધી કે આડકતરી રીતે ખેડૂતો ઉપર ભારણ આવશે.

ધાનાણીએ વધુમાં કહ્યું હતું કે, દેશમાં વેપારધંધા ઠપ્‍પ થઈ ગયા છે. યુવાનોને રોજગારી ઘટી છે. એમાં પણ આ માસિક રિટર્ન ભરવાની વ્‍યવસ્‍થા હતી આપણે નંબર વન ગુજરાતમાં હજુ ગામડાના છેવાડાના વ્‍યકિત સુધી સરકારી ડીઝીટલ સેવાઓ ઉપલબ્‍ધ કરાવી શકયા નથી. સરકારનું સર્વર કયારેય રજીસ્‍ટ્રેશનને સાથ ન આપે અને મુદત વીત્‍યે એ વેપારીઓ પાસેથી પેનલ્‍ટીરૂપે ગુજરાતના લાખો નાના વેપારીઓને ઓછામાં ઓછા ર0 હજાર રૂપિયા પેનલ્‍ટી આવે અને પેનલ્‍ટીના કાયદા તળે વેપાર ઉદ્યોગમાં અનેક સમસ્‍યાઓનો સામનો કરવો પડે છે. રિફંડ મળવાપાત્ર નાણાં સમયસર ન ચુકવવાના કારણે આજે રાજ્‍ય અને રાષ્‍ટ્રના વેપારીઓની વર્કીંગ કેપીટલ સરકારી તિજોરીમાં સલવાયેલ છે. મેં અગાઉ પણ સરકારને પત્ર લખી GSTનું સરળીકરણ થાય, ખેત ઓજારો ઉપરથી કરવેરો નાબુદ થાય, ખેત ઉત્‍પાદનો ઉપરથી કરની વસુલાત બંધ થાય એવી વિનંતી કરી છે. આમ, GSTના કાયદાનું સરળીકરણ થાય એ માટે સરકારે સકારાત્‍મક રીતે વિચારવું જોઈએ. ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓમાં કરવેરાનું ભારણ છે. સામાન્‍ય માણસે પરસેવો પાડીને કરેલ કમાણી એ પેટ્રોલ પંપે જાય એટલે ખાલી થાય છે. ઐતિહાસિક ઉંચાઈએ પહોંચેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાંથી મુક્‍તિ આપવા માટે પેટ્રોલિયમ પેદાશોને GSTમાં સમાવવા જોઈએ એવી માંગણી કરી હતી.

error: Content is protected !!