‘મન કી બાત’ કાર્યક્રમને રાજકારણથી દૂર રાખ્યો છે : મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિયમિત `મન કી બાત’ કાર્યક્રમનાં ત્રણ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ દેશવાસીઓનાં મન, ભાવ અને આશા-અપેક્ષાઓ સાથે જોડાયેલો છે. ત્રણ વર્ષની આ યાત્રા દેશવાસીઓની ભાવના અને અનુભૂતિની યાત્રા છે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે, તેમણે `મન કી બાત’ ને રાજકારણના રંગથી દૂર રાખી છે. તેમણે આચાર્ય વિનોબા ભાવેના કથનનો હવાલો આપતાં જણાવ્યું હતું કે, તેઓ હંમેશાં કહેતા… અ સરકારી, અસરકારી.

વડા પ્રધાને `મન કી બાત’ કાર્યક્રમના 36મા સંસ્કરણ (એપિસોડ)માં આજે જણાવ્યું હતું કે, `મેં ક્યારે પણ એવું કહ્યું નથી કે આ મારા મનની વાત છે. આ વાત દેશવાસીઓનાં મન સાથે જોડાયેલી છે અને તેમની આશા-અપેક્ષાઓ સાથે જોડાયેલી છે. હું જ્યારે મનની વાત કહું છું ત્યારે દેશના ખૂણે ખૂણેથી લોકો મને તેમનાં મનની વાત પહોંચાડે છે. તમને હું વધારે કહી શકતો નથી, પરંતુ મને તો ભરપૂર ખજાનો મળી જાય છે.

મોદીએ જણાવ્યું હતું કે, મેં મન કી બાતમાં દેશની જનતાને કેન્દ્રમાં રાખવાનો પ્રયાસ કર્યો છે. મેં તેને રાજકારણના રંગથી દૂર રાખી છે.

મન કી બાતના અગાઉના કાર્યક્રમમાં ખાદીના વિષયની ચર્ચાનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, ખાદી એક વસ્તુ નથી, પરંતુ વિચાર છે. આજે ખાદી પ્રત્યેનો લગાવ વધ્યો છે. વિવિધ પ્રકારના ફેબ્રિક્સ

હોય તો `ખાદી કેમ નહીં’ ખાદીના કારણે દેશના ગરીબોને આ કાર્યથી તાકાત મળશે અને ખાદી તરફની રુચિ વધતાં આ ક્ષેત્રમાં કામ કરનારા લોકોમાં નવી રીતે વિચારવાનો ઉત્સાહ વધશે’ એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

વડા પ્રધાને જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી જયંતીથી પહેલાં 15 દિવસ દેશભરમાં સ્વચ્છતા ઉત્સવ મનાવવાનો સંકલ્પ કર્યો હતો અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે આ કાર્યનો આરંભ કર્યો હતો જેમાં દેશવાસીઓ જોડાઈ ગયા હતા. શહેરો અને ગામડાંઓમાં આબાલવૃદ્ધ, ત્રી, પુરુષ તમામ સ્વચ્છતા અભિયાનનો હિસ્સો બની ગયાં હતાં.

બે ભારતીય વીરાંગના સ્વાતિ અને નિધિ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ `મન કી બાત’માં બે વીરાંગના સ્વાતિ મહાડિક અને નિધિ દુબેની વાત કરી હતી. સ્વાતિ અને નિધિના પતિ લડાઈમાં શહીદ થયા હતા અને તેમના સ્થાને બન્ને જણ ઇન્ડિયન આર્મીમાં જોડાઈ છે. લેફ્ટનન્ટ સ્વાતિ અને લેફટનન્ટ નિધિ દુબેએ 11 મહિના સુધી પ્રશિક્ષણ લીધું હતું અને પછી તેમને આર્મીમાં સામેલ કરવામાં આવી છે. બે વર્ષ પહેલાં આતંકવાદીઓ સામે લડતાં કુપવાડામાં કર્નલ સંતોષ મહાડિક શહીદ થયા હતા. 38 વર્ષની સ્વાતિ બે બાળકોની મમ્મી છે અને આર્મી ઓર્ડિનન્સ કોરે તેમને અધિકારીના રૂપમાં સામેલ કરી છે. કર્નલ સંતોષ મહાડિકને વીરતા માટે સેના મેડલ એનાયત થયું હતું. મધ્યપ્રદેશના સાગરમાં રહેતી નિધિ દુબેના પતિ નાયક મુકેશ દુબેના મૃયુ સમયે નિધિ ગર્ભવતી હતી. પતિના મૃત્યુ બાદ તેને સાસરિયાઓએ ઘરમાંથી કાઢી મૂકી હતી અને તેથી નિધિ હિંમત હાર્યા વિના મહેનત અને લગનથી આર્મીમાં અૉફિસરપદે પહોંચી છે.

error: Content is protected !!