મિડિયા વોચઃ વલસાડમાં બંગડીઓ ફેંકાયાના રિપોર્ટીંગ અંગે

અમદાવાદ, દેશગુજરાતઃ વલસાડના જાહેર કાર્યક્રમમાં વલસાડની મહિલા અપક્ષ કાઉન્સીલરે બંગડીઓ ઉછાળી અને વલસાડ નગરપાલિકાની મહિલા પ્રમુખ ચોર છે, ભ્રષ્ટાચારી છે તેવો આક્ષેપ મૂક્યો. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સ્ટેજ પર હાજર હતા. હવે આ ઘટનાના મિડિયા કવરેજનું થોડું ચૂંથણુંઃ

– એજન્સી એએનઆઇએ તેની ટવીટમાં કહ્યું કે વલસાડ મ્યુનીસીપાલિટીની સદસ્યાએ ગુજરાતના નાયબ મુખ્યંત્રી નીતિન પટેલ પર બંગડીઓ ફેેંકીને તેમના પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા.

એજન્સી પીટીઆઇએ તેના ન્યૂઝ આર્ટીકલમાં કહ્યું છે કે બંગડીઓ વલસાડ મ્યુનીસીપાલિટીના મહિલા પ્રમુખ પર ફેંકવામાં આવી હતી અને ભ્રષ્ટાચારના આક્ષેપ બંગડી ફેંકનાર મહિલા દ્વારા મહિલા પ્રમુખ સામે કરવામાં આવ્યા હતા.

– ગુજરાત સમાચાર તેના સંબંધિત આર્ટીકલના શીર્ષકમાં લખે છે કે નીતિન પટેલની હાજરીવાળા સ્ટેજ પર અપક્ષ નગરસેવિકાએ બંગડી ફેંકી. હેડિંગ વાંચીને નીકળી જનાર વાંચકને તો એમ જ લાગે કે નીતિન પટેલ પર બંગડી ફેંકાઇ.

સંદેશની વલસાડ આવૃત્તિનું રિપોર્ટીંગ સત્યની વધુ નજીક હોય તેમ જણાય છે. સંદેશ લખે છે કે બંગડી ફેંકનાર મહિલાએ મ્યુની. પ્રમુખ સામે તેણી ચોર છે તેવા આસંદેક્ષેપ લગાવીને બંગડી ફેંકી હતી. સંદેશે વલસાડ આવૃત્તિમાં એક જગ્યાએ બંગડી ફેંકાઇ તેના સમાચાર મૂક્યા છે તો બાજુમાં જ હોસ્પિટલ સહિત વિકાસ કાર્યોના ઉદ્ઘાટન માટેનો આ સમારંભ હતો અને કયા કયા વિકાસ કાર્યો ખુલ્લા મૂકાયા તેની વિગતના સમાચાર પણ એટલી જ સાઇઝમાં મૂક્યા છે.

– હવે આ બધા ચક્કરમાં સેન્સેશન જગાવનારી અને સ્ટંટ કરનાર મહિલા બંગડી ફેંકીને ભરપૂર પ્રસિદ્ધિ લઇ ગઇ. પરંતુ સમારંભ જે માટે યોજાયો હતો તે 100 પથારીની લોકભાગીદારીથી બનાવાયેલી મ્યુનીસીપાલિટી દ્વારા નિર્મિત હોસ્પિટલની શરુઆત એટલેકે ઉદ્ઘાટન થયું એ લોકોપયોગી ઉદ્દાત એવા વિકાસના કાર્યની તો નોંધ જ ન લેવાઇ અથવા લેવાઇ તો એટલા પૂરત લેવાઇ કે તે કાર્યક્રમમાં થોડીક સેકંડો માટે બંગડીઓ ફેંકાઇ હતી. સમારંભ હોસ્પિટલના ઉદ્ઘાટન માટે યોજાયો હતો. પ્રાઇવેટ નહીં પરંતુ પબ્લીક હોસ્પિટલ, ગરીબ માણસને કામ લાગે તેવી સ્થાનિક તંત્ર દ્વારા ચલાવાતી હોસ્પિટલના ઉદ્ઘાટન માટે યોજાયો હતો. આ હોસ્પિટલ ત્રણ કરોડના ખર્ચે તૈયાર થઇ છે અને તેમાં એક કરોડ તો નગરના નાગરિક દ્વારા ડોનેટ કરાયા છે. જનતાની સારવાર માટે મ્યુનીસીપાલટી દ્વારા નિર્મિત સો પથારીને હોસ્પિટલ માટે એક કરોડ આપનાર કે જેનું કાર્યક્રમમાં સ્વાગત થયું તેની તો ક્યાંય નોંધ જ નથી લેવાઇ પરંતુ અપક્ષ મહિલા કોર્પોરેટરે બંગડી ફેંકવાનો સ્ટંટ કર્યો તો તેના ફોટા, વિડિયો અને નામ ચારેકોર ગાજતું થઇ ગયું છે. અને તેમાંય એજન્સી અને અખબારદીઠ જુદા જુદા વર્ઝન છે.

– વારુ પાછલા કેટલાક સમયથી જોવા મળ્યું છે કે બંગડીઓ, જૂતા, ખુરશી આવું બધું ઉછાળનાર ને ફેંકનારને મિડિયા ન્યૂટ્રલ રીતે ટ્રીટ કરે છે અથવા ઘણી વખત હીરો તરીકે પણ ચીતરે છે પરંતુ શાર્પ રીતે ટીકા કરવાથી દૂર રહે છે. વાસ્તવમાં તો સભાની એક શિસ્ત અને મર્યાદા હોય છે. વિરોધને નામે અશિસ્ત ન ચલાવી લઇ શકાય. જાહેર શિસ્ત અને જાહેર સભાના ડેકોરમ કે સંસ્કાર હોય છે. તમારે વિરોધ કરવો હોય તો તમારી પોતાની સભા કરો, ધરણા કરો, વિરોધ પ્રદર્શન કરો, પરંતુ કોઇની સભામાં જઇને ચીજો ઉછાળવી એ આપણું કલ્ચર નથી. કોઇ વક્તા બોલી રહ્યો હોય ત્યારે જૂતા, તકિયા, બોટલો, ખૂરશી, બંગડીઓ આવું ઉછાળનાર જાહેર શિસ્તનો ભંગ કરે છે અને કુસંસ્કારનું પ્રદર્શન કરે છે. જો અશિસ્તની ટીકા કરવાથી મિડિયા દૂર રહે અને કેટલાક કિસ્સામાં તો તેનું મહિમામંડન પણ કરે તો આ રાહે કેવા સમાજનું નિર્માણ થાય અને કેવા ચીલા પડે તે વિશે વિચાર કરવો ઘટે. કાલે દીકરો બાપની સામે થઇ જશે, વિદ્યાર્થી શિક્ષક સામે થઇ જશે, કર્મચારી બોસ સામે થઇ જશે. શાહી ફેંકાશે, ખુરશી, જૂતું, બોટલ, તકિયા ફેંકાશે. સમાજમાં કોઇ મર્યાદાઓ નહીં રહે. આ પક્ષ કે તે પક્ષ અથવા આ ચૂંટણી કે તે ચૂંટણી એની વાત નથી. ચૂંટણીઓ આવશે ને જશે, આંદોલનો ઉભા થશે ને અસ્ત થશે પણ સમાજમાં અશિસ્તની બદી પેસી જશે.

error: Content is protected !!