મોદી અને આબેની મુલાકાત માટે અમદાવાદને થતો શણગાર

અમદાવાદ, દેશગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્જો આબે આગામી 13 અને 14 સપ્ટેમ્બરે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદને દુલ્હન જેવા શણગારથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. બન્ને વડાપ્રધાન મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે.

બન્ને વડાપ્રધાન જે જે વિસ્તારમાં મુલાકાત લેવાના છે તે તમામ વિસ્તારોમાં રોડ નવા નક્કોર બનાવી દેવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. આ સમગ્ર રૂટ ઉપર લાઇટીંગ, રંગ રોગાન વગેરે કામ જોરશોરથી ચાલી રહ્યું છે. નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન 13મીએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવશે અને ત્યાંથી તેઓ સીધા ગાંધી આશ્રમ જશે. એ બાદ તેઓ સીધા લાલ દરવાજા વિસ્તારમાં આવેલી ઐતિહાસિક સીદી સૈયદની જાળી ખાતે મુલાકાત કરશે અને તેની સામે આવેલી હોટલ અગાશીયેમાં ભોજન લેશે. આ સમગ્ર રૂટ પર રંગબેરંગી લાઇટો કરાઈ છે. એલીસબ્રીજ અને નહેરુ બ્રિજને રંગરોગાન કરી ડિજિટલ લાઈટ અને રોશનીથી ઝળાહળાં કરાયા છે. પુલ પરના રસ્તા નવા કરી નાખવામાં આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘ગુજરાત શૉ’ યોજાશે જ્યાં નરેન્દ્ર મોદી અને શિન્જો આબે બન્ને મહાનુભાવો હાજર રહેશે અને ત્યાંથી તેઓ વત્રાપુર ખાતે આવેલી હોટલ હયાતમાં રાત્રિ રોકાણ કરશે. 14મી સપ્ટેમ્બરે અમદાવાદ-મુંબઇ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેનના મહત્વા કાંક્ષી પ્રોજેક્ટનું ભૂમિપુજન કરશે આ  માટે અમદાવાદ મ્યુનિ.કોર્પો.ના કમિશ્નર મુકેશકુમાર અને કલેકટર સહિત 50 અધિકારીઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. હાલમાં તંત્ર ઊંધા માથે થયું છે

Related Stories

error: Content is protected !!