રાજ્યભરમાં શાળાઓ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ

ગાંધીનગર: છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં ફી વધારાનો મુદ્દો ઉઠી રહ્યો છે. ફી વધારાને લઈને વિરોધ છતાં શાળાઓ સરકાર અને હાઈકોર્ટના આદેશનું પણ પાલન કરતી નથી. ત્યારે શાળા સંચાલકો વાલીઓનું કેવી રીતે માને ? તેવ સવાલો ઉઠી રહ્યા છે. વાલીઓનું કહેવું છે કે, “શાળા સંચાલકો ફીને લઈને કડક ઉઘરાણી કરી રહ્યાં છે ત્યારે વાલીઓ દ્વારા આજે (શુક્રવારે) આ મુદ્દે રાજ્યભરમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું છે. એક બાજુ કમરતોડ ફી વધારો અને બીજીબાજુ શિક્ષણનું કથળતું જતું સ્તરને પગલે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે”.

જોકે, બંધના એલાનને રાજ્યભરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કેટલીક જગ્યાએ બંધને પગલે શાળાઓ ખાલીખમ ભાસતી હતી તો કોઈ કોઈ જગ્યાએ ગણ્યાં ગાંઠ્યા વિદ્યાર્થીની હાજરી જોવા મળી હતી.  અમદાવાદ અને વડોદરામાં બંધની અસર જોવા મળી હતી. બીજી તરફ  સુરત અને રાજકોટમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. બંધને પગલે અમદાવાદની શહેરની 1200 જેટલી અને રાજ્યની અંદાજે 3800 શાળાઓ બંધ રહી હતી.  શાળાઓમાં કથળેલું શિક્ષણ,શાળાઓની મનમાની અને ફી વધારાને પગલે વાલીઓએ વિરોધ દર્શાવ્યો હતો. સરકાર આ મામલે કડક હાથે કામ લે તેવી માંગણી વાલીઓએ કરી હતી. બંધ દરમિયાન વસ્ત્રાલની શાળાઓમાં હોબાળો થયો હતો. તો સેશવ સ્કૂલમાં પણ હોબાળો મચી ગયો હતો. અમાદવાદ અને વડોદરામાં શાળા સંચાલકો અને વાલીઓ સામસામે જોવા મળ્યા હતા.

અમદાવાદમાં વાલીઓએ સેન્ટ મેરી, નારાયણી સ્કૂલ, દેવસ્ય, મહર્ષી સાંદીપની અને આર.પી.વસાણી સહિતની સ્કૂલ બંધ કરાવી હતી. રાજકોટમાં વાલીઓ સરસ્વતી સ્કૂલ પહોંચ્યા હતા. વાલીઓએ નિકોલ નરોડાની 5 સ્કૂલો બંધ કરાવી હતી. વાલીઓનો રોષ જોતા કેટલીક શાળાઓમાં સંચાલકોએ રજા જાહેર કરી દીધી હતી. વાલીઓએ સંચાલકને ગુલાબનું ફુલ આપ્યું હતું. ગુલાબનું ફુલ આપી શાળા બંધ કરવા અપીલ કરી. વડોદરામાં આગલી ટર્મમાં વસુલેલી વધું ફી પરત આપવા માંગણી  કરી હતી. શ્રેયસ સ્કૂલમાં ગદર્ભ લઈને પહોંચેલા વાલીઓએ સંચાલકોની સરખામણી ગદર્ભ સાથે કરી હતી.

સુરેન્દ્રનગરમાં  વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરવાની સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. અલ્ટ્રાવિઝન સ્કૂલમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. પોલીસની દરમિયાનગીરી કરીને મામલાને થાળે પાડવા પ્રયાસ કર્યો હતો.

error: Content is protected !!