સાયબર સુરક્ષા આપણી જીવન શૈલીનો હિસ્સો હોવો જરૂરી: મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જીવનનો મહત્વનો હિસ્સો ગણાવતા સાયબર સુરક્ષાની ગોપનીયતા અને પારદર્શિતાની વચ્ચે સંતુલન જાળવી રાખવા માટે અપીલ કરી છે. મોદીએ સાયબર સુરક્ષા પર આયોજીત પાંચમાં વૈશ્વિક સંમેલન ના ઉદ્ધાટન દરમિયાન કહ્યું કે, આજકાલ સાયબર હુમલાઓને લીધે વિશ્વમાં લોકશાહી દેશો સામે એક મોટું જોખમ ઉભું થયું છે. તેમણે કહ્યું કે, સાયબર સુરક્ષા આપણી જીવન શૈલીનો હિસ્સો હોવો જરૂરી છે. આપણી ગોપનીયતા અને પારદર્શિતા તથા ડિજિટલ અને સુરક્ષાની વચ્ચે સંતુલન જાળવી રાખવું જરૂરી છે. પારદર્શિતા અને ગોપનીયતાના મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ શોધવા જરૂરી છે.

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઉંમગ મોબાઇલ એપ પણ લોન્ચ કરી હતી. જેના દ્વારા લોકો કેન્દ્ર તથા રાજ્ય સરકારની 100 જેટલી સેવાઓનો લાભ મેળવી શકશે. એ સિવાય એમણે ઇન્ડિયા અને કોફી ટેબલ બુકનું પણ લોકાપર્ણ કર્યુ હતું. આ સંમેલનમાં ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રી રવિ શંકર પ્રસાદ તથા શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્ર્મસિંધ પણ હાજર હતા. 120થી વધારે દેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લઇ રહ્યાં છે, આ સંમેલન શુક્રવાર સુધી ચાલુ રહેશે.

વડાપ્રધાન મોદીએ ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી દેશમાં લોકોની જીવનશૈલીમાં આવેલા ફેરફારનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ઇન્ટરનેટનો સ્વભાવ સમાવેશી છે. અમે આ સંમેલન દ્વારા વૈશ્વિક પ્રક્રિયાઓ અને નવીનિકરણમાંથી શીખવાની અપેક્ષા રાખીએ છીએ. તેમણે કહ્યું કે, આપણે બધા સાથે મળીને આગળ વધીશું ત્યારે વાસ્તવિક વિકાસ થશે. ભારતમાં ઇન્ફોરમેશન એન્ડ ટેક્નોલોજી (આઇટી) ક્ષેત્રમાં ઘણીબધી તકો છે અને હું તમને બધાને એમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરુ છું.

error: Content is protected !!