ફિલિપાઈન્સ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત

નવી દિલ્હી, દેશગુજરાત: 31મી આસિયાન સમિટમાં (ASEAN Summit) અને 12માં ઇસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા માટે રવિવારે ફિલિપાઇન્સની રાજધાની મનીલા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટ શરુ થતા પહેલા જ અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. ચાર મહિનામાં આ બંને નેતાઓ વચ્ચે આ બીજી મુલાકાત છે. આ પહેલા જુલાઈમાં જર્મનીમાં યોજાયેલી જી20 સમિટમાં બંને નેતા મળ્યા હતા. ફિલિપાઈન્સ પહોંચતા જ વડાપ્રધાન મોદી ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રૉર્ડિગો ડ્યુટર્ટ, ચાઇનાના પ્રીમિયર લી.કેકીઆંગ અને મલેશિયાના વડાપ્રધાન નજીબ રઝાકને પણ મળ્યા હતા. પરંતુ વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની મુલાકાતને મહત્વની માનવામાં આવે છે.

હાલ તો અમેરિકા અને ભારત વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોની વાતો થઇ રહી છે. જેનું ઉદાહરણ વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ સમયે પણ જોવા મળ્યું હતું. તે સમયે ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત  વ્હાઇટ હાઉસમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત, ટ્રમ્પે ઘણી વાર ભારત અને વડાપ્રધાન મોદીને આંતરરાષ્ટ્રીય મંચ પરથી પ્રશંસા કરી છે. જોકે, યુ.એસ. દ્વારા લેવામાં આવેલા બે નિર્ણયોએ તાજેતરમાં જ ભારત અંગે ચિંતા ઉભી કરી હતી.

ગયા મહીને, યુ.એસ. કેનેડિયન નાગરિક હક્કાની નેટવર્કમાંથી છૂટતા ડોનાલ્ડ ટ્રમ્પે પોતે ટ્વિટ કરીને પાકિસ્તાનની પ્રશંસા કરી હતી.  આ પછી, 11 નવેમ્બરે યુ.એસ.એ.એ પાકિસ્તાનને 70 મિલિયન અમેરિકન ડોલરની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. આ બંને નિર્ણયો ટ્રમ્પ સરકારનું પાકિસ્તાન તરફે નરમ વલણ દર્શાવે છે. આ બાબતને લઈને ભારત દેશ થોડો વ્યથિત થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેથી, મોદી અને ટ્રમ્પ વચ્ચેની આ વખતની મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ હોવાનું માનવામાં આવે છે અને ઘણા અનુમાન લગાવાનું પણ શરુ થઇ ગયું છે.

error: Content is protected !!