રાજયની 17,000થી વધુ સસ્તા અનાજની દુકાનો અને 200થી વધુ ગોડાઉનોની માહિતી હવે એપ્લીકેશન પર ઉપલબ્ધ

ગાંધીનગર: રાજયભરમાં આવેલી 17,000થી વધુ સસ્તા અનાજની દુકાનો અને 200થી વધુ ગોડાઉનોની માહિતી હવે સામાન્ય પ્રજાને જીઆઇએસ એપ્લીકેશનની મદદથી નકશા ઉપર ઉપલબ્ધ થશે તેમ રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા દ્વારા આજે (બુધવારે) ગાંધીનગરમાં જણાવાયું હતું.

મંત્રીએ આજે જીઆઇએસ બેઇઝ એપ્લીકેશન ‘‘Know your FPS and Know your Godown’’ એપ્લીકેશનનું લોન્ચીંગ કરતા કહ્યું હતું કે આ એપ્લીકેશનના લોન્ચીંગથી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગએ સઘળી કામગીરી પૂર્ણ પારદર્શકતા સાથે આંગળીના ટેરવે ઉપ્લબ્ધ કરાવી વહીવટી પારદર્શકતા માટે નવી પહેલ કરી છે. આ એપ્લીકેશનની મદદથી છેવાડાનો નાગરિક પણ પોતાના આજુબાજુના વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનની માહિતી તેમજ તેમાં ઉપલબ્ધ પુરવઠાની વિગતો સરળતાથી આંગળીના ટેરવે નકશા દ્વારા મેળવી શકશે.

આ જીઆઇએસ એપ્લીકેશન જાહેર જનતા માટે "pds-geo.gujarat.gov.in" ઉપર ઉપલબ્ધ થશે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘે કહ્યુ હતું કે બાયસેગ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ એપ્લીકેશનની મદદથી રાજયમાં આવેલા તમામ ગોડાઉનો અને રાજયના તમામ ‘પંડિત દિન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર’ની સંપૂર્ણ વિગતો સામાન્ય વ્યક્તિ મેપ દ્વારા જાણી શકશે. આ એપ્લીકેશનના કારણે ડિસીઝન મેકીંગ કામગીરી થતાં નાણાની બચત થશે ઉપરાંત આપદા સમયે યોગ્ય સંકલન, આયોજન અને અમલીકરણમાં તંત્રને સુગમતા રહેશે.

આ એપ્લીકેશનથી રાજયનો કોઇપણ નાગરિક પંડિત દિનદયાળ ગ્રાહક ભંડારનું સ્થળ અને તેમાં ઉપલબ્ધ સગવડ, કાર્ડ ધારકોની વિગતો, સ્ટોક, વિતરણ વગેરેની માહિતી મેળવી શકશે. રેગ્યુલર અને ચાર્જમાં ચાલતી દુકાનો, પરમીટના સ્ટેટસની છેલ્લી સ્થિતિની વિગતો પણ મેળવી શકશે. રાજયના 200 કરતા પણ વધુ ગોડાઉનો અને એની તમામ વિગતો, જથ્થો તથા જથ્થાના વિતરણની વિગતો ભૌગોલિક માહિતી સાથે મેળવી શકશે. સસ્તા અનાજની બે દુકાનો વચ્ચેનું અંતર, આધાર આધારિત જથ્થાના વિતરણની વિગતો પણ ઉપલબ્ધ થતા સમગ્ર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક બનશે.

error: Content is protected !!