રોજગારી માટે ૨૮૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓ દ્વારા પસંદગી કરાઇ, ૮૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને નિમણૂંક પત્રો અપાયા

ગાંધીનગર:ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ વિદ્યાર્થીઓને તરત જ રોજગારી પ્રાપ્ત થાય તે માટે શિક્ષણ વિભાગે ૨૮ જાન્યુઆરીથી ૨૦ મી ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં ૨૩ જેટલા અલગ અલગ સ્થળો પર યોજેલા પ્લેસમેન્ટ ફેરને ભવ્ય સફળતા મળી છે. આ તમામ પ્લેસમેન્ટ ફેરના આયોજન બાદ મળેલી વિગતો મુજબ રાજ્યમાં અંદાજે વિવિધ કં૫નીઓ દ્વારા જે તે ક્ષેત્રમાં રોજગારી માટે ૨૮૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે તેમાંથી ૮૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને નિમણૂંક પત્રો પણ આપી દેવાયા છે.

આ વિદ્યાર્થીઓને રાજ્યની વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા નોકરીઓ માટેના કોલ લેટર આપવાની શરૂઆત થઇ ચૂકી છે. મહત્વની વાત એ છે કે, શિક્ષણ વિભાગના આ પ્લેસમેન્ટ ફેરના આયોજનના પરિણામે સાબરકાંઠા જિલ્લાના પોશીના, મહિસાગર જિલ્લાના લુણાવાડા ઉપરાંત રાજ્યના અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને પણ રોજગારીની તકો મળી હોવાનું શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે. ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓને રોજગારી આપવાનો આવો પ્રયોગ સમગ્ર દેશમાં સૌ પ્રથમ વખત ગુજરાતમાં કરવામાં આવ્યો છે, જેનું અનુકરણ અન્ય રાજ્યો કરી શકે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે, પ્લેસમેન્ટ ફેર કાર્યક્રમ સંપૂર્ણ રીતે સફળ રહેલ છે. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાં કોલેજો/યુનિવર્સિટીઓ સહિત ૪૮૩ સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ૧૨૯૦ જેટલી પ્રાઈવેટ સેક્ટર, પબ્લિક સેક્ટર, સ્મોલ સ્કેલ, મીડીયમ સ્કેલ તેમજ વિવિધ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો. જેમણે ૪૧૮૨૬ જેટલા ઈન્ટરવ્યુ લીધા હતા.

શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ, વિવિધ કંપનીઓ, ઉદ્યોગો અને તમામ આચાર્યો/અધ્યાપકોના સહકારથી રોજગારી માટે રાજ્યમાં એક સર્વપ્રથમ સફળતાપૂર્વકની યોજના સિદ્ધ થયેલ છે. જે આગામી વર્ષોમાં પણ ચાલુ રહેશે.

આ પ્લેસમેન્ટ કાર્યક્રમમાં ૧૬૯ જેટલી સંસ્થાઓ એવી હતી કે જેઓ દ્વારા પ્રથમ વખત જ પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સરકારી વિનયન કોલેજ- બાયડ, શ્રી એચ એસ શાહ કોલેજ ઓફ કોમર્સ મોડાસા, એમ. એમ. ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્રનગર, શ્રીમતિ એસ.સી. પી. એફ. કોમર્સ કોલેજ ડભોઇ, શ્રી પી. એન. પંડ્યા આર્ટસ, શ્રી એમ. પી. પંડ્યા સાયન્સ અને ડી. પી. પંડ્યા કોમર્સ કોલેજ લુણાવાડા, સરકારી વિજ્ઞાન કોલેજ ઝાલોદ, સરકારી બી.એડ. કોલેજ કાછલ વગેરે જેવી કોલેજોનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની સરકારી અને અનુદાનિત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની સંસ્થાઓમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોજગારીની તક પૂરી પાડવાનો અને વિદ્યાર્થીઓની રસ, રૂચિ, કલા, કૌશલ્યો અનુસાર તેમને જે તે ક્ષેત્રમાં નોકરી કરવાની ઈચ્છા હોય તેવી કંપની સાથે ઈન્ટરવ્યુ કરાવીને સારામાં સારી રોજગારીની તકો ઉભી કરવાનો હતો. જેમાં સરકારને મહદઅંશે સફળતા પ્રાપ્ત થયેલ છે.

Related Stories

error: Content is protected !!