બુલેટ ટ્રેન ભારતમાં લાવશે રેલ્વે સુવિધામાં ક્રાંતિ – સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ શૌચાલયની વ્યવસ્થા

નવી દિલ્હી, દેશગુજરાત: ભારતમાં બુલેટ ટ્રેન શરુ થવાની સાથે એક નવા યુગની શરૂઆત તો થશે જ પરંતુ રેલ સુવિધાઓમાં પણ ક્રાંતિકારી બદલાવની પણ શરૂઆત થઇ જશે.

રેલ્વેના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી પ્રસ્તાવિત બુલેટ ટ્રેનમાં સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ શૌચાલયો હશે. બુલેટ ટ્રેનમાં અલગ શૌચાલયોની હાજરી જ નહીં પરંતુ તેમની ડીઝાઇન પણ સૌથી અલગ હોવાનું પણ આ અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન ES શીન્કાસેન સિરીઝની બુલેટ ટ્રેન હશે જેમાં બાળકોના કપડા બદલવા માટે પણ અલગ રૂમ હશે. અહીં બાળકોની અલગ ટોઇલેટ સીટ, ટેબલ, નીચું સિંક અને વપરાયેલા ડાયપર માટે ખાસ વ્યવસ્થા પણ હશે. પુરુષોના શૌચાલયો ભીત સાથે જોડાયેલા હશે તેવું પણ જાણવામાં આવ્યું છે.

જો કે યુરીનલ્સ અને શૌચાલયો એકાંતરા ડબ્બાઓમાં હશે. ઉદાહરણ તરીકે શૌચાલયો જો ડબ્બા નંબર 1,3,5,7 અને 9માં હશે તો યુરીનલ્સ 2,4,6 અને 8 નંબરના ડબ્બાઓમાં સ્થિત હશે. દિવ્યાંગ, ખાસકરીને વ્હીલચેર વાપરતા મુસાફરો માટે પણ અલગથી શૌચાલયની વ્યવસ્થા હશે.

બુલેટ ટ્રેનમાં બીઝનેસ અને સ્ટાન્ડર્ડ એમ બે ક્લાસ હશે. સ્ટાન્ડર્ડ ક્લાસની 698 બેઠકો હશે જ્યારે બીઝનેસ ક્લાસની 55 બેઠકો રહેશે.

બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું 508 કિલોમીટરનું અંતર 2 કલાક અને 7 મિનીટમાં પૂરું કરશે જેમાંથી થાણે અને વિરાર વચ્ચેનું 21 કિલોમીટર અન્ડર ગ્રાઉન્ડ અને તેમાંથી પણ 7 કિલોમીટર સમુદ્રની નીચેથી પસાર થશે.

Related Stories

error: Content is protected !!