મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પરિયોજના તથા વડોદરામાં શરૂ થનાર હાઇસ્પીડ રેલ ટ્રેનીંગ સેન્ટરનું ખાતમુર્હૂત

અમદાવાદ:  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ ગુરુવારે અમદાવાદમાં સાબરમતી ટર્મીનલ ખાતે જાપાનના સહયોગથી સાકાર થનાર મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પરિયોજના તથા વડોદરામાં હાઇસ્પીડ રેલ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટનું ખાતમુહૂર્ત કર્યું હતું. જાપાન સરકારની રૂા.88 હજાર કરોડની આર્થિક મદદથી આકાર પામનાર આ પ્રોજેક્ટનું કામ આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

મોદીએ કહ્યું કે, ભારતમાં રેલ્વેના ઇતિહાસમાં હાઇસ્પીડ રેલ પ્રોજેકટના એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. બુલેટ ટ્રેન પરિયોજના તેજ ગતિ, તેજ પ્રગતિ, તેજ ટેકનોલોજીના માધ્યમથી દેશમાં ઝડપી બદલાવ લાવશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. મુંબઇ- અમદાવાદ રૂટ વચ્ચે નવી ઇકોનોમી સિસ્ટમના વિસકવા સાથે આ સમગ્ર વિસ્તાર સીંગલ ઇકોનોમી ઝોનમાં પરિવર્તિત થશે.

મોદીએ કહ્યું કે, ભારતે આજે વર્ષો જુનાના સ્વપ્નોને સાકાર કરવામાં એક મોટુ કદમ ઉઠાવ્યું જે બદલ તેમને દેશના સવા સો કરોડ નાગરિકોને શુભેચ્છાઓ આપી હતી. વડાપ્રધાને કહ્યું કે, હાઇસ્પીડ રેલ પ્રોજેકટથી મેઇક ઇન ઇન્ડિયાને મજબૂતી મળવા સાથે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારીના હજારો અવસર ઉપલબ્ધ થશે. બુલેટટ્રેનમાં સુવિધા સાથે સુરક્ષા અને હ્યુમન ફ્રેન્ડલી સાથે ઇકો ફ્રેન્ડલી સુવિધા પણ છે.

વડાપ્રધાને ઉમેર્યું હતું કે,  ટેકનોલોજી ટ્રાન્સફરથી રેલ્વેને ફાયદો થશે એટલું જ નહીં ટેકનીશીયન મેન્યુફેકચર્સને લાભ થવા સાથે રેલ્વે નેટવર્કને પણ ફાયદો મળશે. ભારતમાં હવે નેકસ્ટ જનરેશન ગ્રોથનો વિકાસ, જ્યાં હાઇસ્પીડ કોરીડોર હશે ત્યાં થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું કે,  હાઇસ્પીડ રેલ્વે સિસ્ટમથી મુંબઇ-અમદાવાદ વચ્ચેનું અંતર ઘટવા સાથે ૫૦૦ કી.મી. દૂર વસતા બે શહેરોના નાગરિકો પણ નજીક આવશે.

માનવ સભ્યતાનો વિકાસ યાતાયાતના વિકાસ સાધનો સાથે જોડાયેલો છે તેમ જણાવતાં વડાપ્રધાને ઉમેર્યું હતું કે, મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ બંને દેશોના મજબૂત સંબંધોનું ઉમદા પ્રતિક છે. આ પ્રોજેક્ટને સાકાર કરવામાં જાપાન સરકારે રૂા.૮૮ હજાર કરોડની લોન માત્ર ૦.૧ ટકા વ્યાજ દરથી આપી છે જે બદલ તેમણે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેનો આભાર વ્યકત કરતાં આ જાપાનની ભારતને સૌથી મોટી ભેટ છે તેમ જણાવ્યું હતું.

વડાપ્રધાને કહ્યું કે, દેશના વિકાસમાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમની મહત્વની ભૂમિકા છે, ત્યારે સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં રેલવે- હાઇવે-વોટર વે અને એર વે ના ક્ષેત્રમાં તેજ ગતિથી વિકાસ માટે સર્વગ્રાહી પગલાં લીધા છે. સરકાર ફ્યુચર પ્રુફીંગ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે જેથી ભાવિ પેઢીને અનુરૂપ આંતરમાળખાકીય સુવિધાઓનું દેશમાં નિર્માણ કરી શકાય.  ટેકનોલોજીનો ઉપયોગ ગરીબોના સશક્તિકણ માટે કરવામાં આવે તો ગરીબી સામેની લડાઇ જીતી શકાય છે. દેશના સામાન્ય નાગરિક નવી ટેકનોલોજી સાથે જોડાઇ ટેકનોલોજીનો લાભ લેતો થાય તે જરૂરી છે તેમ તેમણે ઉમેર્યું હતું. મેક ઇન ઇન્ડીયાના ખ્યાલને મજબુત બનાવવા ઇન્ટ્રીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ સીસ્ટમની જરૂરીયાત ઉપર ભાર મૂકતા તેમણે ઉમેર્યું કે, પરિવહનના તમામ ક્ષેત્રોમાં ટેકનોલોજીનો વિનયોગ કરી દેશમાં આંતરમાળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.

તેઓએ કહ્યું કે, બુલેટ ટ્રેન માટે ઉપયોગમાં લેવાનારા સંશાધનો ભારતમાં બનશે જેથી મેન્યુફેકચરીંગ ઉદ્યોગના વિકાસને વધુ વેગ મળશે. દેશમાં રેલવે, સડક, જળ માર્ગ અને હવાઇ માર્ગ ક્ષેત્રે થઇ રહેલી કામગીરીની વિસ્તૃત ભૂમિકા આપતાં તેમણે જણાવ્યું કે, જી.એસ.ટી.ના કારણે દેશમાં ટ્રાન્સપોર્ટ સીસ્ટમમાં ૩૦ ટકાની વૃધ્ધિ થઇ છે. જળ માર્ગોના વિસ્તાર માટે નેશનલ વોટર ગ્રીડ હેઠળ ૧૦૬ નદીઓનું
જોડાણ કરવાની દિશામાં પણ સરકાર આગળ વધી રહી છે. નેશનલ એવીએશન પોલીસી થકી ઉડાણ યોજનાના માધ્યમથી દેશના ૧૭ નાના શહેરોને જોડવામાં આવ્યા છે જેથી સામાન્ય નાગરિકોને સસ્તી મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ જાપાનના આર્થિક સહયોગ, ટેકનોલોજી અને દેશના કુશળ માનવબળથી સમયમર્યાદા પહેલા પૂર્ણ કરવામાં આવશે જે નવા ભારતને નવી ગતિ અને દિશા
આપવામાં અગ્રેસર બની રહેશે.

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ કહ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા જાપાન અને ભારતના સંબંધના એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. જાપાન એ ભારતનું મિત્ર રહ્યું છે. જાપાન અને ભારતના સંબંધો એ દ્વિપક્ષીય ન રહેતા ગ્લોબલ પાર્ટનરશીપમાં આજે વિકસીત થયાં છે. તેમણે બુલેટ ટ્રેનના પ્રારંભ બાદ જાપાનનાં અર્થકારણમાં આવેલ બદલાવનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતું કે, ૧૯૬૪માં જાપાનમાં શરૂ થયેલી બુલેટ ટ્રેનના પરિણામે જાપાનની આર્થિક વૃધ્ધિની શરૂઆત થઇ અને એક નવા જાપાનનો પુનઃજન્મ થયો. જાપનની અર્થ વ્યવસ્થામાં બદલાવ આવ્યો અને ૧૦ ટકાથી વધુ આર્થિક વિકાસ દર જાપાનને હાંસલ કર્યો. ગુજરાત પણ આ જ દિશામાં હવે આગળ વધી રહ્યું છે તેમ કહેતા વડાપ્રધાન શિન્ઝો આબેએ ઉમેર્યું ભારતને આજે એક વૈશ્વીક દૂરદર્શી નેતા મળ્યા છે તેમની દૂરદર્શીતા થકી તેમણે નવા ભારતના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે તેમાં જાપાન તેમની સાથે છે. ભારતના વડાપ્રધાનની મેઇક ઇન ઇન્ડિયાની પ્રતિબધ્ધતા ભારત-જાપાનના આપસી સહયોગ થકી સાચા અર્થમાં સફળ બની રહેશે.

આબેએ જાપાનમાં સફળ બનેલ આ બુલેટ ટ્રેન પ્રોજેકટનો ઉલ્લેખ કરતાં કહ્યું યું હતું કે આ અત્યાર સુધીમાં એક પણ ટ્રેન દૂર્ઘટના જાપાનમાં નથી થઇ તે દ્રષ્ટ્રીએ આ બુલેટ ટ્રેન એ સુરક્ષીત છે. તેમણે આ તકે ગુજરાત-મહારાષ્ટ્રને જોડતો આ બુલેટટ્રેન પ્રોજેક્ટ એ નવા ભારતના નિર્માણ માટેનું પહેલુ કદમ છે. તેમણે નવા ભારતના નિર્માણની આ પહેલમાં જાપાનના પ્રથમ અક્ષર JA અને ઇન્ડિયાના I ને
જોડીને બનતા JAI શબ્દને આ પ્રોજેક્ટના વિજયનું પ્રતિક ગણાવ્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રેલવેના ઇતિહાસમાં બુલેટ ટ્રેનનો ક્રાંતિકારી પ્રારંભ ગુજરાતની ભૂમિ ઉપરથી થઇ રહ્યો છે જે ગુજરાત માટે ગૌરવ બાબત છે. ગુજરાત જાપાનના મૈત્રીપૂર્ણ સંબંધોનો વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી પ્રારંભ થયો છે. વાઇબ્રન્ટ
ગુજરાત બાદ જાપાનની અનેક કંપનીઓ અહીં આવી છે. ગુજરાતના વિકાસમાં જાપાન ભાગીદાર બન્યું છે. ગુજરાતની આ વિકાસ યાત્રામાં આજે બુલેટ ટ્રેન પ્રોજેકટ રૂપી યશગલગીનો ઉમેરો થયો છે. આ પ્રોજક્ટથી ગુજરાત-મહારાષ્ટ્ર જોડાવાના છે જેના કારણે આ બંને
રાજ્યોના વિકાસને વેગ મળશે. આ રાજ્યોના વેપાર ઉદ્યોગ, આરોગ્ય અને શિક્ષણ સહિતના ક્ષેત્રો માટે આ ટ્રેન ઉપકારક બની રહેશે. આ પ્રોજેકટ થકી વિશાળ પ્રમાણમાં રોજગારીની તકો ઉપલબ્ધ બનશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે આજનો દિવસ એ ભારત માટે ઐતિહાસિક દિવસ છે, નવા ભારતની સંક્લપના નવી આ પ્રોજેકટ થકી આજે રખાઇ રહી છે તેમ જણાવી દેશની પહેલી ટ્રેન મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આ પ્રોજેક્ટના કારણે મહારાષ્ટ્ર-ગુજરાતમાં રોજગારી ઉપલબ્ધ બનશુ અને જીડીપી ગ્રોથ વધશે.

રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર અને ગુજરાતને જોડતા બુલેટ ટ્રેન પ્રોજક્ટનો આજે મહાત્મા ગાંધીની ભૂમિ એવા ગુજરાતથી પ્રારંભ થઇ રહ્યો છે. આ પ્રોજેકટ થકી બંને રાજ્યોના વિકાસને વેગ મળશે. તેમણે મહાત્મા ગાંધીજીના જીવનમાં રેલ્વેની ઘટનાના પરિણામે આવેલ બદલાવનો ઉલ્લેખ કરતાં ઉમેર્યુ હતું કે, તે સમયમાં ટ્રેન એ બટવારાનું પ્રતિક બની હતી. જ્યારે આજે આ બુલેટ ટ્રેન એ બે મિત્ર દેશોને જોડી રહી છે અને ભાઇચારાનું પ્રતિક બની છે. આ પ્રોજેકટથી મેક ઇન ઇન્ડીયાને નવુ બળ મળશે. ભારતમાં મોટુ પરિવર્તન આ પ્રોજેકટથી આવશે.

આ અવસરે રાજ્યપાલ ઓ.પી.કોહલી, કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી મનોજ સિંહા, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા, રાજ્યમંત્રી મંડળના સદસ્યો, સાંસદો, ધારાસભ્યો પદાધિકારીઓ, જાપાનના પ્રતિનિધિ મંડળના સદસ્યો, ઉચ્ચ અધિકારીઓ રેલવેના અધિકારીઓ સહિત નાગરિકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતાં.

error: Content is protected !!