મુસ્લીમ આગેવાનોએ જગન્નાથ મંદિરને ભેટમાં આપી સીદી સૈયદની જાળી

અમદાવાદ: ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રા ૧૪મી જુલાઈએ નીકળવાની છે. રથયાત્રાની પુર્વતૈયારીઓ ચાલી રહી છે.
આજે (ગુરુવારે) ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમના અધ્યક્ષ સહિત અનેક મુસ્લીમ આગેવાનોએ જગન્નાથ મંદિરે જઈ મહંત દિલીપદાસજી મહારાજનું અભિવાદન કરી કોમી એકતાના પ્રતિક સ્વરૂપે સીદી સૈયદની જાળી મહંતને અર્પણ કરી હતી. મહંતએ પણ અધ્યક્ષ તથા મુસ્લીમ આગેવાનોને ઉપરણ પહેરાવી સન્માન કર્યું હતું.

ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમના અધ્યક્ષ સુફી સંત એમ.કે.ચિશ્તીએ જણાવ્યું હતું કે, રથયાત્રાનું પર્વ એ શાંતિ, સદભાવ અને ભાઈચારાનું પ્રતિક છે. રાજ્યના કરોડો લોકો આ પર્વમાં સહભાગી થાય છે. હિંદુ સમાજની સાથે સાથે મુસ્લીમ સમાજના લોકો પણ એટલા જ પ્રેમ-સદભાવથી આ પર્વમાં જોડાય છે તે જ પુરવાર કરે છે કે આ પર્વ કોમી એકતાનું પર્વ છે. અમે સૌએ આ પર્વની શુભેચ્છા સાથે આજે મહારાજનું પણ સન્માન કર્યું છે.

છેલ્લા ૧૫ વર્ષથી આ પર્વ દરમ્યાન કોમી છમકલું નથી થયું. તત્કાલિન મુખ્ય મંત્રી અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૧૫ વર્ષના શાસન દરમ્યાન ગુજરાત કર્ફ્યુ મૂક્ત રહ્યું છે. વિવિધતામાં એકતા અને ભાઈચારો એ આપણા દેશના સંસ્કાર છે. કેટલાક વિદેશી મુલ્કો ભારતને મહાસત્તા બનતી અટકાવવા પ્રયાસ કરે છે, પણ તેમના નાપાક ઈરાદા ક્યારેય સફળ નહી થાય. શાંતિ સિવાય વિકાસ શક્ય નથી ત્યારે આવા તત્વોનો કોઈ પણ પ્રયાસ સફળ નહી થવા દઈએ. ગુજરાત અને ભારત સરકાર વંચિતો વિકાસ અને ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ નો મંત્ર લઈને આગળ વધી રહી છે તે અનુકરણીય છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ભુષણ ભટ્ટ, મુસ્લીમ અગ્રણીઓ, ભક્તો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!