સર્જીકલ સ્ટ્રાઇક વિશે પ્રશ્નો ઉઠાવનાર કોંગ્રેસને બરોબર ઓળખી લેવાની જરૂર છે: મોદી

દાહોદ: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દાહોદ ખાતે ગુજરાત વિકાસ રેલીને સંબોધતાં કહ્યું હતુ કે, જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણે પ્રજાને આફતમાંથી ઉગારવા ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો તેવી જ રીતે આપણે પણ ૧૪મી તારીખે કમળ પર બટન દબાવીને ભાજપાને જીતાડીએ અને કોંગ્રેસનો એકપણ પંજો ગુજરાતમાં ન પડવા દઇએ. વડાપ્રધાનએ સંસ્મરણો વાગોળતા કહ્યું કે, દાહોદનો એકપણ મહોલ્લો એવો નથી કે જ્યાં હું પગે ચાલીને ન ગયો હોઉં. દેશના વડાપ્રધાન આ જીલ્લાના ૨૦૦-૩૦૦ લોકોને નામથી ઓળખતા હોય તેવો આ પહેલો સંજોગ છે.
મોદીને વધુમાં કહ્યું કે, અટલ બિહારી બાજપાઈની સરકાર પહેલા કોંગ્રેસે દેશમાં ૫૦ વર્ષથી વધુ શાસન કર્યું. એકજ કુટુંબના વડાપ્રધાનો બન્યા એમ છતાંય આ દેશમાં ક્યારેય આદિવાસીઓ માટે અલગ મંત્રાલય કે અલગ બજેટ ન ફાળવ્યું અને માત્રને માત્ર વોટબેંકનું રાજકારણ રમી આદિવાસીઓનો વિકાસ ન થવા દીધો. અટલ બિહારી બાજપાઈની ભાજપાની સરકાર કેન્દ્રમાં આવી ત્યારે, અલગ મંત્રાલય અને બજેટ ફાળવવામાં આવ્યું.
મોદીએ વધુમાં કહ્યું કે, કેન્દ્રમાં ૨૦૧૪માં ભાજપાની સરકાર બની પછી કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના સાંસદો પછાત સમાજના બક્ષીપંચ સમાજના ભાઇઓ સાથે આવ્યા અને પછાતોના હક્ક માટે આયોગને બંધારણીય દરજ્જો આપવાની વાત કરી. અભ્યાસ પછી ભાજપાએ પાર્લામેન્ટમાં કાયદા માટે બંધારણીય સુધારો લાવ્યા. લોકસભામાં અમારી બહુમતિ છે તો ત્યાંથી તેને પસાર કરીને મોકલ્યું પરંતુ કોંગ્રેસે રાજ્ય સભામાં અટકાવી દીધું. કોંગ્રેસના દિલમાં ગરીબો, આદિવાસીઓ, પછાત, બક્ષીપંચ માટે જરાય દર્દ નથી. તે માટે તેમણે આ બીલ અટકાવ્યું. દેશની અને ગુજરાતની જનતા આ માટે કોંગ્રેસને આકરામાં આકરી સજા કરશે.
મોદીએ વધુમાં કહ્યું હતુ કે, કોંગ્રેસને અમીરો અને ગરીબોમાં તફાવત સમજાતો નથી. બટાકા શેના માટે હોય તે કોંગ્રેસને ખબર પડતી નથી. ભાજપાએ ૩૦ કરોડ લોકોના પ્રથમ વખત બેંક ખાતા ખોલાવ્યા. ભાજપાના મનમાં હંમેશ એકજ વિચાર હોય છે ગરીબોનું ભલું કેમ કરી શકાય. ભાજપાના શાસન પહેલા ગરીબોનો વીમો નહોતો ને હાલમાં માત્ર ૯૦ પૈસામાં ભાજપાએ ગરીબોના વીમા ઉતરાવ્યા અને ૧૮૦૦ કરોડ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું છે. ભાજપાની સરકાર ગરીબોની બેલી છે.
મોદીએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસના ૬૦ વર્ષના શાસનમાં ગરીબોના ઘરમાં એક શૌચાલય બનાવવાનું કામ પણ ન કરી શક્યા, બહેનોને કુદરતી હાજતે જવું હોય તો રાતનું અંધારું થાય ત્યા સુધી રાહ જોવી પડતી, જેના કારણે તેમનું આરોગ્ય બગડતું અને બિમારીઓ પેદા થતી. અમારી સરકારે પાંચ કરોડથી વધુ જાજરૂં બનાવીને દેશને સ્વચ્છ કરવાનું કામ તો કર્યુ જ પણ સાથે સાથે ગરીબોના સ્વાસ્થ્યની ચિંતા પણ કરી.
મોદીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસના પાપના કારણે દેશમાં અત્યારે ૨૧મી સદીમાં પણ ચાર કરોડ પરિવારોમાં વીજળી પહોચી શકી નથી. ભાજપાએ સંકલ્પ કર્યો છે કે, ૨૦૧૯ પહેલા જે ઘરમાં કેરોસીનનો દિવો થાય છે ત્યાં વીજળીનો બલ્બ ઝબકશે. સૌભાગ્ય યોજના થકી મફતમાં વીજ કનેક્શન આપવાની ભાજપાએ આરંભી દીધી છે.
મોદીએ વધુમાં કહ્યું હતુ કે, ઉજ્જવલા યોજના થકી ત્રણ કરોડ કુટુંબોમાં ગેસના બાટલા પહોચાડી અમે અમારી બહેનોને ધુમાડાના ગોટામાંથી મુક્તિ અપાવવાનું કામ ભાજપાએ કર્યું છે. પહેલા ગેસના કનેક્શન માટે કોંગ્રેસના સાંસદોના પગ પકડવા પડતા હતા.
મોદીએ વધુમાં કહ્યું હતુ કે, કોંગ્રેસ એક હેન્ડપંપ લગાવવાના મુદ્દે ત્રણ-ત્રણ ચૂંટણીઓ જીતી જતી હતી. કોંગ્રેસના લગાવેલા હેન્ડપંપમાંથી પાણી નહી પણ ફૂંક ફૂંક કરતી હવા આવતી. ભાજપાએ નર્મદા યોજનામાં એક ગાડી પસાર થઇ જાય તેટલા ડાયામીટર વાળી પાઇપલાઇન નાખીને ઘેર-ઘેર રસોડા સુધી નળનું પાણી પહોચાડવામાં સફળતા હાંસલ કરી છે.
મોદીએ વધુમાં કહ્યું કે, આખા દેશમાં ૬ લાખ ગામડાઓમાં જે પ્રથમ ૧૦૦ સ્માર્ટ સીટી બનાવવાના છે તેમાં દાહોદ જ એકમાત્ર નગરપાલિકા છે જેનો સ્માર્ટ સીટીમાં નંબર લાગ્યો છે. કેન્દ્રની ભાજપા સરકારના હૈયે હંમેશા ગુજરાતનું હીત વસેલું છે. કોંગ્રેસના શાસનમાં ગુજરાતને હંમેશા અન્યાય થતો હતો.

મોદીએ વધુમાં કહ્યું હતુ કે, પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓના કારણે છાશવારે આપણા વીરજવાનો શહિદ થઇ જાય ત્યારે માત્ર આપણે હાથ પર હાથ રાખીને જોયે રાખવાનું ?  ઉરી હુમલા પછી માત્ર ૧૦ દિવસની અંદર આપણા વીર જવાનોએ સર્જીકલ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં ધુસી સફાચટ કરી પરત આવી ગયા. એક અખબારે આ ઘટનાનું વિવરણ કર્યું ત્યારે, આ કોંગ્રેસ પાર્ટીએ આપણા વીરોના પરાક્રમને શાબાશી આપવાના બદલે પ્રશ્નો કરે કે ભારતનો એકપણ વીર, ભારતનો એકપણ લાલ શહીદ ન થયો ? ન ઘવાયો ? વીડિયો જારી કરવાનું કહેનાર કોંગ્રેસ પાર્ટીની આવી મનોવૃત્તિને ઉખાડી ફેંકી કોંગ્રેસનો એકપણ પંજો ગુજરાત પર ન પડવા દઇએ તેવી અપીલ મોદીએ કરી હતી.
મોદીએ વધુમાં કહ્યું હતુ કે, ગઇ કાલે કોંગ્રેસના એક પાત્ર શ્રી કપિલ સિબ્બલે દેશની સર્વોચ્ચ અદાલતમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર બાબતે કેસની સુનાવણી ૨૦૧૯ની ચૂંટણીઓ સુધી ટાળવા દલીલ કરી. આજે સુન્ની વકફ બોર્ડે નિવેદન આપ્યું કે, ગઇકાલે વકીલ શ્રી કપિલ સિબ્બલે જે કોર્ટમાં કર્યું તે ખુબજ ખોટું કર્યુ છે. ત્વરિત ન્યાય આવે તેવી અમારી માંગણી છે. ત્રણ દિવસ પહેલા આ સંદર્ભે થયેલ બેઠકમાં સુનાવણી ટાળવાની કોઇપણ વાત અમે લોકોએ કરી નથી. આમ, શ્રી રામજન્મભૂમિ કેસની સાથે સંકળાયેલી બધી જ સંસ્થાઓને અભિનંદન આપવા માંગુ છું કે, કોંગ્રેસની તૃષ્ટીકરણની રાજનીતિ તેમણે ફગાવી દીધી છે અને શાંતિ, એખાલસ, એકતાથી દેશ આગળ વધે અને ખભેથી ખભો મીલાવીને આગળ વધારીએ તેવી માનસિકતાને મોદીએ વધાવી લીધી હતી.
મોદીએ ૧૪મી તારીખે વધુમાં વધુ મતદાન કરીને ૧૫૦ થી વધુ કમળ ખિલવવાની અપીલ જનસભામાં ઉમટી પડેલ જનતા જનાર્દનને કરી હતી.

error: Content is protected !!