નર્મદા ડેમના દરવાજા બંધ થતાં સંપૂર્ણ પાણી ભરવાની મંજૂરી નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા તબક્કાવાર આપી દેવાઇ : નીતિન પટેલ

ગાંધીનગર, દેશગુજરાત: નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું છે કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાને ૧૩૮.૬૮ મીટર સુધી ભરવા માટે દરવાજા બંધ કરવામાં આવ્યાં છે, તે માટે કેન્દ્ર સરકાર, સુપ્રિમ કોર્ટ અને નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા ડેમ સંપૂર્ણ ભરવા માટે તબક્કાવાર મંજૂરી આપી દેવાઇ છે. જેના કારણે નર્મદા ડેમ આગામી ત્રણ થી ચાર દિવસમાં ઓવરફ્લો થાય તેવી સંભાવના છે.

હવે સરદાર સરોવર બંધમાં આવતું પાણી ઓવરફ્લો નહીં થાય પણ તેનો સંગ્રહ થશે

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના લાખો ખેડૂતો, પશુપાલકો અને નાગરિકોના હિત માટે ડેમમાં સંપૂર્ણ ક્ષમતા સાથે પાણી સંગ્રહ માટે જે મંજૂરી મળી છે જેનાથી અત્યારે ૧૨૧.૪૫ મીટર સુધી ડેમની જળસપાટી પહોંચી છે. ગયા વર્ષ સુધી ૧૨૧.૯૨ મીટરે આ ડેમ ઓવરફ્લો થતો હતો પરંતુ હવે ડેમના દરવાજા બંધ થતાં જળ સંગ્રહ ક્ષમતા વધી છે. ડેમમાં ૨૪ કલાકમાં ૧૫ સે.મી. જેટલું પાણી વધી રહ્યુ છે, તેના કારણે હવે સરદાર સરોવર બંધમાં આવતું પાણી ઓવરફ્લો નહીં થાય પણ તેનો સંગ્રહ થશે, જેથી ગુજરાતને વધુ પાણી મળશે.

૨૦ મી ઓક્ટોબર સુધી ૧૩૮.૬૮ મીટર સુધી ડેમ સંપૂર્ણ ભરાય તેવી શક્યતા

નર્મદા બંધમાં જળસંગ્રહ શક્તિ માટે કેટલુ પાણી ભરવુ તેની મંજૂરી નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા દર દસ દિવસે મળતી હોય છે, તે મુજબ નર્મદા ડેમ માટે ૧૦ ઓગસ્ટ-૨૦૧૭ સુધી ૧૨૭.૪૦ મીટર સુધી પાણી ભરવા માટે ઓગસ્ટ અંત સુધીમાં ૧૩૦.૫૯ મીટર સુધી પાણી સંગ્રહ કરવા માટે મંજૂરી મળી છે. પ્રથમ તબક્કામાં ૧૦ ઓગસ્ટ સુધી ૧૨૭.૪૦ મીટર સુધી પાણી ભરી શકાશે અને ૨૦ મી ઓક્ટોબર સુધી ૧૩૮.૬૮ મીટર સુધી ડેમ સંપૂર્ણ ભરાય તેવી શક્યતા છે.

નર્મદા કેનાલને થયેલા નુકસાનની મરામત માટે 80 મશીનો કાર્યરત

તાજેતરમાં થયેલ ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતમાં જે અતિવૃષ્ટિ સર્જાઇ હતી તેના પરિણામે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં મુખ્ય કેનાલના પાળાને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. જેનું મુખ્ય કારણ ભારે વરસાદને કારણે પાણીની સાથે કાંપ ઘસડાઇ આવતાં બનાસ નદીનું વહેણ બદલાયુ હતું જેના પરિણામે નુકશાન થયુ છે. આ થયેલ નુકશાનની મરામતનું કામકાજ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. પાળાને થયેલ નુકશાન અને કાપની સફાઇ માટે ૮૦ થી વધુ મશીનો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, તેમ નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

Related Stories

error: Content is protected !!