રવિ સીઝન અંતર્ગત ખેડૂતોને સિંચાઇ માટે નર્મદાનું પાણી 12મી નવેમ્‍બરથી અપાશે : રાજ્ય સરકાર

ગાંધીનગર: નાયબ મુખ્‍યમંત્રી અને નર્મદા મંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, કિસાનોના હિતને વરેલી રાજય સરકારે આજે વધુ એક કિસાનલક્ષી નિર્ણય કર્યો છે. આગામી શિયાળુ-રવિ સીઝન માટે તા.૧રમી નવેમ્‍બર ર૦૧૮થી તા.ર૮મી ફેબ્રુઆરી ર૦૧૯ સુધી સિંચાઇ માટે નર્મદાનું પાણી આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

પટેલે ઉમેર્યું કે, રવિ સીઝન માટે ખેડૂતો, ધારાસભ્‍યો દ્વારા શકય તેટલી વહેલી તકે નર્મદાનું પાણી આપવા માટે રજૂઆતો મળી હતી, તેને ધ્‍યાને લઇને નર્મદા કમાન્‍ડ વિસ્‍તારમાં આવતા ખેડૂતોને રવિ સીઝનમાં પાણી મળી રહે તે માટે કેનાલમાં પ૦ ટકાથી વધુ ખેડૂતોએ માંગણી કરી હશે, તેઓને ચાર પાણ સુધીની જરૂરીયાત સંતોષાય એ મુજબ વારાફરતી આ પાણી અપાશે.

તેમણે ઉમેર્યું કે, નર્મદા ડેમમાં જે પાણી સંગ્રહ થયેલું છે તે રાજયના ચાર કરોડથી વધુ નાગરિકોને પીવાનું પાણી ઉપલબ્‍ધ રહે એ જથ્‍થો સુરક્ષિત રાખીને આ ચાર પાણ પાણી અપાશે, એટલે ખેડૂતોએ આ મુજબ પાકનું વાવેતરનું આયોજન કરવા રાજય સરકાર દ્વારા અપીલ કરાઇ છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, ચોમાસા દરમ્‍યાન જે વિસ્‍તારોમાં ઓછો વરસાદ થયો હતો, ત્‍યાં પણ ખેડૂતોની જરૂરીયાત મુજબ રાજય સરકારે પાણી આપ્‍યું છે, જેના પરિણામે ચોમાસામાં ઓછા વરસાદમાં પણ ખેડૂતોને પાક બચાવવામાં અને કૃષિ ઉત્‍પાદન મેળવવામાં ઘણો ફાયદો થયો છે.

error: Content is protected !!