નવનીત પ્રકાશનના નવીન શાહની લાશ પોલીસને અરવલ્લીમાંથી મળી

માલપુર, દેશગુજરાત

બે દિવસ અગાઉ અમદાવાદના એસ જી હાઈવે પર આવેલી હોટલ પરથી ગુમ થયેલા શહેરના જાણીતા પ્રકાશન ગૃહ નવનીત પ્રકાશનના માલિક નવીન શાહની લાશ અરવલ્લી જીલ્લાના માલપુર નજીકથી મળી આવી છે. નવીન શાહ એસ જી હાઇવે પર આવેલા વૈષ્ણવ દેવી મંદિર પાસે આવેલી ગોરબંધ રેસ્ટોરન્ટમાં આવ્યા બાદ ગૂમ થયા હતા.

નવીન શાહ કોઈ મીટીંગ માટે ઉપરોક્ત રેસ્ટોરન્ટ ગયા હતા અને લાંબો સમય પછી પણ તેઓ બહાર ન આવતા તેમના ડ્રાઈવર પ્રભાત દેસાઈએ તેમને ફોન કર્યો હતો પરંતુ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો અને પછી ડ્રાઈવરે રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી તો ત્યાં ત્યાં પણ શાહ મળી આવ્યા ન હતા.

ડ્રાઈવરે શરૂઆતમાં નવીન શાહના પરિવારને જાણ કરી હતી અને બાદમાં અડલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે બાદમાં પોતાની તપાસ શરુ કરી હતી ત્યાંજ અરવલ્લીના માલપુર પાસે ગજણ ગામની સીમમાં રોડ પર આવેલી કેનાલ પાસેથી તેમની લાશ મળી આવી છે અને લાશની વિક્ષત હાલત જોતા લાગી રહ્યું છે કે તેમની હત્યા થઇ છે.

અરવલ્લીના DySP કે એફ બલોલીયાએ જણાવ્યું હતું કે ગજણ ગામના સરપંચે તેમને ગઈ રાત્રે જાણ કરી હતી અને તરત આ લાશ કોની છે તે ખબર નહોતી પડી, પરંતુ તમામ પોલીસ સ્ટેશનોને રૂટીન અનુસાર માહિતી આપવા બાદ અડલજ પોલીસ સ્ટેશન સાથે લાશના ફોટા શેર કરાયા હતા જે નવીન શાહના પરિવારને બતાવવામાં આવતા એ લાશ તેમની હોવાનું કન્ફર્મ થયું હતું.

અરવલ્લી પોલીસે આ મામલે જીગ્નેશ ભાવસાર નામક વ્યક્તિ સહીત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ વ્યક્તિઓ નવીન શાહ પાસેથી પાંચ કરોડની ખંડણી માંગી રહ્યા હતા અને ત્યારબાદ તેમની હત્યા કરી હોવાનું પોલીસનું કહેવું છે.

error: Content is protected !!