પર્યાવરણ સુનાવણી નિર્વિધ્ને સંપન્નઃ રાજકોટ નજીક હીરાસરની 2500 એકર જમીન એરપોર્ટ ઓથોરીટીને સોંપાશે

રાજકોટ, દેશગુજરાત: સૌરાષ્ટ્રમાં નિર્માણ પામનારા આંતરરાષ્ટ્રીય હવાઈમથક માટે રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક બની રહેલા હીરાસર ગામના સર્વે નંબર સહીત પાંચ ગામની જમીન સંદર્ભે પર્યાવરણની સુનાવણી પૂરી થતા હવે જમીન સોંપણી આડે કોઈ અડચણ રહી નથી. તેથી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર હીરાસરની 2500 એકર જમીન એરપોર્ટ ઓથોરીટીને સોંપશે.

જમીનનો કબજો મળ્યા બાદ ટૂંક સમયમાં જ એરપોર્ટ ઓથોરીટી દ્વારા હવાઈમથકના ખાતમુર્હૂતની કામગીરી હાથ ધરવામાં આવશે. સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ વિધિ કરાવવામાં આવી શકે છે. હીરાસરને દેશના અત્યંત આધુનિક હવાઈમથક તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હીરાસરની જમીન હવાઈમથક માટે નક્કી થયા બાદ ભૌગોલિક ચકાસણી કરવાની સાથે હવામાનની પણ તપાસ કરી રીપોર્ટ તૈયાર કરી એરપોર્ટ ઓથોરીટીને સોંપવામાં આવ્યો હતો. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ટેકનીકલ જનરલ મેનેજર અશોકકુમારે હીરાસરની સ્થળ મુલાકાત લીધી હતી. અહીના ગામના લોકોએ પણ સ્થળાંતરની તૈયારી બતાવવાની સાથે જ 4 ઓગસ્ટે પર્યાવરણની સુનાવણી કરવામાં આવી હતી.

error: Content is protected !!