દેવા માફીની માગ સાથે પગપાળા નીકળેલી 35,000 ખેડૂતોની રેલી મુંબઈ નજીક પહોંચી

મુંબઈ: સંપૂર્ણ દેવામાફી અને અન્ય માંગોને લઇને ઓલ ઇન્ડિયા કિસાન સભા (એઆઇકેએસ)ના આહ્વાન પર પગપાળા રેલી કાઢીને નીકળેલા મહારાષ્ટ્રના 35,000 ખેડૂતો 12 માર્ચે મુંબઈ પહોંચશે. પોતાની યાત્રાના ચોથા દિવસે આ કાફલો શનિવારે ઠાણેના શાહપુરમાં પહોંચી ગયો છે, જ્યાં ઘણા ખેડૂતોની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બુધવારે નાસિકથી શરૂ થયેલી શનિવારે ઠાણે પહોંચી છે. રેલીમાં જોડાયેલા ખેડૂતો દરરોજનું 30 કિલોમીટરનું અંતર કાપે છે. આ રીતે તેમને નાસિકથી મુંબઈ (180 કિમી) સુધીનું અંતર કાપવામાં 6 દિવસનો સમય લાગશે. તેઓ 12 માર્ચના રોજ મુંબઈ પહોંચશે. જ્યાં તેઓ વિધાનસભા આગળ ઘેરો નાખશે.

https://i10.dainikbhaskar.com/thumbnails/570x600/web2images/www.divyabhaskar.co.in/2018/03/10/march_of_farmers_1_152068.jpg

ખેડૂતોના નેતા અને એઆઇકેએસ સચિવ રાજુ દેસલેના કહેવા પ્રમાણે, ખેડૂતોએ સંપૂર્ણ દેવાંમાફી અને વીજળી બિલ માફી ઉપરાંત સ્વામીનાથન આયોગની ભલામણો લાગુ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું, “ભાજપ સરકારે ખેડૂતોને કરેલા વચનો પૂરાં ન કરીને તેમની સાથે દગો કર્યો છે.”
આ સાથે જ તેમને ઉમેર્યું કે, “અમે એમપણ ઇચ્છીએ છીએ કે સરકાર વિકાસ, હાઇવે અને બુલેટ ટ્રેનના નામ પર જબરદસ્તી ખેડૂતોની જમીનો છીનવવાનું બંધ કરે. ગયા વર્ષે રાજ્યની ભાજપ સરકારે શરતો સાથે ખેડૂતોના 34,000 કરોડ રૂપિયાના દેવાં માફ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ જૂનથી અત્યાર સુધી 1753 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે.”

ઉલ્લેખનીય છે કે,  રાજ્યમાં ખેતીની સ્થિત જોતા ફડણવીસ સરકારે બજેટ 2017-18માં ખેડૂતો માટે 75,909 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

error: Content is protected !!