નવા દવા ઉત્પાદકોને માત્ર ૬૦ દિવસમાં પરવાનગી અપાશે

ગાંધીનગર, દેશગુજરાત:  ગુજરાતના ફાર્મા ઉદ્યોગ માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અન્વયે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. નવા દવાના ઉત્પાદકોને ઉત્પાદન માટેની મંજુરી માત્ર ૬૦ દિવસમાં આપવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાત તમામ ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્ય રહ્યું છે ત્યારે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અન્વયે પણ વિવિધ રાજ્યોને ગુજરાત નવો રાહ ચિંધશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યના પ્રજાજનોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ ઝડપથી મળી રહે તે માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે, દવા ઉત્પાદકોને લાયસન્સના રીન્યુઅલ માટે પણ ૬૦ દિવસમાં અને દવાના વેચાણ માટેની નવી પરવાનગી ૩૦ દિવસમાં અને દવાઓના વેચાણ માટે રિન્યુઅલ પણ ૩૦ દિવસમાં આપી દેવાશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ આવી પરવાનગી નવા દવા ઉત્પાદકોને ૧૨૦ દિવસમાં, દવાઓના ઉત્પાદનના રિન્યુઅલ માટે ૧૮૦ દિવસમાં, દવાના વેચાણ માટે નવી મંજુરી ૪૫ દિવસમાં તેમજ રિન્યુઅલ માટે ૭૦ દિવસમાં આપવામાં આવતી હતી.

error: Content is protected !!