હાર્દિક પટેલને ચૂંટણી લડવા ગેરલાયક ઠેરવતા ચુકાદા અને ચૂંટણીના રાજકારણમાં પ્રવેશવા અંગે તેના ભાવિ વિકલ્પો અંગે

અંદર બહાર ગુજરાત

જેમ કે અગાઉ લખ્યું હતું, હાર્દિક પટેલ વીસનગર હિંસાના કેસમાં દોષમુક્ત થાય એવી શક્યતા ધૂંધળી છે. આજના ચુકાદાના તારણો આ છેઃ

– હાર્દિક અપીલમાં જશે જ કારણકે વીસનગર કોર્ટે બે વર્ષ નવ મહિનાની જે સજા આપી છે તે સજા સ્થગિત કે રદ ન થાય ત્યાં સુધી હાર્દિક કાયદા અનુસાર કોઇ પણ ચૂંટણી નથી લડી શકવાનો. જો ભવિષ્યમાં ક્યારેય પણ જિંદગીમાં ચૂંટણી લડવી હશે તો પહેલા વીસનગરવાળી સજામાંથી દોષમુકત થવું પડશે અથવા સજા સ્થગિત કરાવવી પડશે. હાઇકોર્ટે આની ના પાડી છે, માટે તેણે ઉપર સુધી લડવું પડશે. આજનો ચુકાદો માત્ર લોકસભાની આવનારી ચૂંટણી પૂરતો લાગુ નથી પડતો. ભવિષ્યમાં ક્યારેય પણ જો વિધાનસભા પણ લડવી હોય તો પણ નહીં લડી શકાય.

– હાર્દિક સામે સત્તર એફઆઇઆર એટલેકે પોલીસ ફરિયાદ છે. આમાંથી માત્ર એક વીસનગરવાળા કેસમાં સજા પડી છે. સજા બે વર્ષની કે તેથી વધુ હોવાથી ચૂંટણી લડવા માટે તે ડિસ્ક્વોલીફાઇડ રહે છે. ચૂંટાયેલો હોત તો ડિસ્ક્વોલીફાઇડ થઇને સભ્યપદ ગુમાવત(જેવું તલાલાના તત્કાલીન ધારાસભ્ય ભગા બારડ સાથે તાજેતરમાં થયું). જો ભવિષ્યમાં માનો કે સુપ્રીમ કોર્ટમાંથી વીસનગરવાળા કેસનું ગ્રહણ દૂર થાય (જેની શક્યતા ધૂંધળી છે) અને સરકાર તેની સામે ઉપરી બેન્ચ સમક્ષ અપીલમાં ન ગઇ હોય અથવા અપીલમાં રાહત જળવાઇ રહે તો તે પછીની ચૂંટણી હાર્દિક લડી શકે પરંતુ અન્ય કોઇ કેસમાં બે વર્ષ કે તેથી વધુની સજા પડે તો હાર્દિક ચૂંટાયેલો હોય તો પણ ડિસ્ક્વોલીફાઇ થાય અને ફરી પાછો ભવિષ્યમાં ચૂંટણી લડવામાંથી ડિસ્ક્વોલીફાઇ રહે. હાર્દિકના કમનસીબે આવા કેસ છે. હાર્દિક વિધાનસભા, લોકસભા, રાજ્યસભા બધું લડવાથી ડિસ્ક્વોલીફાઇ રહે છે. કેસનો નિકાલ આવતા વર્ષો લાગે અને ત્યારે જ બીજા કેસમાં સજા પડે એવું બને તો જિંદગીના વર્ષો વર્ષ નીકળી જાય પણ ચૂંટણી ન લડી શકે.

– વિશેષ કરીને કોંગ્રેસે આ મામલે પ્રતિક્રિયા આપતા એ ધ્યાનમાં લેવું જોઇએ કે કોંગ્રેસ પક્ષના વડા રાહુલ ગાંધીએ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંઘની સરકાર વખતે કેમ લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ આઠની પેટા કલમ ચારને બદલીને પુનઃબહાલ કરવાના ઓર્ડિનન્સનો નિર્ણય પત્રકારોની હાજરીમાં ફાડી નાંખ્યો હતો. દરઅસલ કોઇ ચૂંટાયેલા પ્રતિનિધિને બે વર્ષ કે તેથી વધુની સજા પડે તો તે ગેરલાયક ઠરતો હતો અને બેઠક ખાલી પડતી હતી. પરંતુ 8(4)ની કલમ એવી હતી કે પ્રતિનિધિ સજા સામે ઉપરી કોર્ટમાં અપીલમાં ગયો હોય તો તે ગેરલાયક ન થાય. બાબુ બોખીરીયા એમાં જ બચી ગયા હતા. જો કે પછી સુપ્રીમે લીલી થોમસના ચુકાદામાં આ પેટાકલમ રદ કરી ત્યાર બાદ તત્કાલીન કોંગ્રેસ સરકાર ઓર્ડિનન્સ લાવી હતી જેમાં કલમ 8(4)ને થોડા ફેરફાર સાથે પુનઃબહાલ કરવાની વાત હતી. મનમોહન સિંઘના આ નિર્ણય સામે રાહુલ ગાંધીએ વિરોધ નોંધાવીને જાહેરમાં ઓર્ડિનન્સને લગતો કાગળ ફાડી નાંખ્યો હતો અને કલમ 8(4) રદ જ રહે તથા બે વર્ષ કે તેથી વધુની સજા પડી હોય તેવા લોકપ્રતિનિધિ ગેરલાયક થાય અને તેવા વ્યક્તિ ઉમેદવાર ન બની શકે તે માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આજે રાહુલની જ કોંગ્રેસ આ પ્રતિબદ્ધતાથી ચલિત થાય કે ડાયવર્ટ થાય તે અજુગતું લાગે છે.

જેમ કે અગાઉ લખી ગયા છીએ તેમ હાર્દિક પાસે સૌથી સેફ પ્લાન તેની પત્નીને ચૂંટણીમાં ઉતારવાનો છે. આ લોકસભાની ચૂંટણીમાં તો બહુ ઉતાવળીયું થઇ જાય અને તેની પત્નીને પચ્ચીસ વર્ષ પૂરા થયા છે કે કેમ એ પણ પ્રશ્ન છે. પરંતુ હાર્દિક ગેરલાયક જ રહે તો ભવિષ્યમાં તેણીના થકી હાર્દિક ચૂંટણીના અને ચૂંટાયેલા પ્રતિનિધિત્વવાળા રાજકારણમાં રહી શકે છે.

Related Stories

error: Content is protected !!