એક દિવસમાં માત્ર 50 હજાર શ્રદ્ધાળુઓ જ માં વૈષ્ણોદેવીના દર્શન કરી શકશે, એનજીટીનો આદેશ

નવી દિલ્હી, દેશગુજરાત: નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)માં વૈષ્ણોદેવી ધામને લઈને મોટો ચુકાદો આપ્યો છે. એનજીટીએ પોતાના નિર્ણયમાં વૈષ્ણોદેવી મંદિરમાં કોઈપણ પ્રકારના બાંધકામના કાર્ય પર પ્રતિબંધ લગાવવાની સાથે વૈષ્ણોદેવીના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા પણ નિયંત્રિત કરી દીધી છે.

એનજીટીએ કહ્યું કે, વૈષ્ણોદેવીમાં એક દિવસમાં 50 હજાર શ્રદ્ધાળુઓ જ દર્શન કરે. જો યાત્રા દરમિયાન 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓ થઇ જાય તો તેઓને કટરામાં અથવા યાત્રાના મુખ્ય પડાવ અર્ધકુંવારીમાં જ રોકવામાં આવે. એનજીટીએ ઉમેર્યું કે, માતાના મંદિરે કોઈપણ સ્થિતિમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડવી જોઈએ નહીં.

એનજીટીએ કહ્યું કે, 24 નવેમ્બર સુધીમાં શ્રાઈન બોર્ડ શ્રદ્ધાળુઓ માટે નવો રસ્તો ખોલે. નવા રસ્તા પર માત્ર બેટરી સંચાલિત કાર અને શ્રદ્ધાળુઓ ચાલશે. એનજીટીએ કટરામાં ગંદકી કરવા પર 2000 રૂપિયાનો દંડ લગાવવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડમાં વૈષ્ણોદેવી ભવન અને યાત્રા સંબંધિત દરેક સુવિધાની દેખરેખ રાખે છે. રાજ્યના રાજ્યપાલ તેના પ્રમુખ હોય છે.

માં દુર્ગાના મુખ્ય ધામ માં વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા તાલુકામાં વૈષ્ણોદેવીની 14 કી.મી.ની યાત્રા શરુ થાય છે. ખાસ કરીને ઉનાળાની રજાઓના દિવસોમાં અહીં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થાય છે. આ યાત્રા કટરામાં બાણ ગંગાથી શરૂ થાય છે. દેવીની યાત્રા દરમિયાન પ્રથમ પડાવ ચરણ પાદુકા, બીજો પડાવ અર્ધકુંવારી ગુફા, ત્રીજો પડાવ માં વૈષ્ણોદેવીનું મંદિર અને ચોથી પડાવ ભૈરો ઘાટી આવે છે.

error: Content is protected !!