મગફળીની ગુણવત્તા-ચકાસણી-સ્ટોરેજ-ખરીદી-વેચાણ સુધીની નાફેડની જવાબદારીમાં નિષ્ફળ નિવડેલા વાઘજી બોડાનું રાજીનામું કોંગ્રેસે માંગી લેવું જોઇએ: નીતિન પટેલ

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નાફેડના ચેરમેન વાઘજી બોડાએ મગફળી મૂદે ટંકારામાં કોંગ્રેસના સંમેલનમાં મંચ પરથી નિવેદનો કર્યા છે તેને આઘાતજનક ગણાવ્યા છે. તેમણે વાઘજી બોડાના નિવેદનોના સંદર્ભમાં કહ્યું કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે  ગુજરાતના ખેડૂતોના વ્યાપક હિતમાં મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કરીને તેની જવાબદારી નાફેડને સોંપી હતી.

આ ખરીદી પ્રક્રિયામાં મગફળીની ગુણવત્તા ચકાસણી, ગોડાઉન સ્ટોરેજ જાળવણીથી લઇને વેચાણ અને ખેડૂતોને પેમેન્ટ સુધીની બધી જ જવાબદારી નાફેડ હસ્તક હતી તેમ જણાવતાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે નાફેડ આ જવાબદારી નિભાવવાની ફરજ ચૂકી ગયું છે તે વાઘજી બોડા કેમ સ્વીકારતા નથી? તેમણે ઉમેર્યું કે, ગુજરાત સરકાર ખેડૂતોના હિતમાં અનેક પગલાંઓ લઇ રહી છે. એટલું જ નહિ, મગફળી કૌભાંડમાં ગંભીરતાપૂર્વક તપાસ કરીને આ કૌભાંડમાં સંડોવાયેલા જણાયેલા ર૦ થી વધુ લોકોની ધરપકડ પણ કરી છે. વાઘજીના ભત્રીજાની આ કાંડમાં સંડોવણી છે તથા નાફેડના બે અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે ત્યારે નાફેડના ચેરમેન તરીકે પોતે ફરિયાદ કરવાને બદલે કોંગ્રેસના મંચ પરથી નિવેદનો કરવા કેટલા વાજબી છે તેવો સવાલ પણ નાયબ મુખ્યમંત્રીએ ઉઠાવ્યો છે.

નીતિન પટેલે જણાવ્યું કે, વિપક્ષના નેતા પરેશ ધાનાણી મગફળી મામલે ધરણા કરીને તપાસની માંગ કરે છે અને તેમના જ પક્ષના નાફેડના ચેરમેન કોંગ્રેસના મંચ પરથી ખૂલાસાઓ કરે છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, પરેશ ધાનાણીએ નાફેડના ચેરમેનની નિષ્ફળતા બદલ તેમને કોંગ્રેસમાંથી દૂર કરવા જોઇએ.
નીતિન પટેલે એમ પણ જણાવ્યું કે, નાફેડના ચેરમેન તરીકે વાઘજી બોડાએ તો પોતે આગળ આવી સરકારને પગલાં લેવા જણાવવું જોઇએ તે ફરજ પણ તેઓ ચૂકયા છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં ખેડૂતોના હિતમાં અનેક પગલાં લઇ રહેલી ભાજપાની વિજય રૂપાણીની
સરકાર સામે કોઇને કોઇ પ્રકારે આંદોલનો ચલાવી લોકોની નજરોમાં રહેવાના કોંગ્રેસ હવાતીયા મારે છે પરંતુ તેમના આ મનસુબાને રાજ્યના ખેડૂતો અને સૌ નાગરિકો પાર પડવા દેશે નહિ.

error: Content is protected !!