મહેસાણાના બલોલના કેતન પટેલના દુઃખદ મૃત્યુની કાયદાકીય રીતે તપાસ કરાશેઃ નીતિન પટેલ

ગાંધીનગર, દેશગુજરાત: નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, મહેસાણા જિલ્લાના બલોલના કેતનભાઇ પટેલના મૃત્યુની ઘટના અત્યંત દુઃખદ છે. તેને રાજય સરકાર અત્યંત સંવેદનશીલતાથી લઇ રહી છે. અને આ મામલે સંપૂર્ણ કાયદાકીય રીતે તપાસ કરાશે અને તપાસ બાદ વિગતો આવેથી જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે, આજે મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, ગૃહ મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા અને રાજયના ઉચ્ચ અધિકારીઓ સાથે સમગ્ર દિવસ દરમ્યાન તબકકાવાર બેઠક કરીને ઘટનાની સંવેદનશીલતાને ધ્યાને લઇને પરિવાર જનો દ્વારા એફ.આઇ.આર. દાખલ કરવાની ગૃહ વિભાગે સુચના આપી છે.

તેમણે ઉમેર્યુ હતુ કે કેતન પટેલની ચોરી સબબ ધરપકડ કરાઇ હતી અને જેલમાં તેમની તબીયત નાદુંરસ્ત થતા જેલના ર્ડાકટર દ્વારા તેમને મહેસાણા સીવીલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અને તેમનુ ત્યાં મૃત્યુ નિપજયુ હતું. મૃત્યુનું આજે ત્રણ ર્ડાકટરોની પેનલ દ્વારા વિડીયો રેકોડીંગ કરીને પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. પ્રાથમિક અહેવાલ મુજબ આ અંગે એફ.આઇ.આર. દાખલ કરવા રાજય સરકારે પોલીસને સુચના આપી છે. મૃતકના વિસેરાને ફોરેન્સિક સાયન્સ લેબમાં વધુ તપાસ માટે મોકલી આપવામાં આવેલ છે. અને પરિક્ષણ બાદ બધુ તપાસ હાથ ધરાશે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે ઘટના અત્યંત દુઃખદ છે ત્યારે કોગ્રેંસ માનવતા નેવે મુકીને રાજકારણ ખેલી રહી છે. તેને રાજય સરકાર સખત શબ્દોમાં વખોડી કાઢે છે. મહેસાણા જિલ્લા સેશન જજશ્રી દ્વારા આખા બનાવની તપાસ કરવાની કાર્યવાહી કરવા માટે મહેસાણાના ચીફ જયુડીશીયલ મેજીસ્‍ટ્રેટને સુચના આપવામાં આવી છે અને તેઓ દ્વારા પણ આખા બનાવની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રાજય સરકાર આ બનાવમાં દોષિતો સામે કડક પગલા લેશે તે માટે ડીજીપીને સુચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કેતન પટેલના પરિવારજનોનો આક્ષેપ છે કે કેતન પટેલનું મોત પોલીસ અત્યાચારથી થયું છે. પોસ્ટ મોર્ટમમાં કેતન પટેલના શરીર પર બાહ્ય ઇજાના 39 ચિહ્નો જણાયા છે. આ મામલે પોલીસ કેસ નોંધાવો જોઇએ. કેતન પાટીદાર જ્ઞાતિનો હોવાથી રાજકીય લાભ ભાળી ગયેલા રાજકારણીઓએ આજે મહેસાણા બંધનું એલાન આપ્યું હતું તો કાલે ઉત્તર ગુજરાત બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસના બીએમ માંગુકીયા અને સિદ્ધાર્થ પટેલ આજે સમગ્ર મામલાને પાટીદાર તરીકેનો જ્ઞાતિગત ટવીસ્ટ આપવા મહેસાણામાં ઉધામા કરતા જોવા મળ્યા હતા. મહેસાણા બંધનું એલાન સવાર અને વહેલી બપોર સુધી નિષ્ફળ રહ્યું હતું પરંતુ બાદમાં લાકડીઓ લઇને નીકળેલા ટોળાએ દુકાનો બંધ કરાવી હતી અને નગરપાલિકાની ઓફિસ ચાલુ હતી તેના વિરોધમાં ઓફિસ પર પથ્થરમારો પણ કર્યો હતો. આના પગલે બપોરના સમયે મહેસાણાના બજારો બંધ થઇ ગયા હતા. કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે હવે આવતીકાલે ઉત્તર ગુજરાત બંધનું એલાન જાહેર કર્યું છે. બીજી તરફ આ લખાય છે ત્યાં સુધી એફઆઇઆરની માંગણી કરતા કેતન પટેલના પરિવારજનોએ તેમનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. કોંગ્રેસી નેતાઓ પુનઃ પોસ્ટમોર્ટમ થાય તેવી પણ માંગણી કરી રહ્યા છે તો 2015માં પાટીદાર આંદોલન કરીને ગુજરાતને હિંસાના તાંડવમાં હોમનાર હાર્દિક પટેલ કે જેને કોર્ટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની મનાઇ ફરમાવી છે તેણે ચીમકી ઉચ્ચારી છે કે તે મહેસાણામાં પ્રવેશવા તૈયાર છે.

error: Content is protected !!