વડાપ્રધાન મોદીની સી-પ્લેન ફ્લાઈટ માટે સાબરમતી રિવરફ્રન્ટ કે ધરોઈ ડેમમાં વધારાનું પાણી છોડયું નથી: ગુજરાત સરકારની સ્પષ્ટતા

ગાંધીનગર:  પ્રવાસન ઉદ્યોગના વિકાસ દ્વારા રાજયમાં રોજગારીનું પ્રમાણ વધે તે રાજય સરકારની પ્રાથમિકતા રહી છે. સી-પ્લેન થકી પ્રવાસન ઉદ્યોગ વિકસે અને તેના થકી લોકોને વ્યાપક રોજગારી મળી રહે તે માટે  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સી-પ્લેન દ્વારા
અમદાવાદથી ધરોઇ ઉડાન ભરી હતી. તે સમયે જેટલું પાણી જોઇએ તેટલું જ પાણી પુરતું હતું. કોઇ વધારાનું પાણી ભરવામાં આવ્યું નથી, ત્યારે કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે જે નિવેદન કર્યું છે તે વાહિયાત અને સત્યથી વેગળું છે, તેમ નાયબ મુખ્‍યમંત્રી અને નાણામંત્રી  નીતિનભાઇ પટેલે જણાવ્યું છે.

નાયબ મુખ્ય મંત્રીએ અહેમદ પટેલના નિવેદનને સખત શબ્દોમાં વખોડતા ઉમેર્યું કે, સી-પ્લેનમાં વડાપ્રધાન મોદીએ અમદાવાદ રીવરફ્રન્ટથી ઉડીને ધરોઇ ડેમ સુધી અને ધરોઇ ડેમથી અમદાવાદ પરત મુસાફરી કરી હતી, જેના દ્વારા આવનારા સમયમાં રાજયમાં પર્યટનનો વધુ વિકાસ થશે અને યુવાનોને રોજગારી મળનાર છે ત્યારે કોંગ્રેસને આ વિકાસ કેમ દેખાતો નથી? રાજયના યુવાનોને ઘરઆંગણે રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર સાથે મળીને પ્રયાસો કરી રહી છે ત્યારે કોંગ્રેસના નેતાઓ આવા બાલીશ નિવેદનો કરી ગુજરાતને નુકશાન કરી રહ્યા છે તેને રાજયની પ્રજા સારી રીતે જાણે જ છે. આવા વિકાસ વિરોધી
લોકોને રાજયની પ્રજા કયારેય માફ નહી કરે.

તેમણે ઉમેર્યુ કે, વિધાનસભાની ચૂંટણીઓ દરમ્યાન કોંગ્રેસ દ્વારા સત્તા મેળવવા અનેક ધમપછાડા કરીને અનેક જૂઠાણાઓ ફેલાવ્યા હતા, છતાયે રાજયની જનતાએ વડાપ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકીને છેલ્લા રર વર્ષ ઉપરાંત હવે વધુ પાંચ વર્ષ માટે સત્તાના સુત્રો સોંપીને જે જવાબદારી સોંપી છે તેને કોંગ્રેસના નેતાઓ સહન કરી શકતા નથી અને પ્રજાને ગેરમાર્ગે દોરવા જે નિવેદનો કરી રહ્યા છે તેને ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

error: Content is protected !!