ગુજરાતી સુગમ સંગીત અને ભક્તિ સંગીતના જાણીતા ગાયિકા હર્ષિદા રાવળનું નિધન

અમદાવાદ, દેશગુજરાત

ગુજરાતી સુગમ સંગીત તેમજ ભક્તિ સંગીતના વિખ્યાત ગાયિકા હર્ષિદાબેન જનાર્દનભાઈ રાવળનું પાછલી રાત્રે દુઃખદ નિધન થયું છે.

હર્ષિદાબેન અને જનાર્દન રાવળની ગુજરાતના સંગીત રસિકોને પ્રથમ ઓળખ થઇ તેમના ગીત “કેવા રે મળેલા મનના મેળ” થી. આ ગીત તેમણે સૌથી પહેલીવાર શ્રુતિ સંસ્થાના કાર્યક્રમમાં ગાયું હતું અને બાદમાં તે ગુજરાતી ફિલ્મ ‘કાશીનો દીકરો’ માટે પસંદ થયું હતું અને તેમના કંઠે તે ફિલ્મમાં સાંભળવા મળ્યું હતું.

હર્ષિદાબેન નો જન્મ ગાયક મણિશંકર વ્યાસને ઘેર લીમડીમાં થયો હતો. ગુજરાત કોલેજમાં તેઓ ગુજરાતના પ્રખર ગાયક અને સંગીતકાર સ્વ. રાસબિહારી દેસાઈના વિદ્યાર્થીની રહી ચુક્યા હતા. સંગીતકાર અવિનાશ વ્યાસે હર્ષિદાબેન પાસે ગુજરાતમાં આજે પણ નવરાત્રીમાં અતિશય પ્રખ્યાત એવા ‘એ કે લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ‘ નું રેકોર્ડીંગ મુંબઈમાં કરાવ્યું હતું અને આ ગીત માટે તેમને શ્રેષ્ઠ ગાયિકાનો અેવોર્ડ પણ મળ્યો હતો.

પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન હર્ષિદાબેનને ગુજરાત સરકારે પાંચ વખત વિવિધ ગુજરાતી ફિલ્મો માટે શ્રેષ્ઠ પાર્શ્વગાયિકાનો ખિતાબ આપ્યો હતો.

“મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ”, “પીયુ મારો લીલો લજામણીનો છોડ”, “હજુ રસભર રાત તો બાકી રહી ગઈ”, “હું તો ગઈ તી મેળામાં”, “મારો સોનાનો ઘડુલીયો રે” અને “ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા” હર્ષિદાબેનના અત્યંત લોકપ્રિય ગીતો રહ્યા છે.

હર્ષિદાબેન ના પતિ જનાર્દન રાવળ પણ જાણીતા ગાયક હતા અને તેઓ બંને રાસબિહારી દેસાઈ જેઓ જનાર્દનભાઈના મિત્ર અને હર્ષિદાબેનના ગુરુ હતા તેમના દ્વારા પ્રથમવાર મળ્યા હતા.

જીવનના પાછળના કાળમાં હર્ષિદાબેન ચૈતન્યપ્રભુથી પ્રભાવિત થયા હતા અને સુગમસંગીતમાંથી ભક્તિ સંગીત તરફ વળ્યા હતા. તેમણે આ દરમિયાન તુલસી, મીરાં, કબીર અને સુરદાસના ભજનો ગાયા હતા.

સ્વર્ગસ્થ હર્ષિદાબેન રાવળની અંતિમયાત્રા તેમના ઘર 8, દિવાકર સોસાયટી, દિવાન બલ્લુભાઈ શાળાની પાછળ, નારાયણ નગર રોડ, પાલડી ખાતેથી સવારે નવ વાગ્યે નીકળીને વી એસ ઇલેક્ટ્રિક સ્મશાનગૃહે જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હર્ષિદા રાવલના અવસાન અંગે શોક દર્શાવતી ટ્વીટ કરી હતી.

વડાપ્રધાને લખ્યું હતું:

“ગુજરાતના પીઢ પાર્શ્વગાયિકા હર્ષિદાબેન રાવળની ચીર વિદાયથી દુઃખ અનુભવું છું. સંગીતક્ષેત્રે તેમનું પ્રદાન આગામી પેઢીઓ માટે હમેંશા યાદગાર રહેશે. હર્ષિદાબેન સાથે વર્ષો જૂનો પરિચય રહ્યો છે. ૩૦-૩૫ વર્ષ અગાઉ મારી કાવ્ય રચનાઓને તેમણે આપેલો સ્વર સદાય સ્મરણીય રહેશે.”

રાજ્ય સરકાર દ્વારા વરિષ્ઠ ગાયિકા હર્ષિદાબહેન રાવલને અપાઈ શ્રદ્ધાંજલી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતી સુગમ સંગીતના સુપ્રસિદ્ધ વરિષ્ઠ ગાયિકા શ્રીમતી હર્ષિદાબહેન જનાર્દન રાવલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિજયભાઇ રૂપાણીએ ગૌરવ પુરસ્કાર સન્માનિત સ્વ. હર્ષિદાબહેનને ભાવાંજલિ આપતાં જણાવ્યું કે, ગુજરાતી ભાષાના ગીતો, ગરબા અને ભજનોમાં પોતાનો સુમધુર કંઠ રેલાવનારા શ્રીમતી હર્ષદાબહેનની સુગમ સંગીત યાત્રા સદાય અવિસ્મરણીય બની રહેશે.

error: Content is protected !!