ટ્રાફિક ભંગ કરનાર વાહનચાલકના ઘરે હવે નહીં પહોંચે ઈ-મેમો : રાજ્ય સરકાર

ગાંધીનગર: રાજ્યના મોટા શહેરોમાં સીસીટીવી વિડિયો ફૂટેજને આધારે ટ્રાફિક ભંગ કરનાર વાહનચાલકોને દંડ ફટકારવા માટે તેના ઘરે ઈ-મેમો મોકલવાની પધ્ધતિ હાલ છેલ્લા ઘણા સમયથી અમલી બની છે. જોકે, ઈ-મેમોના વિરોધમાં એક વર્ષથી ઉઠતી ફરીયાદોને હવે આ નિયમમાં ફેરફાર કરવાનું ખુદ સરકારે વિચાર્યું છે. આ સિસ્ટમમાં ક્યાંક ટેકનિકલ એરર હોવાનું સ્વિકારીને નાગરીકોને ખોટી રીતે દંડયા હોવાનું પણ સરકારે સ્વિકાર્યુ છે.

સીસીટીવી દ્વારા ફૂટેજ મેળવી ટ્રાફિક નિયમના ભંગ માટે ઈ-મેમો એટલે કે ઈ-ચલણ મોકલીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય તેવા શહેરોના પોલીસ વિભાગને આ પ્રક્રિયા બંધ કરવા  ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આદેશો આપ્યા છે. તેમણે કહ્યુ કે, કેટલીક ટેકનિકલ ક્ષતિને કારણે કેટલાક કિસ્સામાં આવા ખોટા ઈ-મેમો નાગરીકોને મોકલવામાં આવી રહ્યા છે તેવી ફરીયાદ મુખ્યમંત્રીને મળતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવા, ગાંધીનગર, સુરત, રાજકોટ, વગેરે શહેરોમાં નિયમનો ભંગ કરનારને આ રીતે ઈ-મેમો મોકલવામાં આવતા હતા. સરકારે સ્માર્ટ સિટી, પીપીપી ધોરણે સીસીટીવી પ્રોજેક્ટ અમલમાં મુક્યા છે. આગામી ચાર મહિનામાં તે પૂર્ણ થાય તેવી શક્યતા છે. એટલે તે પૂર્ણપણે ફૂલપ્રુફ રીતે એક્ટિવ થયા બાદ ઈ-મેમો સિસ્ટમ ફરીથી શરુ કરવી કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવશે.

 

error: Content is protected !!