મિડિયા વોચઃ મંત્રીઓના ભૂવાશ્રીઓના કાર્યક્રમમાં હાજર રહેવા અંગે

અમદાવાદ, દેશગુજરાતઃ ગુજરાતમાં કેબીનેટ મંત્રી આત્મારામ પરમારે માતાજીના ભૂવાશ્રીઓનું સ્વાગત સન્માન અને ડાક ડમરુનો કાર્યક્રમ આયોજિત કર્યો. ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ કાર્યક્રમમાં હાજર રહ્યા. આ પછી જાણે તેઓએ કોઇ જધન્ય અપરાધ કર્યો હોય તેમ મિડિયા અને સોશ્યલ મિડિયામાં પાછલા એકાદ દિવસથી ટ્રાયલ ચાલી રહ્યો છે. લોકોને આની કોઇ અસર નથી પડતી પરંતુ એના એ છાપેલા કાટલા જેવા લોકો કે જેઓ હંમેશા ગુજરાતમાં, ગુજરાત સરકારમાં અને ભાજપમાં કોઇને કોઇ નાનું મોટું, સાચું ખોટું છીંડું શોધતા હોય છે તેઓ આ મુદ્દે સક્રિય થઇ ગયા છે. એમને એમ છે કે તેમણે બહુ મોટું કૌભાંડ કે સ્કૂપ પકડી પાડયું છે.

– અગાઉ રબારી સમાજના ભૂવાઓને સાંકળાત કાર્યક્રમ થયા છે જેમાં સરકારના મંત્રીઓ ઉપસ્થિત હોય.

– રબારી સમાજમાં ભૂવાજીઓનું આગવું માન છે.

– ગઢડામાં સ્થાનિક ભાજપ તથા મંત્રી શ્રી આત્મારામ પરમાર કે જે સ્થાનિક ધારાસભ્ય પણ છે તેમણે માતાજીના ભૂવાશ્રીઓનું સ્વાગત સન્માન અને ડાક ડમરુનો કાર્યક્રમ કર્યો. આમાં મોટાભાગના પછાત વર્ગના ભૂવાજીઓ હતા. આપણે ભલે આપણી શહેરી દ્રષ્ટિથી જ ચીજોને જોઇએ પરંતુ આ ભૂવાઓનું સ્થાનિક ગ્રામીણ દલિત સમાજ કે જે મા મેલડીમાં શ્રદ્ધા ધરાવે છે તેમનામાં ખાસ્સુ માન છે.

– કાર્યક્રમ શ્રી મેલડી માતાના મંદિરના સ્થળે યોજાયો હતો.

– કાર્યક્રમમાં ડાકલાનુ લોકસંગીત શરુ થયું એટલે ગણ્યા ગાંઠયા ભૂવાજીઓ ધૂણતા હતા. એમનેય તમે એકઝેક્ટલી ધૂણતા હતા એમ ન કહી શકો. ડાકલું વાગે અને ભૂવા ધૂણે એ સામાન્ય વાત છે. દરેક વખતે ધૂણવું એ ધૂણવું નથી હોતું પરંતુ ડાકલા વાગે એટલે તેના ટેકામાં કરવામાં આવતી અદા હોય છે. નવરાત્રિમાં શહેરી ગરબા ગ્રાઉન્ડો પર જ્યારે ડાકલાના ગીત અને મ્યુઝીક વાગે છે ત્યારે શહેરી યુવાનો પણ ધૂણવાના સ્ટેપ કરે છે. ડાકલું એ આપણા લોક સંગીત અને લોક જીવનનું અભિન્ન અંગ છે. એક જમાનો હતો કે જ્યારે ગામના રાવળ સમાજના લોકો બકરીના ચામડા અને ખાસ પ્રકારના વૃક્ષના લાકડામાંથી ડાકલું બનાવતા. ડાકલાની દોર પણ ખાસ રીતે બનતી. ડાકલાના સંગીતની રિધમ, બીટ એનો અવાજ આની પરંપરાગત ઢબને ઉત્તેજન મળતું હોય અને આત્મારામભાઇએ અસલ ડાકલાના કલાકારો એવા ભૂવાજીઓ દ્વારાજ તેનું પરફોર્મન્સ ગોઠવ્યું હોય તે આવકારદાયક છે. આપણે આપણી શહેરી ઢબે જ દુનિયાને મૂલવીએ પરંતુ ગામડાઓમાં આખી આખી રાત ડાકલા સાથે રેંકડીના કાર્યક્રમો ચાલતા હોય છે અને ગરીબ ગ્રામીણો તેમાંથી નિર્દોષ રંજન મેળવતા હોય છે.

– વિડિયોમાં દેખાય છે તેમ મોટાભાગના લોકો શાતિથી બેઠા છે. બે ત્રણ લોકો તાનમાં નાચે છે. આવું તો ડાયરાઓના કાર્યક્રમોમાં પણ ચાલતું જ હોય છે. આમાં કશું નવીન નથી.

– મહોરમમાં સરઘસ નીકળે છે ત્યારે પોતાની પીઠ પર ઘા કરીને લોહી કાઢનારાઓને આપણે જોઇએ છીએ. કોઇકના મતે આ અંધશ્રદ્ધા હોઇ શકે તો તો કોઇકના મતે શ્રદ્ધા. દુનિયામાં સૌની દ્રષ્ટિ જુદી જુદી હોય છે. મહોરમના સરઘસનું સ્વાગત સ્થાનિક તંત્ર, રાજકારણીઓ વગેરેની હાજરીમાં દર વર્ષે વિધિવત રીતે થતું હોય છે. આમાં કોઇ આવો વિડિયો બનાવીને સોશ્યલ મિડિયા પરને ટીવી પર ને અખબારોમાં એવું ચલાવતું નથી કે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન અપાયું ને મંત્રીઓ હાજર રહ્યા. તો ખ્રિસ્તીઓમાં પણ પોલ દીનાકરન જેવા સેંકડો ઇવેન્જેલીકલ લોકો આત્મા ઉતર્યો અને આંધળા દેખતા થયા, લંગડા ચાલતા થયા, વળગાડ ઉતર્યો એવા કાર્યક્રમ હજારો આદિવાસીઓની હાજરીમાં કરતા હોય છે. પોતપોતાનો રાજકીય ફાયદો મેળવવા દક્ષિણ ભારતના પ્રદેશોમાં રાજકારણીઓ આમાં હાજર રહેતા હોય છે ત્યાં એ શ્રદ્ધા થઇ જાય છે અને અંધશ્રદ્ધાની ચર્ચા થતી નથી.

– અંગ્રેજી મિડિયા મેલડી માતાના મંદિરમાં એકઠા થયેલા માતાજીના ભૂવાશ્રીઓને પોતાના માધ્યમમાં exorcist તરીકે ઓળખાવે છે. આ exorcist એ ખ્રિસ્તિ ધર્મની માન્યતા-વિભાવનાઓને આધારે રચાયેલો શબ્દ છે. તમે માતાજીના ભૂવાઓ માટે સીધી રીતે આ શબ્દ વાપરી દઇ શકો નહીં. exorcist નો અર્થ છે માણસના શરીરમાંથી ભૂત કે દુષ્ટાત્માને ભગાડવાનું કામ કરનાર. માતાજીના ભૂવા માત્ર ભૂત ભગાડવાનું કામ નથી કરતા. માતાજીના મંદિરમાં ભવિષ્ય ભાખનાર, મંદિરના ઉપરી, પૂજારી, સંત કોઇપણ ભૂવા હોઇ શકે છે. Exorcist શબ્દથી તેમને ઓળખવા એ બરાબર નથી.

-ગામોમાં બેઝીક દર્દોના તબીબ મળતા નથી ત્યાં સાયકોલોજીસ્ટ કે સાયક્યાટ્રીસ્ટ હોય તેવું માનવું વધુ પડતું છે. દુઃખી ગરીબ વર્ગના લોકો પોતાની સમસ્યાઓ લઇને શક્તિના ઉપાસકો પાસે જાય છે કે જેને આપણે ભૂવાજી કહીએ છીએ. નબળા મનનો માણસ આવે અને તેને માદળિયું આપી દો કે તેના માથે પીંછી ફેરેવી દો અને તેનામાં આત્મવિશ્વાસનો સંચાર થાય કે ચાલો આપણે હવે ઠીક થઇ જઇશું, એ પણ આ પ્રવૃત્તિનો એક ભાગ છે. આમાં માદળિયાથી કે પીંછાથી કશું ન થતું હોય પરંતુ વ્યક્તિને એમ લાગે કે પોતાની સારવાર થઇ ગઇ અને તે થાળે પડી શકે તથા તેના સગા વ્હાલાઓને પણ રાહત થાય.

– દરેક ચીજને આપણે ઓક્સફોર્ડને હાવર્ડમાં ભણ્યા હોઇએ, આપણે ઉચ્ચ કક્ષાના શહેરી હોઇએ, આપણે બહુ સાયન્ટીફીક ટેમ્પરામેન્ટ ધરાવતા હોઇએ તે દ્રષ્ટિથી મૂલવતી વખતે આપણે એ ધ્યાનમાં રાખવું જોઇએ કે તેનાથી ચીજો બદલાઇ નથી જવાની. સમાજના વિવિધ સ્તરો હોય છે. લોકો જુદી જુદી માન્યતાઓ ધરાવતા હોય છે અને તે રીતે વર્તતા હોય ચે. મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બરાબર કહ્યું કે આ લોકો પણ સમાજનો એક ભાગ છે. તેમને મળવામાં શું વાંધો હોઇ શકે? અમે તો અમારી વાત રાખવા માટે સમાજના દરેક વર્ગને મળીએ છીએ.

– ચુડાસમાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ અંધશ્રદ્ધાને ઉત્તેજન નથી આપતા. તેઓએ શક્તિ ઉપાસકોના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ શક્તિ ઉપાસકોવાળી વાત અંગ્રેજી અખબારોમાં ડિવાઇન પાવર તરીકે છપાઇ છે. આવું અંગ્રેજી અર્થઘટન કરીને અંગ્રેજી મિડિયાએ આખી વાતને ફરીથી exorcist વાળી ખ્રિસ્તી વિભાવના તરફ લઇ જવાનો પ્રયત્ન કર્યો છે. શક્તિ ઉપાસના એટલે માતાજીની ઉપાસના. એનું અંગ્રેજી થાય Goddess. આમાં ડિવાઇન પાવર ક્યાંથી આવ્યું વળી?

-અખબારમાં મેં ઉપરોક્ત કાર્યક્રમના વિરોધમાં પ્રથમ નોંધ જોઇ તે એક એવા દલિતભાઇના નામ સાથે છપાઇ હતી કે જે થોડા સમય અગાઉ ખ્રિસ્તીભાઇ દ્વારા વિદેશી ફંડથી ચાલતા પ્રખર હિંદુ વિરોધી દલિત સંગઠન સાથે સંકળાયેલા હતા. ગુપ્તચર સંસ્થાઓના અહેવાલ બાદ વિદેશી ફંડ બંધ થતા આ સંસ્થા લગભગ મૃતપ્રાય અવસ્થામાં આવી એટલે પેલા ભાઇ તેમાંથી છુટા પડયા છે. આખો કાર્યક્રમ હિંદુ દેવી, પરંપરા અને મંદિર સાથે સંલગ્ન હતો અને આરએસએસ-ભાજપના બેકગ્રાઉન્ડમાં યોજાયો હતો એટલે જેમને પેટમાં દુઃખતું હોય તેમણે કાર્યક્રમને નવા નવા ટવીસ્ટ અાપ્યા છે અને રજનું ગજ કર્યું છે. આની સાથે સંકળાયેલી આખી ઇકો સિસ્ટમે મુદ્દાને પછી એમ્પ્લીફાઇ કરીને આગળ વધાર્યો છે.

– બની શકે કે મંત્રીઓએ કાર્યક્રમમાં હાજર રહીને ભૂવાઓને કહેવા જેવી કેટલીક વાત હોય તે પણ કહી હોય. ક્યાંય મિડિયામાં તેનો કોઇ ઉલ્લેખ નથી.

-ક્યાંક મિડિયામાં ભૂવાજીઓને તાંત્રિક કહી દેવાયા છે. હવે માતાજીની ઉપાસના કરતા ભૂવા તાંત્રિક ક્યાંથી બની ગયા? આવા મિડિયા હાઉસે પહેલા તપાસ કરવી જોઇએ કે એની ટચૂકડી જાહેરખબરોમાં નિયમિત રીતે લગભગ દરરોજ કેટલા તાંત્રિકોની જાહેરખબરો આવે છે કે જે વાસ્તવમાં તો ફાઇવ સ્ટાર ઠગ હોય છે. ગ્રામીણ ભૂવાજીઓ સાઇકલ પર ફરે છે, બહુ બહુ તો બાઇક ફેરવે છે. સામાન્ય જીવન જીવતા હોય છે. આમાં અંધસ્રદ્ધાળુઓ હશે, ક્યાંક ઠગ હશે. પરંતુ તે તો કયા ધંધામાં નથી હોતા?બધાને એક લાકડીએ શીદ હાંકવા?

Morari Bapu enjoying Dakla

Falguni Pathak singing Dakla beat song

error: Content is protected !!