સ્વતંત્રતા દિવસે મોદીએ લાલ કિલ્લા પરથી આપ્યો ‘ન્યૂ ઈન્ડિયા’નો મંત્ર

નવી દિલ્હી, દેશગુજરાત: ભારતના 71માં સ્વતંત્રતા દિવસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કર્યો હતો. જેમાં મોદીએ ન્યૂ ઈન્ડિયાનો મંત્ર આપ્યો હતો. પોતાના ભાષણમાં વડાપ્રધાને ભ્રષ્ટાચાર, નોટબંધી, કાશ્મીર, ચીન, ખેડૂતો, જીએસટી, રોજગારી અને ત્રણ તલાક સહિતના ઘણા મુદ્દાઓને આવરી લીધા હતા. આ ઉપરાંત મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી તેમણે 2022 સુધીમાં ન્યૂ ઈન્ડિયા બનાવવાનું આહવાહન કર્યું હતું.

ગોરખપુર કાંડ

બીઆરડી હોસ્પિટલમાં 70થી વધારે બાળકોના મૃત્યુ અંગે બોલતા વડાપ્રધાને કહ્યું હતું કે સમગ્ર દેશને આ બાળકોના મોત અને અન્ય કુદરતી હોનારતમાં જીવ ગુમાવી ચૂકેલા લોકોનું દુ:ખ છે. વડાપ્રધાને કહ્યું હતું કે દુ:ખના પ્રસંગે પ્રત્યેક દેશવાસી પીડિતોની સાથે ઊભો છે.

કુદરતી હોનારતો

દેશના ઘણા ભાગોમાં કુદરતી હોનારતોથી ઘણું નુકસાન સહન કરવું પડ્યું છે. આ ગ્લોબલ વોર્મિંગનું પરિણામ છે કે ક્યારેક ક્યારેક કુદરતી આપત્તીઓ સંકટ લાવે છે. હું દેશવાસીઓને વિશ્વાસ અપાવવા ઈચ્છું છું કે આવા સંકટના સમયમાં પૂરી સંવેદનશીલતા સાથે જનસામાન્યની સુરક્ષા માટે અમે કોઈ પણ વાતની ખોટ વર્તાવા દઈશું નહીં.

સામુહિક સંકલ્પ શક્તિથી બનશે ન્યૂ ઈન્ડિયા

2022માં આઝાદીના 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. 1942થી 1947 સુધી દેશે એક સામૂહિક શક્તિનું પ્રદર્શન કર્યું હતું. આપણે આઝાદીના 75 વર્ષ બાદ આપણી સામૂહિક સંકલ્પશક્તિ, સામૂહિક પ્રતિબદ્ધતા દ્વારા દેશને આગળ લઈ જવાનો છે. આપણે જાણીએ છીએ કે સામૂહિકતાની શક્તિ શું હોય છે. સામૂહિક શક્તિથી મહાત્મા ગાંધીએ દેશને આઝાદી અપાવી હતી. આપણે ન્યૂ ઈન્ડિયા બનાવવાનું છે. ન્યૂ ઈન્ડિયાનો સંકલ્પ લઈને આગળ વધવાનું છે. ન્યૂ ઈન્ડિયા જે સમૃદ્ધ અને શક્તિશાળી હોય.

2018 અસામાન્ય હશે

વડાપ્રધાને કહ્યું હતું કે 2018ની એક જાન્યુઆરી સામાન્ય નહીં હોય. જે લોકોએ 21મી સદીમાં જન્મ લીધો છે તેમના માટે આ મહત્વનું વર્ષ છે. તેઓ તેમના જીવનના નિર્ણાયક વર્ષમાં છે. તેઓ 21મી સદીના ભાગ્યવિધાતા હશે. 18 વર્ષના થનાર તે તમામ નવજવાનોનું હું સ્વાગત કરું છું. તમને દેશના ભાગ્યનું નિર્માણ કરવાની તક મળી રહી છે. દેશ તમને તે માટે આમંત્રણ આપી રહ્યો છે.

ચાલશે નો જમાનો ગયો

મોદીએ દેશવાસીઓને નિરાશા ફગાવી દેવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશવાસીઓએ નિરાશા છોડી દેવી પડશે. જેવો મનનો ભાવ હોય છે તેવું જ કાર્યનું પરિણામ હોય છે. આપણે નિરાશામાં ઉછર્યા છીએ. આપણે નિરાશા છોડી દેવી પડશે. હવે ચાલે છેનો જમાનો ગયો. હવે બદલાયું છે, બદલાઈ રહ્યું છે, બદલાઈ શકે છેનો સમય આવી ગયો છે.

આડકતરી રીતે પાકિસ્તાનને સંદેશ આપ્યો

દેશના સુરક્ષા જવાનોની પ્રશંસા કરતા વડાપ્રધાને કહ્યું હતું કે આપણી સેનાએ જ્યારે જ્યારે તક મળી છે ત્યારે પોતાનું સમાર્થ્ય દેખાડી દીધું છે. આપણા દેશના વીરોએ બલિદાનની પરાકાષ્ઠા કરી છે. જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક થઈ તો દુનિયાએ આપણી તાકાત માનવી પડી. દેશની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને આંતરિક સુરક્ષા અમારી પ્રાથમકિતા છે. વન રેન્ક વન પેન્શન અટકી ગયું હતું અને સરકારે તેને પુરૂ કર્યું. તેનાથી દેશ માટે લડવાની તેમની તાકાત વધી જાય છે.

જીએસટીથી વિશ્વ આશ્ચર્યમાં

જે રીતે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સફળ થયું છે તે જોતાં વિશ્વ તેનાથી આશ્ચર્યમાં મૂકાઈ ગયું છે કે આટલા મોટા દેશમાં જીએસટી કેવી રીતે લાગુ કરી શકાય છે. જીએસટીથી દેશને નવી શક્તિ મળી છે. બે ગણી ઝડપથી રેલવેના પાટા પાથરવાનું કામ ચાલી રહ્યું છે. 14,000થી વધારે ગામડામાં વિજળી પહોંચી ગઈ છે. દેશ અજવાળા તરફ આગળ વધી રહ્યો છે. 29 કરોડ ગરીબોનું બેક એકાઉન્ટ છે. જ્યારે નવ કરોડથી વધારે સોઈલ હેલ્થ કાર્ડ બન્યા છે, ગરીબ મહિલાઓને ગેસની સગડી મળી છે. યુવાનોને રોજગાર માટે લોન મળી રહી છે. મોંઘવારી પર નિયંત્રણ આવ્યું છે. ઘર બનાવવા માટે ઓછા વ્યાજથી રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આજે સરકાર જે કહે છે તેને કરવા માટે તે સંકલ્પ બદ્ધ છે.

ખેડૂતોને મળતી વિવિધ મદદ

ખેડૂતો આજે પાકનું રેકોર્ડ ઉત્પાદન કરી રહ્યા છે. દાળનું ઉત્પાદન રેકોર્ડ બ્રેક થયું છે. ભારતમાં ક્યારેય સરકારે દાળ ખરીદી નથી પરંતુ આ વખતે સરકારે 16 લાખ ટન દાળ ખરીદી છે જે ઐતિહાસિક કામ છે. વડાપ્રધાન પાક વીમા યોજનાથી કરોડો ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો છે. ગયા વર્ષે મેં મારા ભાષણમાં કહ્યું હતું કે અમે 21 યોજનાઓ પૂરી કરી ચૂક્યા છીએ. 99 યોજનાઓનો અમે સંકલ્પ કર્યો છે. 2019 પહેલા અમે તેને પૂરી કરી દઈશું. જ્યાં સુધી અમે ખેડૂતો માટે બીયારણથી માંડી બજાર સુધીની વ્યવસ્થા નહીં કરીએ ત્યાં સુધી તેમનું ભાગ્ય બદલાઈ શકશે નહીં.

18 લાખ લોકો ઇનકમ ટેક્સના રડારમાં

લાલકિલ્લા પરથી 15 ઓગસ્ટે ધ્વજ ફરકાવીને કરેલા ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાંથી કાળુનાણુ હટાવવાના મુદ્દે કહ્યું હતું કે નોટબંધી પછી 18 લાખ લોકોએ 1.75 લાખ કરોડ બેંકોમાં જમા કરાવ્યા છે અને આ રકમ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના રડારમાં છે. આ લોકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

તેમણે એમ કહ્યું કે 18 લાખથી વધુ લોકો તેમના રડારમાં છે, કે જેમની આવક કરતાં ડિપોઝિટ થયેલા નાણાં વધુ હતા. નોટબંધીનું પરિણામ એ આવ્યું કે ગત વર્ષે કુલ 22 લાખ લોકોએ આઇટી રિટર્ન ફાઇલ કર્યું હતું, જ્યારે આ વર્ષે 56 લાખ લોકો આઇટી રિટર્ન ફાઇલ કરવા પહોંચ્યા છે.

ગત નવેમ્બરમાં રૂ.500 અને 1000ની નોટ બંધ કરવા અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે નોટબંધીને કારણે ત્રણ લાખ કરોડ રૂપિયા જે લોકોના ઘરમાં કે લોકરોમાં પડી રહ્યા હતા તે બેન્કિંગ સિસ્ટમમાં આવી ગયા છે. આ અમારી સરકારનું સંશોધન નથી, પરંતુ સ્વતંત્ર લોકો કે એજન્સીએ આપેલા અહેવાલ છે.

ચીન મુદ્દે કહ્યું, ભારત કોઈપણ પડકાર ઝીલવા તૈયાર

ચીનનું નામ લીધા વગર બે મહિના લાંબા ડોકલામ ઘર્ષણ અંગે તેમણે કહ્યું હતું કે તેમની સરકાર માટે દેશની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સૈન્યને દેશની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે દેશની બાહ્ય અને આંતરિક સુરક્ષા આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પછી તે સરહદ પર હોય, સરહદની અંદર હોય, દરિયાઈ હોય કે સાયબર સુરક્ષા હોય. ભારત કોઈપણ પ્રકારનો પડકાર ઝીલવા માટે સજ્જ અને તૈયાર છે. આપણી આર્મી, બહાદુર જવાનો અને યુનિફોર્મમાં હાજર દરેક કર્મચારી કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે.

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ત્રાસવાદ કે ત્રાસવાદીઓ સાથે કોઈપણ પ્રકારનું કૂણું વલણ અપનાવવામાં નહીં આવે. તે સાથે તેમણે એમપણ કહ્યું હતું કે રાષ્ટ્રની મુખ્યધારામાં આવવા તૈયાર ત્રાસવાદીઓને સરકાર એક તક આપવા તૈયાર છે. તેમણે કહ્યું હતું કે અમે ત્રાસવાદીઓને કહી દીધું છે કે તેઓ રાષ્ટ્રની મુખ્યધારામાં આવવા તૈયાર છે તો દેશના લોકતાંત્રિક માળખાને અનુરૂપ તેમની સાથે વાતચીત કરવામાં આવશે.

વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે ત્રાસવાદીઓ સાથે કડક હાથે કામ પાર પાડવામાં વિશ્વના ઘણા દેશો અમને મદદ કરી રહ્યા છે. વિશ્વમાં જ્યાં પણ હવાલા ટ્રાન્જેક્શન થાય છે કે માહિતી અમારા સુધી પહોંચી જાય છે. ત્રાસવાદીઓની કોઈપણ હરકત અંગે આખું વિશ્વ આપણને મદદ કરી રહ્યું છે.

વડાપ્રધાનના ભાષણના અન્ય મહત્વના મુદ્દાઓ

  • આ વર્ષ દેશ માટે મહત્વનું વર્ષ છે. આપણે ચંપારણ સત્યાગ્રહ, સાબરમતિ આશ્રમની શતાબ્દી ઉજવી રહ્યા છીએ
  • ગરીબોને લૂંટીને પોતાની તિજોરી ભરનારા ધનવાનો આજે ચેનથી સૂઈ નથી શકતા. આજે એવો માહોલ બન્યો છે કે ઈમાનદારીનો ઉત્સવ મનાવાઈ રહ્યો છે, અને બેઈમાનીને મોઢું છૂપાવવાની જગ્યા નથી મળી રહી.
  • બેનામી સંપત્તિ અંગેના કાયદા વર્ષોથી અટવાયેલા પડ્યા હતા. થોડા સમયમાં જ 800 કરોડથી વધુની બેનામી સંપત્તિ બહાર આવી.
  • સરકારની યોજનાઓમાં ગતિ વધી છે. પ્રોજેક્ટમાં વિલંબથી સૌથી વધુ નુક્સાન ગરીબોને થાય છે. આપણે નવ મહિનામાં મંગળ પર પહોંચી શકીએ છીએ, પરંતુ દેશમાં રેલવેનો એક પ્રોજેક્ટ 42 વર્ષથી અટકેલો પડ્યો હતો.
  • એક સમય હતો જ્યારે યુરિયા, કેરોસીન માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે તનાતની થતી હતી. પરંતુ હવે કેન્દ્ર અને રાજ્યના સંબંધોની વ્યાખ્યા બદલાઈ છે.
  • લોકતંત્ર મતપત્રક સુધી સિમિત થઈ ગયું છે, પરંતુ ન્યૂ ઈન્ડિયામાં તંત્રથી લોકો નહીં, પણ લોકોથી તંત્ર ચાલે તેવું તંત્ર દેશની ઓળખ બને તેવો માહોલ અમે સર્જવા માગીએ છીએ.
  • નોટબંધીમાં સવા સો કરોડ દેશવાસીઓએ સહકાર આપ્યો, જેના કારણે આજે ભ્રષ્ટાચાર પર લગામ કસવામાં આપણે સફળ રહ્યા છીએ.
  • આપણા દેશણાં નેચર ઓફ જોબમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. માનવ સંસાધનના વિકાસ માટે નવી યોજનાઓ સરકારે શરુ કરી છે
  • છેલ્લા ત્રણ વર્ષમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને કારણે કરોડો યુવાનોને સ્વરોજગારની પ્રેરણા મળી. ત્રણ વર્ષમાં છ નવી આઈઆઈએમ, આઠ નવી આઈઆઈટીનું નિર્માણ થયું.

error: Content is protected !!