અમારી સરકાર ગરીબો આદિવાસીઓ વંચિતો, પીડિતો, શોષિતો અને ગામડાંઓના વિકાસને સમર્પિત છે

ગાંધીનગર: રૂપાણીએ જણાવ્યું છે કે, મા ભારતીની આઝાદી માટે ગુરૂ ગોવિંદે ૧૫૦૦ જેટલા આદિવાસીઓ સાથે અંગ્રેજો સામે લડી સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાનું યોગદાન આપ્યુ હતું.

આ સંદર્ભે તેમણે કહ્યું કે, આદિવાસીઓના ગુરૂ એવા ગુરૂ ગોવિંદે લોકકલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.

મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા ઝાલોદ તાલુકાના કારઠ-કંબોઇ ખાતે ગુરૂ ગોવિંદ સમાધી સ્થળ કંબોઇને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા રૂા. ૨.૫૦ કરોડના ખર્ચે હાથ ધરાનાર વિકાસ કામો તથા રૂા. ૩.૨૦ કરોડના ખર્ચે કેદારનાથ મહાદેવ મંદિર ચોસલાને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ નવરચિત સંજેલી તથા ઝાલોદ તાલુકાના રૂા. ૪.૮૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ તાલુકા પંચાયત ભવનોનું લોકાર્પણ કર્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ ગુરૂ ગોવિંદના પૌત્રો પ્રતાપગીરી મહારાજ અને છત્રગીરી મહારાજનું સન્માન કર્યું હતું. મુખ્ય મંત્રીશ્રીએ સ્પેશિયલ ખેલ મહાકુંભ-૨૦૧૮માં ૧૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર દિવ્યાંગ જિગ્નાબેન નિનામાનું ગૌરવ-સન્માન કર્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ ગુરૂ ગોવિંદ સમાધિ સ્થળે નતમસ્તક વંદન કર્યા હતા.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, અમારી સરકાર ગરીબો-આદિવાસીઓ, વંચિતો, શોષિતો, પીડિતો અને ગામડાંઓના વિકાસ માટે સમર્પિત છે.

માત્ર વિકાસની રાજનીતિથી સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે રાજય સરકાર સમાજના તમામ વર્ગોનો સર્વસમાવેશ વિકાસ થાય તે દિશામાં આગળ વધી વિકાસના મીઠા ફળ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડયા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વનબંધુ કલ્યાણ યોજના હેઠળ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોના સર્વાંગીણ વિકાસ માટે રૂા. ૮૦ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિવાસીઓનો આર્થિક-સામાજિક અને શૈક્ષણિક વિકાસ થતાં તેમના જીવનમાં આર્થિક ઉન્નતિ આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે બજેટમાં આદિવાસીઓના કલ્યાણ માટે રૂા. ૫૦ હજાર કરોડની ફાળવણી કરી છે તેમ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજય સરકારે વનવાસીઓને જંગલના અધિકારો આપવા સાથે આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય રેસીડન્સી સ્કૂલ, છાત્રાલયો તેમજ આદિવાસી વિદ્યાર્થીઓ, ડૉકટર, એન્જિનિયર બને તે માટે દાહોદ અને સુરતમાં મેડીકલ કોલેજો શરૂ કરી છે.

રાજયમાં પીવાના પાણીનો દુકાળ ભૂતકાળ બને તે માટે ૬૮૯ જેટલી પાણી પુરવઠા યોજનાઓ મંજૂર કરી છે તેમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે છેવાડાના તાલુકા સુધી વિકાસના ફળો મળે તે માટે દાહોદ જિલ્લામાં સંજેલીને નવો તાલુકો બનાવવામાં આવ્યો છે.
દાહોદ જિલ્લામાં કડાણા જળાશય આધારિત સિંચાઇ યોજના રૂા. ૧૧૦૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી છે. જેનું ૭૫ ટકા કામ પૂર્ણ થયું છે. તેમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજજવલા યોજના હેઠળ ૧.૬૪ લાખ લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ ગુરૂ ગોવિંદના જીવનમાંથી પ્રેરણા લઇ રાજય-રાષ્ટ્રના વિકાસ માટે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
કેન્દ્રિય આદિજાતિ રાજય મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, આદિવાસી સમાજ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. ગુરૂ ગોવિંદ આદિવાસી સમાજના વિકાસ માટે ધુણી ધખાવી આઝાદી માટે પોતાનું જીવન ન્યોચ્છાવર કર્યું હતું.
શ્રી ભાભોરે ઉમેર્યું કે, ગુરૂ ગોવિંદે આદિવાસી સમાજના વિકાસ માટે સેવેલું સ્વપ્ન આજે પૂર્ણ થયું છે.

તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશમાં ગરીબો માટે ૧.૨૦ કરોડ આવાસોનું નિર્માણ કરવા સાથે ઉજજવલા યોજના, સૌભાગ્ય યોજના હેઠળ નોંધપાત્ર કામગીરી કરી છે.

શ્રી ભાભોરે જણાવ્યું કે, રાજય સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબધ્ધ છે.

પ્રારંભમાં કલેકટર શ્રી વિજય ખરાડીએ સૌનો આવકાર કર્યો હતો.

મુખ્ય મંત્રીશ્રીનું જિલ્લા પ્રશાસન સહિત વિવિધ સમાજ સંગઠનો દ્વારા સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું

આ અવસરે આદિજાતિ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, રાજય મંત્રી સર્વ શ્રી જયદ્રથસિંહજી પરમાર, બચુભાઇ ખાબડ, ઇશ્વરસિંહ પટેલ, અગ્રણી શ્રી અમીત ઠાકર, ધારાસભ્યો સર્વ શ્રી રમેશભાઇ કટારા, શૈલેષભાઇ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી યોગેશભાઇ પારગી, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી શંકરભાઇ અમલિયાર, અગ્રણીઓ, પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર. કે. પટેલ, ગુરૂ ગોવિંદ ટ્રસ્ટના હોદ્દેદારો સહિત વિશાળ સંખ્યામાં વનવાસી માનવ મહેરામણ ઉમટી પડયો હતો.

error: Content is protected !!