સુરતમાં રવિવારે થયેલા હિંસક વિરોધમાં પોલીસે 500થી વધુ તોફાનીઓ સામે ગુનો નોંધ્યો

સુરત, દેશગુજરાત: સુરત શહેર પોલીસે ગઈકાલે (રવિવારે) પદ્માવત ફિલ્મની રીલીઝને લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલા અને 500થી વધુ તોફાનીઓ સામે ગુનો નોંધ્યો છે, જેમાં 200થી વધુ એવા વિરોધીઓ સામેલ છે, જેમણે મહિલા પોલીસ અધિકારી સાથે ગેરવર્તન કર્યું હતું.

એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, એક મહિલા પી.એસ.આઈ.એ તેની ફરજ દરમિયાન રુકાવટ તેમજ તેની સાથે દુર્વ્યવહાર કરવા અંગે 250 લોકોના ટોળા સામે આઈપીસીની વિવિધ કલમોમાં કેસ નોંધાવ્યો છે.

સીટી બસ પર હુમલાના કેસમાં અંદાજે 300 તોફાની તત્વો વિરુદ્ધનો કેસ પણ કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

ઉમરા અને કડોદરા પોલીસ સ્ટેશનોમાં પણ અંદાજે 40 થી 50 લોકો સામે આ રીતે જ ગુના નોંધાયા છે.

નોંધનીય છે કે, પદ્માવત ફિલ્મની રીલીઝના વિરોધમાં રવિવારે બપોર બાદ સુરતમાં   કરણી સેના, મહાકાલ સેનાના સભ્યો અને મોટાભાગના સામાજિક વિરોધી તત્વોએ હિંસક પ્રદર્શનો કર્યા હતા.

શહેરના કતારગામ વિસ્તારમાં સીટી બસ પર હુમલો કર્યો અને તેની વિન્ડો પેનને નુકસાન પહોંચાડ્યું ત્યારે પોલીસને લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી.

કાપોદ્રા પોલીસ મથકના પીઆઇ વી.કે.પટેલ કાપોદ્રા ક્રોસિંગ નજીક તોફાની ટોળાને કાબુમાં લેવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે પીઆઈ પટેલને પણ ટોળાએ ધક્કે ચઢાવ્યા હતા.

શહેરના પુણા વિસ્તારમાં પણ એ જ રીતે પરવત પાટીયા નજીક એક મહિલા પોલીસ અધિકારીને પણ તેમની ફરજ દરમિયાન તેમની સાથે ટોળાએ દુર્વ્યવહાર કર્યો હતો.

error: Content is protected !!