પદ્માવત વિવાદ: ગુજરાતમાં ફિલ્મની સ્ક્રીનીંગ નહીં છતાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત, હાઈવે પર ચક્કાજામ, કેટલાક એસ.ટી. રૂટ બંધ

નવી દિલ્હી: ભારે વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે આજે (ગુરુવારે) ‘પદ્માવત’ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે. ગુજરાતમાં મલ્ટીપ્લેક્સના માલિકોના એસોસિએશન દ્વારા ફિલ્મની સ્ક્રીનીંગ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, તેમ છતાં જડબેસલાક પોલીસ વ્યસ્થા ગોઠવવામાં આવી છે અને પેરા મિલીટરીની 12 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.  રાજપૂતના તમામ સંગઠનોએ બંધનું એલાન પાછુ ખેંચ્યું હોવા છતાં આજે રાજ્યમાં વિરોધના ભાગ રૂપે તોડફોડ, હાઈવે પર ચક્કાજામ, આગચંપી જેવી ઘટનાઓ સામે આવી છે. જેને કારણે રાજ્યના કેટલાક એસ.ટી. રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે.

જોકે, પદ્માવત ફિલ્મની રીલીઝને લઈને દેશભરમાં આપવામાં આવેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. પરંતુ  ગુજરાતમાં બંધની સ્થિતિ જોવા મળી છે. અમદાવાદમાં હિમાલયા મોલના સંસ્થાપકો દ્વારા તેને સંપૂર્ણ પણે બંધ રાખ્યો છે. તો એક્રોપોલીસ મોલ ભારે પોલીસ સુરક્ષા વચ્ચે ચાલુ છે. વિરોધનું વધતા અમદાવાદના હાર્દ સમા આશ્રમરોડ પર શાંતિપૂર્ણ વાતાવરણમાં બંધ પાળવામાં આવ્યો છે અને રોડ સુમશાન જોવા મળી રહ્યો છે. બંધની સંપૂર્ણ અસર જોવા મળી છે. સીટી ગોલ્ડ સહિતના થીએટરો બંધ છે. રાજકોટ સહિત અનેક સ્થળે શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. યાર્ડ બંધ રાખવામાં આવ્યા છે.

સુરતમાં સ્થિતિ જુદી જોવા મળી હતી. સુરતમાં ફિલ્મ રિલિઝ ન થવાની હોવાને પરિણામે કરણીસેનાએ બંધનું એલાન મોકુફ રાખ્યું હોવાથી, બધું જ રાબેતા મુજબ ચાલી રહ્યું છે. સુરતમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. આમ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. દહેગામ હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો છે.

અમરેલીના પીપાવાવ – રાજુલા હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યા હતો. જાબાળ ગ્રામજનો દ્વારા સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યા હતા. ફિલ્મ ‘પદ્માવત’ના વિરોધમાં પ્રદર્શન કરી રોડ પર ટાયરો સળગાવી હાઈવે ચક્કાજામ કર્યા હતા. જેને પરિણામે હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.

 બંધના એલાનને આંશિક સફળતા બાદ કરણી સેનાના આગેવાનો મોરબીની બઝારોમાં વિવધ બેનરો સાથે નીકળ્યા હતા. લોકોને બંધમાં સહકાર આપવા અપીલ કરી હતી. કરણી સેનાના આગેવાનોએ બંધમાં તમામ સમાજના વેપારીઓ સ્વૈચ્છિક રીતે જોડાયા હોવાનો દાવો કરી બંધની સફળતા બદલ તમામ સમાજના વેપારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

રાજકોટમાં કરણીસેના જનતા કર્ફ્યૂનો અમલ કરાવવા રોડ પર નિકળી પડી હતી. જેમાં રાજકોટના યાજ્ઞિક રોડ પર એક પોલીસ કર્મી પણ જોડાયો હોવાનું જાણવા મળ્યું હતું. એક પોલીસ કર્મી બાઈક પર પાછળ બેસીને હાથ ઉંચો કરી સૂત્રોચ્ચાર કરતો અને બંધ પળાવતો જોવા મળ્યો હતો.

ફિલ્મ ‘પદ્માવત’ના વિરોધમાં કરણી સેનાએ બંધનું એલાન આપ્યું હતું. ગુજરાતમાં બંધની તાકેદારીના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારોમાં એસટી બસો બંધ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, ખેડા, ધોળકા, ભાવનગર તરફ જતી બસો બંધ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, એસ.ટી. બસોની સાથે ખાનગી બસોના પૈડા પણ થંભાવી દેવાયા છે.

ફિલ્મને લઇ વધતા જતા વિરોધને કારણે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી બે અરજીઓ દાખલ કરવામાં આવી છે જેની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે. અરજીમાં પદ્માવતને લઈને થઈ રહેલી હિંસા પર કોર્ટ આદેશની અવગણનાનો કેસ ચલાવવાની માગણી કરવામાં આવી છે. પહેલી અરજી કોંગ્રેસના નેતા તહસીન પુનાવાલા તરફથી કરવામાં આવી છે. આ અરજીમાં ચાર રાજ્યોમાં પદ્માવતને લઈને થયેલી હિંસાનો ઉલ્લેખ કરાયો છે.

તહસીન પુનાવાલા તરફથી કરવામાં આવેલી અરજીમાં ચાર રાજ્યોમાં થયેલી હિંસાનો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં સતત હિંસાની ઘટનાઓ થઈ રહી છે. રાજ્ય સંપૂર્ણ રીતે આ ઘટનાને રોકવામાં નિષ્ફળ રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. અરજીમાં એવી માગણી કરવામાં આવી છે કે આ રાજ્યોના ચીફ સેક્રેટરી, હોમ સેક્રેટરી અને ડીજીપીને કોર્ટમાં તલબ કરવામાં આવે.

વિનીત ઢાંડા તરફથી કરવામાં આવેલી બીજી અરજમાં કહેવાયું છે કે, ફિલ્મની રિલીઝને સુપ્રીમ કોર્ટ દ્વારા લીલી ઝંડી મળી હોવા છતાં હિંસા થઈ રહી છે. વિનીતે રાજપૂત કરણી સેનાના ત્રણ નેતાઓ સૂરજપાલ, કરણસિંહ અને લોકેન્દ્ર સિંહ કલવી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના આદેશની અવગણનાનો મામલો ચલાવવાની માગણી કરી છે. આ અંગે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું છે કે, તેઓ સોમવારે આ મામલે સુનાવણી હાથ ધરશે.

error: Content is protected !!