પાકિસ્તાને જાહેર કર્યો કુલભૂષણ જાધવનો નવો વિડીયો

ઇસ્લામાબાદ (પાકિસ્તાન), દેશગુજરાત: છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય કુલભૂષણ જાધવ સોમવારે ઇસ્લામાબાદમાં આવેલા વિદેશ મંત્રાલયમાં પોતાની માતા અને પત્ની સાથે 40 મીનીટની મુલાકાત કરી હતી. જોકે, આ મુલાકાત સમયે તે અને તેના સ્વજનો વચ્ચે કાચની દીવાલ હોવાથી તેઓએ માત્ર ટેલીફોનીક વાતચીત કરી હતી. આ મુલાકાત બાદ પાકિસ્તાન વિદેશ મંત્રાલયે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેઓએ કહ્યું કે, કુલભૂષણ અને તેની માતાએ પાકિસ્તાન સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

પાકિસ્તાનની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે કહ્યું કે, કુલભૂષણ યાદવની તેના પરિવાર સાથેની મુલાકાત સકારાત્મક રહી. આ દરમિયાન બંને એ ખુલ્લીને વાતો કરી હતી. તેમની મુલાકાત સમયે કાચની દીવાલ અંગે તેમને કહ્યું કે, તે સુરક્ષાને કારણે હતી. અમે પહેલેથી જ કહ્યું હતું કે, મુલાકાત થશે પરંતુ સુરક્ષાને લગતા અવરોધો પણ હશે.

તેમની મુલાકાતની સામે આવેલી તસ્વીરમાં જાધવ તેની માતા અને પત્ની સાથે વાત કરતો નજરે પડે છે અને તેણે વાદળી રંગનો સુટ પહેરેલો હતો. ઉલ્લેખનીય છે કે, જાધવ છેલ્લા 21 મહિનાથી પાકિસ્તાનની જેલમાં કેદ છે.

પ્રવક્તા ફૈઝલે વધુમાં કહ્યું કે, કુલભૂષણની માતા અને પત્નીની મુલાકાત કાઉન્સેલર એક્સેસ હેઠળની ન હતી.  આ મુલાકાત માનવતાને આધારે હતી. આ મુલાકાત દરમિયાન ભારતીય રાજદૂત જેપી સિંહ પણ હાજર હતા અને તેઓ આ મુલાકાત જોઈ રહ્યા હતા. તેમને મળવાની મંજુરી આપવામાં આવી ન હતી.

તેમને વધુમાં કહ્યું કે, અમે ભારતને જે વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું. અમે ભારતને 30 મીનીટની મુલાકાત માટે વચન આપ્યું હતું. પરંતુ મુલાકાત દરમિયાન કુલભૂષણ જાધવે વધુ સમય માટે અનુરોધ કરતા તેમને વધુ 10 મિનીટ આપવામાં આવી હતી. તેથી, મુલાકાત 40 મિનીટની રહી.

કહેવામાં આવી રહ્યું છે કે, આ મુલાકાત માટે ખુદ કુલભૂષણ જાધવે અપીલ કરી હતી. મુલાકાતના થોડા સમયમાં જ પાકિસ્તાન સરકારે તેનો વિડીયો જાહેર કર્યો છે. વિડીયોમાં કુલભૂષણ જાધવે કહ્યું કે ‘મેં પાકિસ્તાન સરકારને પોતાના પરિવારને મળવાની અપીલ કરી હતી. ત્યારે પાકિસ્તાન સરકારના આ પગલા માટે હું તેમનો આભાર માનું છું.’

error: Content is protected !!