માછીમારી કરવા નીકળેલી ઓખાની બોટને પાકિસ્તાનના ચાંચીયાઓએ લૂંટી લીધી, ખલાસીઓને 2 કલાક સુધી બનાવ્યા હતા બંધક

ઓખા: સૌરાષ્ટ્રમાંથી માછીમારી કરવા જતા માછીમારોને અવારનવાર પાકિસ્તાની ચાંચીયાઓ દ્વારા લૂંટી લેવામાં આવે છે તેમજ  અપહરણ પણ કરવામાં આવે છે. અઠવાડિયાં પહેલાં નવનીતિ નામની બોટને લૂંટી લીધા બાદ બુધવારે ઓમકાર નામની ઓખાની વધુ એક બોટને લૂંટી લેવાઈ હતી. સાત માછીમારોને બે કલાક સુધી બંધક બનાવ્યા બાદ છોડી મુકાયા હતા પણ બોટનો તમામ સામાન લૂંટી લેવાયો હતો.

ઓખાથી માછીમારી કરવા નીકળેલી ઓમકાર નામની બોટ માછીમારી કરતાં કરતાં આંતરરાષ્ટ્રીય જળસીમાની અંદર બે કિલોમીટર સુધી ભૂલથી જતી રહી હતી. એવામાં પાકિસ્તાનની બોટ ધસી આવી હતી અને તેમાં રહેલા ચાંચીયાઓ દ્વારા આ બોટને લૂંટી લેવાઈ હતી. બોટમાં સવાર સાત ખલાસીઓને બંધક બનાવી લેવાયા હતા અને બોટમાં રહેલા તમામ ખલાસીના મોબાઈલ ફોન, ખલાસીઓના પાસ, બોટના દસ્તાવેજો, માછીમારી કરવાનો કિંમતી માલસામાન, ટીવી, વીએચએફ જેવી ચીજો લૂંટી પાક. ચાંચીયાઓ નાસી ગયા હતા. ઓમકાર બોટના સાતેય ખલાસીઓને બે કલાક બંધક બનાવીને છોડી મુકાયા હતા અને આ બોટ તથા ખલાસીઓ બુધવારે ઓખા બંદરે પરત ફર્યા હતા.

error: Content is protected !!