ભારતમાં પીસીપીઆઈઆરમાં 1.83 લાખ કરોડનું રોકાણ, 3 લાખથી વધુ લોકોએ રોજગારી મેળવી: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

નવી દિલ્હી : કેન્દ્રીય રસાયણ અને ખાતર, માર્ગ વાહન-વ્યવહાર અને ધોરીમાર્ગ તથા શિપીંગ રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગઈકાલે (ગુરુવારે) એક નિવેદનમાં માહિતી આપતા કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’નાં વિઝનને પગલે ચાલીને રસાયણ અને ખાતર મંત્રાલય અંતર્ગત રસાયણ અને પેટ્રોકેમિકલ વિભાગે ઔદ્યોગિક વિકાસ અને રોજગાર નિર્માણ કરવા માટે પેટ્રોલિયમ, રસાયણ અને પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (પીસીપીઆઈઆર)માં વધુ રોકાણ આકર્ષીને સારી પ્રગતિ નોંધાવી છે.

માંડવિયાએ માહિતી આપી હતી કે ક્લસ્ટર આધારિત વિકાસ મોડલ અંતર્ગત, વિભાગે ગુજરાત, આંધ્રપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુની અંદર ચાર પીસીપીઆઈઆરનું નિર્માણ કર્યું છે, જે તેમના અમલીકરણના અંતિમ તબક્કામાં છે. અમલીકરણનું કાર્ય પૂર્ણ થયા બાદ આ પીસીપીઆઈઆર પાસે અંદાજે 8 લાખ કરોડ રૂપિયાનું રોકાણ હશે અને તેઓ આશરે 40 લાખ લોકો માટે રોજગારી નિર્માણ કરે તેવી સંભાવના છે. અત્યાર સુધીમાં આ પીસીપીઆઈઆરમાં 1,83,000 કરોડ રૂપિયાનું રોકાણ થઇ ગયું છે અને ૩ લાખથી વધુ લોકોને રોજગારી પણ મળી છે.

ગુજરાતમાં પીસીપીઆઈઆરના સફળ અમલીકરણની નોંધ લેતા માંડવિયાએ કહ્યું કે ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ (ઓપલ)ને દહેજ ખાતે એક એંકર યુનિટ તરીકે સ્થાપવામાં આવ્યું છે. 170 ઔદ્યોગિક એકમોને પહેલેથી જ કાર્યાન્વિત કરી દેવામાં આવ્યા છે, જ્યારે 830 કરતા વધુ એકમો હાલ પીસીપીઆઈઆર દહેજ ખાતે અમલીકરણના તેમના વિવિધ તબક્કાઓમાં છે અને અત્યાર સુધીમાં 86,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે તેમજ કુલ 1,32,000 લોકો માટે રોજગારીનું નિર્માણ થયું છે.

error: Content is protected !!