વડોદરા: ટેકનિકલ શિક્ષણ અંગેના નીતિ નિયમો નહી જાળવનાર કોલેજોને કાયમી ધોરણે બંધ કરવાની એઆઇસીટીઇની ચીમકી

વડોદરા: દેશમાં આવેલી એન્જિનિયરિંગ કોલેજોમાં અપાતા શિક્ષણની ગુણવતા અને લેબોરેટરી સહિતની માળખાકીય સુવિધા સામે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ) દ્વારા કડક વલણ અખત્યાર કરાયુ છે. ટેકનિકલ શિક્ષણ અંગેના નીતિ નિયમો નહી જાળવનાર કોલેજોને કાયમી ધોરણે બંધ કરવા ચીમકી ઉચ્ચારી છે. શિક્ષણ માટે વધુ ફંડ ફાળવવા એ.આઇ.સી.ટી.ઇ.ના મેમ્બર સેક્રેટરીએ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

એઆઇસીટીઈના મેમ્બર સેક્રેટરી ડૉ. એ.આર.મિત્તલે વધુમાં કહ્યું હતું કે, યોગ્ય ગુણવત્તા નહી ધરાવતી.એન્જિનિયરીંગ કોલેજોમાં અપાતા શિક્ષણની ગુણવત્તા સુધારાવી ખૂબજ આવશ્યક છે. કારણ કે હવે ટેકનોલોજી ક્ષેત્રે નવા નવા સંશોધનો અને ઝડપી વિકાસ થઈ રહ્યો છે. જેની સમાજ જીવન પર લાંબા ગાળાની ખૂબજ અસર પડી શકે છે. ઓલ ઈન્ડિયા કાઉન્સલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા શિક્ષણની ટેકનીકલ ક્ષેત્રે ગુણવત્તા સુધારવાના આદરેલા પ્રયાસોના ભાગરૂપે દેશભરની ૧૬૨ જેટલી એન્જિનિયરીંગ કોલેજો બંધ કરાવી દેવાઈ છે. ઉપરાંત અન્ય કોલેજો એઆઇસીટીઈના નીતિ નિયમોને જો નહી અનુસરે તો તે કોલેજો બંધ કરવા ફરજ પાડવામાં આવશે.

એન્જિનિયરીંગ ટેકનિકલ શિક્ષણ આપની કેટલીય કોલેજોમાં લેબોરેટરીની સુવિધા પણ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ નથી હોતી અને માત્ર પેપર પર જ ચાલતી આવી  કોલેજો સામે પણ લાલ આંખ કરાઈ છે. એઆઇસીટીઇના મેમ્બર સેક્રેટરીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના બજેટમાં સંરક્ષણ ક્ષેત્રે વધુ ખર્ચ થાય છે અને ત્યારબાદ શિક્ષણનો નંબર આવે છે. પરંતુ ટેકનિકલ શિક્ષણ દેશની ઔદ્યોગિક પ્રગતિ માટે અત્યંત જરૂરી છે.

જેથી કેન્દ્ર સરકારે બજેટમાં વધુ ફંડ ફાળવવાની જરૂરત હોવા પર ભાર મુક્યો હતો. સરકારે પોતે પણ ટેકનિકલ એન્જિનિયરીંગ ઇન્સ્ટિટયુટો સ્થાપવી જોઇએ અને આ અંગે કેન્દ્રના હ્યુમન રિસોર્સ વિભાગના પ્રધાન પ્રકા જાવડેકરને પણ મળી એઆઇસીટીઇ દ્વારા યોગ્ય રજૂઆત કરી ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે વધુ ફંડ ફાળવવા વિનંતી કરાઇ હતી. ઉપરાંત આ અંગે સતત વાટાઘાટો પણ હાલમાં ચાલુ જ છે.

વડાપ્રધાન મોદીના ‘સ્ટાર્ટ અપ’ ઇન્ડિયાના ભાગરૂપે દેશમાં ટેકનિકલ અભ્યાસનું સ્તર સુધારવા અને એવું શિક્ષણ આપવું જરૂરી છે. જેથી કરીને વિદ્યાર્થીઓ નોકરી શોધવાને બદલે નોકરીની તકો ઊભી કરતાં થાય. વાઘોડિયાના લીમડા ખાતેની પારૂલ યુનિવર્સિટીમાં યોજાએલા પ્રથમ કોન્વોકેશનમાં ઉપસ્થિત રહેલા ડૉ. એ.પી. મીત્તલે વિદ્યાર્થીઓને પ્રાસંગિક ઉદબોધન કર્યા બાદ તેમના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.

error: Content is protected !!