એમ્સમાં દાખલ પૂર્વ વડાપ્રધાન વાજપેયીને મળવા પહોંચ્યા વડાપ્રધાન મોદી, તબિયત સ્થિર

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીને નવી દિલ્હીની એમ્સ (AIIMS) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાજપેયીને માત્ર રેગ્યુલર ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે અને તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (સોમવારે) મોડી સાંજે વાજપેયીના ખબર-અંતર પૂછવા માટે એમ્સ પહોંચ્યા હતા. આ સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ હોસ્પિટલની મુલાકાત લઈને વાજપેયીના ખબર-અંતર પૂછ્યા હતા. જોકે ,હાલમાં વાજપેયીને મળવા માટે કોઇને પણ પરવાનગી આપવામાં આવી નથી. આ તમામ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ વાજપેયીની તબિયત પૂછવા એમ્સ પહોંચ્યા હતા.

છેલ્લા ઘણાં સમયથી વાજપેયીની તબિયત ખરાબ ચાલી રહી છે. હાલ એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલરિયાની દેખરેખ હેઠળ તેમનું ચેકઅપ ચાલી રહ્યું છે. અગાઉ તેમનુ રૂટિન ચેકઅપ તેમના ઘરે જ થતો હતો, પરંતુ આ વખતે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એમ્સના જણાવ્યા અનુસાર,  વાજપેયીના વિવિધ મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જોકે, તેમની સ્થિતિ સ્થિર છે. હાલમાં તેઓ ર્કોડિયો ન્યૂરો સેન્ટરમાં છે. કોઇને પણ તેમને મળવાની પરવાનગી નથી. વાજપેયીને હોસ્પિટલમાંથી ક્યારે રજા આપવામાં આવશે તે અંગેની હજુ કોઈ માહિતી સામે આવી નહતી.

error: Content is protected !!